Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

સુરતના જાણીતા બિલ્ડર્સ ગ્રુપ શ્રી કુબેરજી ગ્રુપમાં શુક્રવારે પણ આવકવેરા વિભાગની દરોડાની કાર્યવાહી ચાલુ રહીઃ કુલ ૨૦૦ કરોડના ડોક્યુમેન્ટ જપ્ત કરાયા

સુરત: શહેરના જાણીતા બિલ્ડર્સ ગ્રુપ શ્રી કુબેરજી ગ્રુપના ત્યાં શુક્રવારે બીજા દિવસે પણ આવકવેરા વિભાગની દરોડાની કાર્યવાહી યથાવત હતી. જેમાં કુલ 200 કરોડના ડોક્યુમેન્ટ જપ્ત કરાયા છે. આ દરોડામાં જમીન વેચનારા ખેડૂતો પણ નિશાના પર છે. તપાસમાં વધુ 50 લાખ રોકડ જપ્ત કરાઈ છે. 30થી વધુ જગ્યાઓ પર દરોડા પડ્યાં છે.

મળતી માહિતી મુજબ શુક્રવારે બીજા દિવસે પણ આવકવેરા વિભાગની કામગીરી ચાલુ રહી હતી જેમાં જમીન સોદાઓનો તો જાણે પટારો ખુલ્યો હતો. 200 કરોડ રૂપિયાના બિન હિસાબી વ્યવહારોના ડોક્યુમેન્ટ જપ્ત કરાયા છે. આ ડીલમાં જમીન વેચનારા ખેડૂતો પણ આવકવેરા વિભાગના નિશાને છે. તપાસમાં વધુ 50 લાખ કેશ મળી આવી.

નોંધનીય છે કે ગુરુવારે આવકવેરા વિભાગ દ્વારા કુબેરજી ગ્રુપના ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં તે વખતે એક કરોડ રૂપિયા રોકડા અને 50 લાખના ઘરેણા મળી આવ્યાં હતાં. 40 કરોડ રૂપિયાના બિન હિસાબી વ્યવહારો પણ મળી આવ્યાં હતાં. અમદાવાદ, વડોદરા અને સુરતના 150 જેટલા અધિકારીઓ દ્વારા આ કામગીરી હાથ ધરાઈ છે. સારોલી, રિંગરોડ અને પર્વત પાટિયાના પ્રોજેક્ટ્સ પર તપાસ હાથ ધરાઈ.

(5:16 pm IST)