Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

બાવળા તાલુકાનું શીયાળ ગામ ‘આયુષ ગામ’ બનશે

ભારત સરકારના રાષ્ટ્રીય આયુષ મિશન અંતર્ગત આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, અમદાવાદ દ્વારા આદિજાતિ વસતી ધરાવતું ગામ શીયાળ(તા. બાવળા)નો આયુષ ગ્રામ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે.

શીયાળ ગામ ખાતે ૧૦ ફેબ્રુઆરી સોમવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે આયુષ ગામ પ્રકલ્પનું લોકાર્પણધારાસભ્ય શ્રી કનુભાઇ પટેલના હસ્તે કરવામાં આવશે.

આયુષ ગ્રામ અંતર્ગત ગ્રામજનોને રોજિંદા જીવનમાં વિવિધ આયુષ ચિકિત્સા પધ્ધતિ જેવી કે આયુર્વેદ, યોગ, હોમીયોપેથી વગેરેના મૂળભૂત સિધ્ધાંતોને આચરણમાં મૂકી તંદુરસ્ત અને દીર્ઘ જીવન માટે માર્ગદર્શન આપવામાં આવે છે. આયુષ ગ્રામજનોની દિનચર્યા અને ઋતુચર્યામાં બદલાવ લાવવા ઘર દીઠ ‘આયુષ હેલ્થ કાર્ડ’ દ્વારા દરેક ગ્રામજનોને તેઓની તાસીર મુજબ આહાર-વિહારનું માર્ગદર્શન આપવામાં આવે છે. આયુષ ગ્રામજનો વિવિધ ઔષધિઓ ઘરનાં આંગણે ઉગાડી ઋતુજન્ય બિમારીઓને નાથી શકે તે માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. શિલ્પાબેન યાદવે જણાવ્યું કે, ‘આયુષ ગ્રામ યોજના’ અંતર્ગત ગ્રામજનોને રસોડાની ઔષધિઓ જેવી કે, હળદર, આદુ, મરી, તજ, ફુદીનોવિગેરેના ઉપયોગ બાબતે માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત ગ્રામજનોનિયમિત યોગ અને પ્રાણાયમ કરતા થાય તથા નવજાત બાળક અને ધાત્રી-સગર્ભા માતા કુપોષણનો શિકાર ન બને તે માટે પણ માર્ગદર્શન આપવામાં આવશે. સ્થાનિક કક્ષાએ ખેડૂતોને ઔષધીય ખેતી બાબતે માર્ગદર્શન આપવામાં આવશે, તેમ તેઓએ ઉમેર્યું હતું.

જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય હેમંત જોષીએ જણાવ્યું કે, નિષ્ણાંત આયુર્વેદ - હોમીયોપેથી તબિબોની ટીમ દ્વારા સમયાંતરે ગ્રામજનો માટે આયુષ ચિકિત્સા પધ્ધતિ દ્વારા નિદાન - સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવશે. ઉપરાંત અગ્નિકર્મ ચિકિત્સા, મર્મ ચિકિત્સા, પંચકર્મ ચિકિત્સા, દંત ચિકિત્સાઅને ક્ષારસૂત્ર ચિકિત્સા વગેરેનો ગ્રામજનોને લાભ આપવામાં આવશે.

બાવળા તાલુકાનું શીયાળ ગામ આયુષ ચિકિત્સા પધ્ધતિના મૂળભૂત સિધ્ધાંતોને દિનચર્યામાં યર્થાથપણે કેળવી દિઘાર્યુ જીવન પ્રાપ્ત કરી સ્વસ્થ ગામ – આયુષ ગામ બનવાના માર્ગે આગળ વધશે.

(5:11 pm IST)