Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

IPR અંગે જાગૃતિ ન કેળવાય તો વિદેશી કંપનીઓનું પ્રભુત્વ

ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ ક્ષેત્રે સેમિનાર : પ્રતિષ્ઠિત પરિષદમાં પણ કોરોના વાયરસની અસર જોવા મળી : ચીન, કોરિયા સહિત દેશોના પ્રતિનિધિઓ ન આવ્યા

અમદાવાદ,તા. ૮ : આજના આધુનિક અને ટેકનોલોજી સભર જમાનામાં જયારે નવા નવા ઇનોવેશન્સ અને રિસોર્સીસ ઉપલબ્ધ બની રહ્યા છે ત્યારે દેશમાં ઉદ્યોગજગતમાં પણ ટ્રેડમાર્ક્સ, પેટન્ટ્સ, કોપીરાઇટ, ડિઝાઇન અને સાયબર સ્પેસ પરત્વેની જાગૃતિ અને તેની મહત્વતા ઘણી વધી જાય છે. ભારત આજે દુનિયામાં ઔેદ્યોગિક દ્રષ્ટિએ વિકાસની હરણફાળો ભરી રહ્યું છે ત્યારે ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ(આઇપીઆર)-બૌધ્ધિક સંપદા અધિકાર ક્ષેત્રે જાગૃતિ અને સભાનપણે અમલવારી જરૂરી બની છે, અન્યથા આવનારા વર્ષોમાં વિદેશી કંપનીઓ ભારતીય કંપનીઓની પેટન્ટ અને ટ્રેડમાર્ક ચોરી ભારતમાં જ પોતાનો પગદંડો જમાવી ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડી પોતાનું આર્થિક ઉપાર્જન બમણું કરશે એમ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ અંગે અમદાવાદમાં યોજાયેલા બહુ મહત્વના સેમીનારમાં આ ક્ષેત્રના નિષ્ણાત અને માર્કપેટન્ટ.ઓઆરજીના મેનેજીંગ ટ્રસ્ટી રાજેશકુમાર આચાર્ય અને હર્ષ એન્જીનીયર્સના સીઇઓ રાજેન્દ્રભાઇ શાહે જણાવ્યું હતું.

            તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં ઉદ્યોગજગતમાં ખાસ કરીને વ્યાપાર-ધંધા અને રોજગારમાં હજુ પણ પોતાની પેટન્ટ અને ટ્રેડમાર્કને લઇ ઘણી અજાગૃતતા અને ઉદાસીનતા જોવા મળી રહી છે, તેના કારણે પેટન્ટ અને ટ્રેડમાર્ક ચોરીના કેસો અને ફરિયાદો પણ વધી રહી છે. એક અંદાજ પ્રમાણે, દેશની કોર્ટોમાં પેટન્ટ અને ટ્રેડમાર્ક ચોરી અને તે સંબંધી કેસોનું પ્રમાણ ૨૦ ટકા જેટલું વધ્યું છે, જે ગંભીર કહી શકાય. કોઇપણ પ્રોડકટનું બ્રાન્ડીંગ અને માર્કેટીંગની સાથે સાથે તેની પેટન્ટ અને ટ્રેડમાર્ક પણ એટલા જ અગત્યના છે. આ એક બૌધ્ધિક સંપદા અધિકારનો મહત્વનો ઘટક છે, જેની કાયદાકીય રાહે અમલ કરી પ્રોડક્ટ અને ઉત્પાદનને રક્ષિત કરી શકાય છે. માર્કપેટન્ટ.ઓઆરજીના મેનેજીંગ ટ્રસ્ટી રાજેશકુમાર આચાર્ય અને હર્ષ એન્જીનીયર્સના સીઇઓ રાજેન્દ્રભાઇ શાહે ઉમેર્યું હતું કે, આજે ટેકનોલોજી અને સંશોધનો, રિસોર્સીસ વધી ગયા છે કે, પેટન્ટ અને ટ્રેડમાર્ક ચોરીનો ગંભીર ખતરો તોળાઇ રહ્યો છે, જે માત્ર ઉદ્યોગજગતને જ નહી પરંતુ દેશના અર્થતંત્ર અને તેના વિકાસને પણ વિપરીત હાનિ અને અસરો પહોંચાડે છે, તેથી આ પ્રકારના સેમીનાર થકી આઇપીઆર પરત્વે જાગૃતિ અને સાચી કાયદાકીય પધ્ધતિ મારફતે તેની અમલવારી ઉત્તમ નિરાકરણ છે. આજના સેમીનારમાં નોંધનીય વાત એ હતી કે, આઇપીઆર વિષય પરના આ બહુ મહત્વના સેમીનારમાં દેશ-વિદેશથી નિષ્ણાતો, તજજ્ઞો અને પ્રતિનિધિઓ આવ્યા હતા પરંતુ ચાઇના, કોરીઆ સહિતના દેશના પ્રતિનિધિઓ આવી શકયા ન હતા.

