Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

સોજીત્રામાં ટ્રાફિકને અડચણરૂપ દબાણો હટાવતા રસ્તાઓ મોકળા થયા

આણંદ : છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લાના સોજિત્રા નગરમાં ખડકાયેલ ગેરકાયદેસર દબાણોનો પ્રશ્ન ચર્ચામાં રહ્યો હતો ત્યારે અંતમાં આજે સોજિત્રા પાલિકા દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં સવારથી દબાણ હટાવો અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વહીવટી તંત્રની ટીમો વચ્ચે તંત્રએ નગરના વિવિધ વિસ્તારોમાં ખડકાયેલ ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેતા દબાણકર્તાઓમાં ફફડાટની લાગણી વ્યાપી ગઈ હતી.

સોજિત્રા નગરપાલિકા વિસ્તારની મુખ્ય ચોકડીથી લીમડી ચોક સુધી ખડકાયેલ દબાણોના કારણે માર્ગ સાંકડો થઈ ગયો હતો અને અવારનવાર ટ્રાફીક જામના દ્રશ્યો જોવા મળતા હતા. તાજેતરમાં દબાણ હટાવવા મુદ્દે સોજિત્રા નગરપાલિકામાં બે-બે ચીફ ઓફીસર બદલાયા બાદ અંતે પેટલાદના ચીફ ઓફીસરને સોજિત્રા નગરપાલિકાનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો અને તેઓએ ગતરોજ દબાણકર્તાઓને સ્વૈચ્છિક રીતે દબાણો દુર કરવાનું અંતિમ અલ્ટીમેટમ આપ્યું હતું. ત્યારબાદ આજે સવારથી પોલીસ કાફલો સાથે રાખીને પાલિકા તંત્રની ટીમ દ્વારા દબાણ હટાવો ઝૂંબેશ હાથ ધરાઈ હતી. સોજિત્રા નગરપાલિકાના ચીફ ઓફીસર સહીત પાલિકાની ટીમ ટ્રેક્ટર, જેસીબી સહીતના સાધનો સાથે દબાણો હટાવવાની કામગીરીમાં લાગી હતી અને મુખ્ય ચોકડીથી લીમડી ચોક સુધી ખડકાયેલ ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. બપોર સુધીમાં અંદાજે ૪૦થી વધુ લારીઓ તેમજ દુકાનદારો દ્વારા કરવામાં આવેલ ૫૦થી વધુ કાચા-પાકા ઓટલારૂપી દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

(7:00 pm IST)