Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

અમદાવાદ સીવીલ હોસ્પિટલને સેન્ટર ઓફ એકસેલ્સ એવોર્ડ

આ પ્રકારનો એવોર્ડ દેશમાં પહેલીવાર મળ્યોઃ અમેરિકન સંસ્થાએ બ્લેડર એકસટ્રોફીના સારા ઉપચાર માટે આપ્યો એવોર્ડઃ આ તકલીફ હજારો બાળકોમાંથી એકને થાય છે

અમદાવાદ, તા.૮: મુત્રમાર્ગની તકલીફ (બ્લેડર એકસટ્રોફી) માટે કરાતા ઓપરેશન બાબતે અમેરિકાની એક સંસ્થાએ અમદાવાદ સીવીલ હોસ્પિટલની કામગીરીની સરાહના કરીને સેન્ટર ઓફ એકસેેલન્સ એવોર્ડ પ્રદાન કર્યો છે. હોસ્પિટલના ડોકટરોનો દાવો છે કે આ પ્રકારનો પ્રતિષ્ઠિત એવોર્ડ દેશમાં આ પહેલા કયારેય નથી મળ્યો.

હોસ્પિટલમાં પીડીયાટ્રીક વિભાગના વડા ડોકટર રાકેશ જોષીએ જણાવ્યુ કે આ પ્રકારના ઓપરેશન એક ટીમ વર્ક દ્વારા જ સફળ થાય છે. ટીમમાં તેમની સાથે બાળ સર્જરી વિભાગના ડોકટર જયશ્રી રામજી, ડોકટર મહેશ વાઘેલા, ડો.નિરાલી ઠક્કર, ડો.નીર્ખી શાહ, ઓર્થોપેડીક વિભાગના ડો.પિયુષ મિત્તલ, ડો.વિનોદ ગૌતમ અને એનેસ્થેસીયા ટીમના ડો. દિપશીખા ત્રિપાઠી, ડો.શંકુતલા ગોસ્વામી, ડો.ચિરાગ પટેલ અને ડો.સોનલ ભાલાવત પણ સામેલ છોે.

હોસ્પિટલના ડોકટર જી.એચ.રાઠોડ અનુસાર અમેરિકાની સંસ્થા સાથે મળીને આ તકલીફવાળા બાળકોનું સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવે છે. ગત દિવસોમાં વિદેશથી ચાલીસ ડોકટરોની સાથે મળીને ૧૮ બાળકોના ઓપરેશન કરાયા હતા. જેમાં ત્રણ બાળકો વિદેશી હતા. આ ઓપરેશન ઘણુ જટિલ હોવાનું કહેવાય છે.

ડો.રાકેશ જોષીએ જણાવ્યુ કે બ્લેડર એકસટ્રોફીની તકલીફ લગભગ સાઠ હજાર બાળકોમાંથી એકને થાય છે. આ એવી તકલીફ છે જેમાં જન્મ સમયથી જ પેશાબ અંગેની ગંભીર ખામી હોય છે. બાળકના પ્રાઇવેટ પાર્ટનો ઉપરનો ભાગ ખુલ્લો હોવાના કારણે પેશાબ કરવા પર તેનું નિયંત્રણ નથી રહેતું. આવા ઓપરેશન ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયા ખર્ચીને કરાવવા પડે જયારે સિવિલ હોસ્પિટલમાં તે મફત થાય છે. આ એક ઓપરેશનમાં લગભગ આઠથી દસ કલાક લાગે છે.

(3:33 pm IST)