Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

તંદુરસ્‍ત જીવનશૈલી અને સુખાકારી માટે ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડ દ્વારા કાલથી રિવરફ્રન્‍ટ ઇવેન્‍ટ સેન્‍ટર ખાતે ત્રિદિવસીય નિઃશુલ્‍ક યોગ શિબિર

અમદાવાદ: ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના નેજાં હેઠળ લોકોની તંદુરસ્ત જીવનશૈલી અને સુખાકારી માટે કાર્યરત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગમય ગુજરાત અંતર્ગત આગામી 9, 10 અને 11 માર્ચ, 2021ના રોજ રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે નિઃશુલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

આ શિબિર પ્રત્યે શહેરના નાગરિકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકોએ મિસ્ડ કોલ દ્વારા રજીસ્ટ્રેશન કરાવ્યાં છે. આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં દરરોજ સવાર-સાંજના સત્રમાં લોકો યોગ શીખશે, યોગ કરશે, યોગના લાભો અંગે મહત્વપૂર્ણ જાણકારીઓ મેળવશે તથા તેમની આસપાસ યોગ સંસ્કૃતિના પ્રચાર અને પ્રસાર માટે કટીબદ્ધતા કેળવશે.

આજે કાર્યક્રમની વિગતો આપતાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન અને યોગ સેવક શીશપાલ રાજપૂતે જણાવ્યું હતું કે, “નિઃશુલ્ક યોગ શિબિરમાં સામેલ થવા માટે શહેરીજનો તરફથી અમને ખૂબજ સકારાત્મક પ્રતિસાદ સાંપડ્યો છે અને રજીસ્ટ્રેશન કરાવ્યાં છે, જેનાથી અમારો ઉત્સાહ વધ્યો છે. ભારતે સમગ્ર વિશ્વને યોગની અમૂલ્ય ભેટ આપી છે અને આજે વિશ્વભરના લોકો યોગના લાભોથી પરિચિત છે ત્યારે આપણા દેશમાં યોગ સંસ્કૃતિના મૂળિયાં વધુ ઊંડા ઉતરે તથા વધુ લોકો યોગ તરફ આકર્ષાય તે માટે અમે હંમેશા પ્રયાસરત રહ્યાં છીએ.”

તેમણે ઉમેર્યું હતું કે, “ઘણી ગંભીર બિમારીઓનો સામનો કરવામાં યોગ ખૂબજ ઉપયોગી સાબિત થયું છે. હાલમાં કોવિડ-19 મહામારીમાં મોટી સંખ્યામાં લોકો બિમારી સામે જંગ જીત્યા બાદ પણ તેની આડ અસરો અનુભવી રહ્યાં છે. તેઓએ કોરોનાથી મુક્તિ મેળવી છે, પરંતુ કોરોનાની આડઅસરોને કારણે બીજી સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે.

આ પરિસ્થિતિમાં ફરી એકવાર તંદુરસ્ત જીવનશૈલીની દિશામાં આગળ વધવા યોગ ખૂબજ ઉપયોગી નિવડી શકે છે. યોગ શિબિર દ્વારા અમે લોકોને શારીરિક અને માનસિક તંદુરસ્તી તથા એકંદર સુખાકારી માટે યોગની મહત્વતા વિશે જાગૃતિ ફેલાવવાનો ઉદ્દેશ્ય ધરાવીએ છીએ. મને વિશ્વાસ છે કે અમદાવાદના લોકો અમારા મીશનને પૂર્ણ સહકાર આપશે અને રોગ મુક્ત ગુજરાતનું સપનું સાકાર કરવામાં યોગદાન આપશે.”

(5:21 pm IST)