Gujarati News

Gujarati News

News of Monday, 8th April 2019

લોકસભાની ચૂંટણી ચોકીદાર સામે ચોરોની ચૂંટણી : મુખ્યમંત્રી વિજય રૂપાણી

ચૂંટણીનો મુખ્ય એક જ મુદ્દો દેશની રક્ષા માટે સક્ષમ કોણ : ચોર મચાયે શોરના વાક્યને યથાર્થ કરીને આજે ચોરો ચોકીદાર મોદીને ચોર કહેવા નિકળ્યા છે : રાધનપુર અને હારીજ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીજનસભામાં આક્રમક

અમદાવાદ,તા.૭ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાટણ લોકસભા બેઠકના રાધનપુર ખાતે વિશાળ જનસભા સંબોધતા જણાવ્યું હતું કે, ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યાં છે. ચૂંટણીનો મુખ્ય એક જ મુદો છે. દેશ કોના હાથમાં સલામત દેશની રક્ષા કરવા માટે કોણ સક્ષમ ? ૫૬ની છાતીવાળો પ્રધાનમંત્રી જોઇએ છે કે ડરપોક, વોટબેંકની રાજનીતિ કરનાર પ્રધાનમંત્રી જોઇએ છે. આ ચૂંટણી ચોકીદાર વિરૂધ્ધ ચોરોની ચૂંટણી છે. મેં ભી ચોકીદાર હું ના નાદ સાથે દેશભરના લોકો દેશના ચોકીદાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે ઉભા છે. નરેન્દ્ર મોદીએ પણ કહ્યું છે કે, તેઓ પ્રધાનમંત્રી નહીં, પ્રધાનસેવક છે, ચોકીદાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશની તિજોરી પર ભ્રષ્ટાચારનો પંજો નહીં પડવા દે. રૂપાણીએ જણાવ્યું હતું કે, જે રીતે શરીરની તંદુરસ્તી માટે ભેળસેળ હંમેશા નૂકશાનકર્તા હોય છે તેમ  મહાગઠબંધનના નામે ઉભી થયેલ મહામિલાવટ ગેંગ પણ આ દેશની તંદુરસ્તી માટે નૂકશાનકર્તા છે. તેઓ કહે છે કે, મોદી હટાવો, અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે, ભ્રષ્ટાચાર હટાવો. તેઓ કહે છે કે, મોદી હટાવો, અને મોદી કહે છે કે, ગરીબી હટાવો, દેશની જનતાએ નક્કી કરવાનું છે કે, કોને હટાવવા છે. આ મહામિલાવટી નેતાઓએ તેઓ જ્યારે સત્તામાં હતાં ત્યારે ખૂબ ભ્રષ્ટાચાર કર્યો. પરિવારો - સગાસંબંધીઓને માલામાલ કર્યા સિવાય બીજું કંઇજ કર્યું નથી. ગરીબ, પીડીત, શોષીત, વંચિતોની કંઇજ ચિંતા કરી નથી. "ચોર મચાયે શોર" વાક્યને યથાર્થ કરી આજે આ ચોરો ચોકીદાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ચોર કહેવા નિકળ્યાં છે. પરંતુ દેશના ચોકીદાર ચોર નહીં પણ એકદમ પ્યોર છે, અને આ દેશની ઇમાનદારીથી સેવા કરી રહ્યાં છે. તેમનું એક જ સુત્ર છે, "ખાતો નથી કે ખાવા દેતો નથી." કોંગ્રેસ તેમના જમાઇની ચિંતા કરવામાં વ્યસ્ત છે. હેલીકોપ્ટર કૌભાંડમાં આરજી , એપી, જેવા નામ સામે આવી રહ્યાં છે. દલાલી અને બેઇમાની જાણે કોંગ્રેસનો પર્યાય બની ગયાં છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યં હતું કે, આ ચૂંટણી ઇમાનદાર વિરૂધ્ધ બેઇમાનની ચૂંટણી છે. ૧૦ વર્ષ સુધી ડો. મનમોહનસિંહની સરકાર સોનીયા ગાંધીના રિમોટ કંટ્રોલથી