Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

૨૦ ફૂટ ઊંડા ખાડામાં કાર ખાબકી, ડ્રાયવર-મુસાફરનો આબાદ બચાવ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારી : સીટીએમ વિસ્તારમાં એરપોર્ટથી પોતાના ગામ તરફ જઈ રહેલા શખ્સનો અકસ્માતમાં આબાદ બચાવ

અમદાવાદ, તા.૮  : એક તરફ જી૨૦ સમિટને કારણે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં રંગરોગાનની કામગીરી ચાલી રહી છે. રસ્તા પર સમારકામ ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ તંત્રની ઘોર બેદરકારીને કારણે એક કાર ખાડામાં ખાબકી હોવાની ઘટના સામે આવી છે. શહેરની સીટીએમ વિસ્તારમાં આજે વહેલી સવારે એરપોર્ટથી પોતાના ગામ તરફ જઈ રહેલી કાર ખાડામાં ખાબકી હતી. ઉલ્લેખનીય છે કે આ ખાડો પાછલા દોઢ મહિનાથી તંત્ર દ્વારા ખોદવામાં આવ્યો છે.

ઘટનાની વિગતવાર વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં સીટીએમ ચાર રસ્તા પાસે વહેલી સવારે એક અકસ્માત સર્જાયો હતો. પૂર્વદીપ સોસાયટીના બીઆરટીએસબસ સ્ટેન્ડ નજીક પાછલા દોઢ મહિનાથી એક ખાડો ખોદવામાં આવ્યો છે. આ ખાડો તંત્ર દ્વારા ખોદવામાં તો આવ્યો હતો પરંતુ પછી કોઈ કામગીરી કરવામાં નથી આવી. આટલુ જ નહીં, એક કાર ખાબકી જાય એટલો મોટો ખાડો હોવા છતાં અહીં કોઈ બેરિકેડ પણ મૂકવામાં નથી આવ્યા.

આણંદની એગ્રિકલ્ચર યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાન્સલર અરવિંદ શેખ સવારના સમયે અમદાવાદ એરપોર્ટથી આણંદ તરફ જઈ રહ્યા હતા. તેમના ડ્રાઈવર કાર ચલાવી રહ્યા હતા. તેમની ગાડી આ ૨૦ ફૂટ ઊંડા ખાડામાં ખાબકી ગઈ હતી. સદ્દનસીબે કાર ડ્રાઈવર અને પૂર્વ વાઈસ ચાન્સલરનો આ ઘટનામાં આબાદ બચાવ થયો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, લગભગ અડધો કલાક સુધી બન્ને ખાડામાં ફસાયેલા રહ્યા હતા. રાહદારીઓની મદદથી તેમને સહી સલામત બહાર નીકાળવામાં આવ્યા હતા. પ્રાપ્ત જાણકારી અનુસાર, અડધો કલાક સુધી આ લોકોની મદદ માટે કોર્પોરેશન તરફથી કોઈ આવ્યુ નહોતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા ટ્રાફિક પોલીસ તરફથી ઘટનાની જાણ કરવા માટે કોઈ જ કર્મચારી કે અધિકારી આવ્યા નહોતા. ક્રેઈનની મદદથી કારને બહાર નીકાળવામાં આવી હતી. જો અહીં બેરિકેડ મૂકવામાં આવ્યા હોત તો આ પ્રકારના અકસ્માતને ટાળી શકાય હોત. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરની ઓળખ માત્ર સ્માર્ટ સિટિ તરીકેની નથી, ખાડા નગરી તરીકે પણ થાય છે. ચોમાસામાં ચારેબાજુ ભુવા પડવાની જે ઘટના બને છે તેનાથી કોઈ અજાણ નથી, પરંતુ તંત્ર દ્વારા પણ બારેમાસ કોઈને કોઈ કારણોસર શહેરના અલગ અલગ વિસ્તારોમાં ખોદકામ કરવામાં આવતુ હોય છે. અહીં પણ કોર્પોરેશન દ્વારા દોઢ મહિનાથી ખાડો ખોદવામાં આવ્યો હતો. તેમજ બેરિકેડ અથવા વોર્નિંગ ના મૂકીને તંત્રએ ઘોર બેદરકારી દર્શાવી છે.

(7:50 pm IST)