Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

સ્ટ્રોકથી દુનિયામાં વર્ષે ૬૦ લાખ લોકોના મોત થાય છે

એક કરોડથી વધારે લોકો વાઈથી મૃત્યુ પામે છે : ન્યુરોલોજિકલ રોગોની સારવાર ક્ષેત્રે ગુજરાત પ્રથમ ક્રમાંકે

અમદાવાદ,તા. ૮ : વર્લ્ડ ઇકોનોમિક ફોરમના અભ્યાસમાં એવી મહત્વપૂર્ણ જાણકારી સામે આવી છે કે, હેલ્થકેરની દ્રષ્ટિએ વર્તમાન દાયકો અતિ મહત્ત્વપૂર્ણ છે, ખાસ કરીને બિનચેપી રોગો (એનસીડી)ના વધતા ભારણને ધ્યાનમાં રાખીને ૧.૩ અબજની પ્રચંડ વસ્તી ધરાવતા ભારતમાં બિનચેપી રોગો (એનસીડી)નાં દર્દીઓમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. એનસીડીમાં ન્યુરોલોજિકલ રોગોનું પ્રમાણ મહત્ત્વપૂર્ણ છે. અપોલો હોસ્પિટલ ન્યુરોલોજિકલ રોગોનું નિદાન અને સારવાર કરવા શ્રેષ્ઠ સુવિધાઓ અને નવી, અસરકારક ટેકનીકો પ્રદાન કરવા કટિબધ્ધ છે.

              દુનિયાભરમાં સેંકડો મિલિયન લોકો ન્યૂરોલોજિકલ સમસ્યાઓથી પીડિત છે. જ્યારે દુનિયામાં દર વર્ષે આશરે ૬ મિલિયન લોકો સ્ટ્રોકને કારણે મૃત્યુ પામે છે, ત્યારે ૫૦ મિલિયનથી વધારે લોકો એપિલેપ્સી (વાઈ)ને કારણે મૃત્યુ પામે છે એમ અત્રે અપોલો હોસ્પિટલમાં ડીપ બ્રેઇન સ્ટિમ્યુલેશનનાં સ્પેશિયાલીસ્ટ અને ફંક્શનલ ન્યૂરો સર્જરીનાં ગ્રુપ એડવાઇઝર ડો.પરેશ દોશીએ જણાવ્યું હતું. ન્યૂરોલોજિકલ રોગોનો સામનો કરવા અદ્યતન નિદાન અને સારવારની સુવિધાઓ પૂરી પાડવાના પોતાનાં અભિયાનનાં ભાગરૂપે અપોલો હોસ્પિટલ્સે ડો.પરેશ દોશીનાં નેતૃત્વમાં ગુજરાતનું પ્રથમ અને અદ્યતન ન્યૂરોસર્જરી સેન્ટર સ્થાપિત કર્યું છે. ન્યૂરોસર્જરીની સબસ્પેશિયાલ્ટી ફંક્શનલ ન્યૂરોસર્જરી સૌથી વધુ થતી હલનચલનની સમસ્યાઓ માટે કારણભૂત પાર્કિન્સન્સ ડિસીઝ, એપિલેપ્સી સર્જરી, હતાશા અને ઓબ્સેસ્સિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર જેવા સાઇકિયાટ્રિક રોગો, અતિ દુઃખાવો અને સ્પાસ્ટિસિટીની સારવાર કરે છે.

           અત્યાર સુધી આ તમામ બિમારીઓની સારવાર દવાઓ દ્વારા થતી હતી. આ સેન્ટર ઓફ એક્સલન્સ ઉપરોક્ત તમામ જટિલ ન્યૂરોલોજિકલ બિમારીઓ  માટે અદ્યતન ફંક્શનલ ન્યુરોસર્જરી ઓફર કરે છે, જેથી ચેતાતંતુઓ આંશિકથી લઈને સંપૂર્ણપણે પુનઃ કાર્યરત થાય છે, જે દર્દીઓ માટે જીવનની ગુણવત્તા સુનિશ્ચિત કરે છે. અપોલો હોસ્પિટલમાં ડીપ બ્રેઇન સ્ટિમ્યુલેશનનાં સ્પેશિયાલિસ્ટ અને ફંક્શનલ ન્યૂરો સર્જરીનાં ગ્રુપ એડવાઇઝર ડૉ. પરેશ દોશીએ ઉમેર્યું કે, છેલ્લાં થોડાં દાયકાઓમાં ન્યૂરોલોજિકલ અને ન્યૂરોડિજનરેટિવ બિમારીઓમાં સતત વધારો થયો છે. પાર્કિન્સન જેવા ચેતાતંત્રનાં સતત વધતા રોગો વ્યક્તિની હલનચલનને અસર કરે છે, વ્યક્તિનાં રોજિંદા જીવન તથા વ્યક્તિત્વને અસર કરે છે.

           ડીપ બ્રેઇન સ્ટિમ્યુલેશન (ડીબીએસ) જેવી પ્રક્રિયાઓ દર્દીની હલનચલનની ક્ષમતામાં નોંધપાત્ર સુધારો કરે છે, જેથી રોગની અસર ઘટે છે. અમે અપોલો હોસ્પિટલ્સમાં આ પ્રક્રિયાઓ અને અદ્યતન ટેકનોલોજી અમારા દર્દીઓની અસરકારક સારવાર કરાવવા માટે ઉપલબ્ધ કરાવવાનો તથા તેમના જીવનની ગુણવત્તા વધારવાનો ઉદ્દેશ ધરાવીએ છીએ. ડીપ બ્રેઇન સ્ટિમ્યુલેશન (ડીબીએસ) એક સર્જિકલ પ્રક્રિયા છે, જેમાં મગજનાં ઇચ્છિત ભાગમાં ઇલેક્ટ્રોડનું ઇમ્પ્લાન્ટેશન સંકળાયેલું છે, જે પછી પેસમેકરનાં વાયરની મદદથી કનેક્ટ થાય છે. કાર્ડિયાક પેસમેકરની જેમ આ મગજનાં ઇચ્છિત ભાગને ઉત્તેજન આપે છે. ડીબીએસ અતિ કુશળ પ્રક્રિયા છે અને દુનિયાનાં પસંદગીનાં કેન્દ્રમાં જ હાથ ધરવામાં આવે છે તેમજ દરેક વ્યક્તિગત દર્દીની જરૂરિયાત મુજબ રિમોટ કન્ટ્રોલ દ્વારા બહારથી પ્રોગ્રામ કરી શકાશે. અપોલો હોસ્પિટલ્સ, ભાટ ખાતે આવતીકાલથી એડવાન્સ ન્યુરોસર્જરી સેન્ટર કાર્યરત થશે, જેનો ગુજરાતના લોકો હવે મહત્તમ લાભ લઇ શકશે.

(9:37 pm IST)