Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

નર્મદા જિલ્લામાં આવેલ પંડિત દિન દયાલ ગ્રાહકની ૩૦ દુકાનોની તપાસમાં તંત્રને કોઈપણ ક્ષતિ જણાઈ નથી

નર્મદા જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તેમજ નર્મદા જિલ્લા પંડિત દિન દયાલ ગ્રાહક ભંડાર માટેની જિલ્લા તકેદારી સમિતિની બેઠક યોજાઇ

(ભરત શાહ દ્વારા ) રાજપીપળા : રાજપીપલા કલેક્ટરાયલ ખાતે આજરોજ નર્મદા જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ અને નર્મદા જિલ્લા પંડિત દિન દયાલ ગ્રાહક ભંડાર માટેની તકેદારી સમિતિની તબક્કાવાર બેઠકો યોજાઇ હતી. જેમાં જિલ્લાના જિલ્લાની ૨૨૧ જેટલી વાજબી ભાવની દુકાનેથી રાહતદરે NFSA લાભાર્થીઓને કરવામાં આવતાં રેગ્યુલર વિતરણ અંગેની ચર્ચા કરવામાં આવી હતી.   

 જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે. જાદવ, નિવાસી અધિક કલેકટર સી.એ.ગાંધી, જિલ્લા પુરવઠા અધિકારી કે.એસ.નિનામા, જિલ્લા રજીસ્ટ્રાર-સહકારી મંડળીઓ-નર્મદા, નર્મદા જિલ્લા આદર્શ ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ નયનચંન્દ્ર પુરોહિત, કાનુની માપ વિજ્ઞાન કચેરીના મદદનીશ નિયંત્રક, વેપારી મંડળના પ્રતિનિધિઓ સહિતના સંબંધિત અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકમાં અપાયેલી જાણકારી મુજબ નર્મદા જિલ્લામાં આવેલ પંડિત દિન દયાલ ગ્રાહકની દુકાનોમાં ગેરરીતિ અટકાવવાં જિલ્લા કક્ષાએ તેમજ તાલુકાકક્ષાએથી ગત માસ દરમિયાન કરાયેલી ૩૦ જેટલી તપાસમાં કોઇપણ પ્રકારની ગંભીર ક્ષતિઓ જણાયેલ નથી. જિલ્લામાં વાજબી ભાવની દુકાનો પરથી ઓનલાઈન આધાર સીડીંગ થકી ઓળખ પ્રસ્થાપિત કરી અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ જો અંતરિયાળ વિસ્તાર હોય અને નેટવર્કની મુશ્કેલી હોય તેવા વિસ્તારોમાં પણ લાભાર્થીઓને નિયત કરાયેલ પુરાવા લક્ષમાં લઈને અનાજનું વિતરણ કરાઇ રહ્યું છે.  
  આ બેઠકમાં કોવિડ-૧૯ થી મૃત્યુ પામેલાં વાજબી ભાવની દુકાનના સંચાલકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી તેમના પરિવારજનોને મળવાપાત્ર સહાય તેમજ  મૃત્યુ પામેલા સંચાલકોના વારસદારોની વારસાઇ સમયસર થઇ જાય તે માટે તાત્કાલિક કાર્યવાહી કરવા જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાએ જરૂરી સુચનો કર્યા હતાં. વધુમાં પર્યુષાબેન વસાવાએ બી.પી.એલ. તથા એએવાય રેશન કાર્ડમાંથી વિભાજિત થનારા રેશનકાર્ડને બીપીએલ અને એએવાય રેશનકાર્ડ મળે તે જોવા ખાસ અનુરોધ કર્યો હતો.    
  આગામી સમયમાં આવનારા હોળીના તહેવારોને ધ્યાનમાં લઈને ગ્રામીણ વિસ્તારોમાં અનાજ વિતરણની વ્યવસ્થા બાબતે પૂરતી તકેદારી રાખવા અંગે પણ જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી.

(10:29 pm IST)