Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

અમદાવાદની સિવિલ હોસ્‍પિટલના પીડિયાટ્રિક વિભાગ દ્વારા વધુ એક સર્જરીઃ મકાઇનો દાણો ગળી ગયા બાદ ૩ વર્ષના બાળકની સફર સર્જરી

અમદાવાદ:  સિવિલમાં આવેલા પીડિયાટ્રિક વિભાગ દ્વારા વધુ એક ચમત્કારિક સર્જરી કરીને 3 વર્ષના બાળકને નવજીવન આપવામાં આવ્યું છે. ભાવનગરના મહુવાનું 3 વર્ષનું બાળક ભૂલથી મકાઈનો દાણો ગળી ગયા બાદ બાળકના અંગોમાં શ્વાસ ભરાઈ જતા તેના અંગોમાં સોજા આવી ગયા હતા. ડોકટરો દ્વારા તપાસ કરાયા બાદ શ્વાસનળીમાં મકાઈનો દાણો ફસાયાની જાણ થતા અત્યંત જોખમી ઓપરેશન સફળતાપુર્વક પાર પાડવામાં આવ્યું છે.

બાળક હોસ્પિટલમાં આવ્યું ત્યારે તેને શ્વાસોશ્વાસની તકલીફ જોવા મળી હતી. બાળકની બ્રોન્કોસ્કોપી કરાયા બાદ ડોક્ટરોની ટીમે ઓપરેશનમાં રહેલા રિસ્ક વિશે બાળકના માતા - પિતાને જાણ કરી હતી. બાળકને કફ થયા બાદ શ્વાસનળીમાં કોઈ કારણસર ચીરો પડ્યો હોવાને કારણે બાળકના અંગોમાં હવા ભરાઈ ગઈ હતી. ઓપરેશન બાદ બાળકના શ્વાસનળીમાંથી મકાઈનો દાણો સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો હતો.

3 વર્ષનું બાળક મકાઈનો દાણો ગળી ગયું છે. આ વાતની જાણ બાળકના માતા - પિતાને ન હતી, પરંતુ બાળકના છાતીમાં, આંખોમાં, ગાલ તેમજ અન્ય અંગોમાં સોજા થઈ જતા માતા - પિતા બાળકને લઈને ભાવનગરની હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જ્યાં ડોકટરો દ્વારા તપાસ કરાયા બાદ હાથ અધ્ધર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 2 ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રે બાળકને લઈને માતા - પિતા સિવિલમાં પહોંચ્યા હતા. જ્યાં બાળકની તપાસ કરીને સફળતાપુર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું. મકાઈનો દાણો ગળી ગયેલું બાળક હાલ સંપૂર્ણ સ્વાસ્થ છે. પરંતુ આ ઘટના તે તમામ માતા - પિતા માટે એલાર્મ સમાન છે કે જેઓ તેમના બાળકને રમવા છુટો મૂકી દેતા હોય છે. સિવિલ હોસ્પિટલ દ્વારા આ બાળકની સમયસર સારવાર કરવામાં આવી. જો સારવારમાં વધુ મોડું થયું હોત તો બાળકના માતા - પિતા માટે પસ્તાવાનો વારો પણ આવી શકત.

(5:20 pm IST)