             કોરોના વાયરસની અસર શહેરમાં આ પ્રતિષ્ઠિત સેમીનારમાં પણ જોવા મળી હતી. આઇપીઆરની સૌથી પ્રતિષ્ઠિત પરિષદમાં ચાઇનાથી કુ.સિન્ડી લી, ટેરન્સ લેવ, ટોબી માક અને કુ.વેન્ડી ઝુ આ પરિષદમાં ભાગ લઇ શકયા ન હતા કારણ કે, તેમનો ઇ-વીઝા ભારત સરકાર દ્વારા રદ કરાયો હતો. ટોબી માકને તાજેતરમાં જ ચીનની મુલાકાતે આવ્યા હોવાથી હોંગકોંગ એરપોર્ટ પર વિમાનના બોર્ડીંગ ગેટથી પરત મોકલાયા હતા. જાપાનના વકતા ર્યો મારુઆમા સીંગાપોર એરલાઇન્સ દ્વારા મુસાફરી કરવાના હતા પણ તેમને એરલાઇન્સ દ્વારા ઉડાનની મંજૂરી આપવાનો ઇનકાર કરાયો હતો. જેથી તેમણે સ્કાયપે દ્વારા પોતાના વકતવ્ય આ કોન્ફરન્સમાં રજૂ કર્યા હતા. આમ, કોરોના વાયરની અસરના કારણે ચાઇના અને અન્ય પ્રભાવિત દેશોના પ્રતિનિધિઓ આજની પરિષદમાં ભાગ લઇ શકયા ન હતા, જે નોંધનીય બાબત બની રહી હતી.

(9:38 pm IST)
  • પાકિસ્તાનમાં વર્ષોથી બંધ પડેલું પ્રાચીન મંદિર હિંદુઓને પરત સોંપાયું : મુસ્લિમ ધર્મગુરુઓ ,સરકારી અધિકારીઓ ,તેમજ હિન્દૂ અને શીખ આગેવાનોની ઉપસ્થિતિમાં બલુચિસ્તાનના જોબ જિલ્લામાં આવેલા મંદિરની ચાવી સોંપતી વખતે સમારોહનું આયોજન કરાયું : મંદિરમાં ચાલતી પ્રાથમિક શાળા અન્ય જગ્યાએ ખસેડાશે . access_time 8:35 pm IST

  • " નોવેલ કોરોના વાઇરસ નિમોનિયા " :સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાઇરસને ચીને આપ્યું નવું નામ access_time 7:54 pm IST

  • દિલ્હીમાં 11 વાગ્યા સુધીમાં 8.24 મતદાન : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કેજરીવાલ , સોનિયા ગાંધી સહિતના દિગ્ગજોએ મતદાન કર્યું: પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ કર્યું વોટિંગ : દિલ્હીની રાજનીતિમાં ભાજપ અને આપ સાથે કોંગ્રેસના અસ્તિત્વથી ત્રિકોણીયો જંગ : સમગ્ર દેશની નજર દિલ્હી વિધાનસભાના પરિણામ પર : access_time 11:51 am IST