ચાલતી હતી. આ સમયમાં દેશે કૌભાંડો ઉપર કૌભાંડો જોયા છે. કોલસા કૌભાંડ, રજી સ્પેક્ટ્રમ કૌભાંડ, કોમન વેલ્થ ગેમ ગોટાળો, હેલીકોપ્ટર કૌભાંડ એમ ચારે બાજુ ભ્રષ્ટાચાર જ ભ્રષ્ટાચાર હતો. કોંગ્રેસના ડઝનબંધ નેતાઓ જેલની હવા ખાઇ ચૂક્યાં છે, અને આજે જામીન ઉપર બહાર છે. નરેન્દ્ર મોદી દિલ્હી ગયાં ત્યારથી દલાલોની દુકાનો બંધ કરી મૂકી છે, તેથી વચેટીયાઓને પેટમાં દુખે છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં જેમ ઇમાનદારીથી શાસન કર્યું, એ જ રીતે આજે પ્રધાનસેવકના રૂપમાં દેશ માટે કામ કરી રહ્યાં છે. એક તરફ રાષ્ટ્રવાદી વિચારધારા સાથે ત્રાસવાદ વિરૂધ્ધની લડાઇની કટીબધ્ધતા તેમજ ભારતમાતાને શક્તિશાળી બનાવવાના સંકલ્પ સાથે આગળ વધી રહેલી ભાજપા છે, જ્યારે બીજી તરફ પરિવારવાદ, આતંકીઓને છાવરનાર, વોટબેંકની રાજનીતિ કરનાર કોંગ્રેસ છે. ભાજપાનો વિચાર સ્પષ્ટ છે, "તેરા વૈભવ અમર રહે માં, હમ દિન ચાર રહે ના રહે" જીવીશુ તો દેશ માટે, મરીશુ તો દેશ માટે. ભાજપાનો દરેક કાર્યકર દેશ માટે ખપી જવાની ભાવના ધરાવે છે.  દેશની સત્તા પર એક જ પરિવારનો અધિકાર છે, તેવી સંકુચિત માનસિકતાથી કોંગ્રેસ પીડાઇ રહી છે. પહેલાં જવાહરલાલ નહેરૂ, ત્યારબાદ ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનીયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી. કોંગ્રેસમાં પરિવારવાદ સિવાય બીજું કાંઇ નથી. દરમિયાન આજરોજ પાટણના હારીજ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્ય સરકારના મંત્રીઓ, પ્રદેશ અગ્રણીઓ, જીલ્લા પંચાયતના પ્રમુખઓ, જીલ્લા પ્રમુખ/મહામંત્રીઓ, ધારાસભ્યઓ, વિવિધ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં પાટણ લોકસભાના ભાજપાના ઉમેદવાર ભરતસિંહ ડાભીના સમર્થનમાં યોજાયેલ જનસભામાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓ અને સમર્થકોને સંબોધન કર્યુ હતુ. રૂપાણીએ જણાવ્યુ હતુ કે, ચૂંટણીના બૂંગીયા ફૂંકાઇ રહ્યા છે, ત્યારે આ વખતની ચૂંટણી ચોકીદારો અને ચોરો વચ્ચેની છે. એક તરફ સીમા પર તેનાત સૈનિકો દેશની ચોકી કરી રહ્યા છે, દિલ્હીમાં બેઠેલા પ્રધાનસેવક નરેન્દ્ર મોદી કોંગ્રેસના કારમા પંજાથી સરકારી સંપત્તિનું રક્ષણ કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ ચોર લોકોની જમાત ઉભી છે, ચોર-ચોર માસિયાઇ ભાઇની જેમ મહામિલાવટવાળું ગઠબંધન મોદી હટાવોના નારા લગાવી રહ્યું છે. કારણ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનમાં તેમના શટર પડી ગયા છે. આ વખતે ઇમાનદાર અને બેઇમાનો વચ્ચેની લડાઇ છે. વ્યક્તિથી વિશેષ પાર્ટી અને પાર્ટીથી વિશેષ દેશ છે, તે ભાજપાની નીતિ રહી છે. દેશ માટે જીવીશું અને દેશ માટે મરીશું. ભારત માતા અમારા માટે સર્વોપરી છે.

(9:43 pm IST)