Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

જથ્થાબંધ માર્કેટમાં શાકભાજીના ભાવ સાવ તળિયેઃ ફુલાવર-કોબી રૂપિયે કિલોઃ ટમેટા પાંચના કિલો

ખેડૂતોને વાવેતરનો ખર્ચો અને મજુરીના રૂપિયા પણ ન મળે તેવી સ્થિતિ : ડુંગળી પણ ૩૫-૪૦ની કિલોઃ કાકડી, ગાજર, તુવેર, વટાણા પણ સસ્તા

અમદાવાદ/રાજકોટ, તા.૮: લંબાયેલાં ચોમાસાં અને ત્યારબાદ પડેલા માવઠાના મારથી માંડ બેઠા થયેલા ખેડૂતોને હવે ફરી માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે. જથ્થાબંધ માર્કેટમાં શાકભાજીના ભાવ સાવ તળિયે બેસી જતાં ખેડૂતોને વાવેતરનો ખર્ચો અને મજૂરીના રુપિયા પણ ના મળે તેવી સ્થિતિ સર્જાઈ છે. હાલ વિવિધ હોલસેલ માર્કેટમાં શાકભાજીની ભરપૂર આવક થવાથી ભાવમાં જોરદાર કડાકો બોલાયો છે.

છૂટક માર્કેટમાં ૨૦ રુપિયે કિલો વેચાતા ફુલાવર અને કોબિજના ભાવ જથ્થાબંધ માર્કેટમાં માત્ર ૧ રુપિયે કિલો બોલાઈ રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે હજુ થોડા સમય પહેલા જ ફુલાવર ૬૦ રુપિયે કિલો વેચાતું હતું, જે હાલ ૨૦ રુપિયે કિલો પર આવી ગયું છે. કોબિજના પણ કંઈક આવા જ હાલ છે.

એક તરફ ખેડૂતોને સાવ મફતના ભાવમાં મહામહેનતે ઉગાડેલા શાકભાજી વેચવા પડી રહ્યા છે, તો બીજી તરફ છૂટકમાં શાકભાજી ખરીદતા ગ્રાહકોને તેનો કોઈ ફાયદો નથી મળી રહ્યો. હાલ જથ્થાબંધ માર્કેટમાં ટામેટાંના ખેડૂતોને કિલોએ માંડ ૫ રુપિયા મળી રહ્યા છે, જયારે આ જ ટામેટા ખરીદવા છૂટક માર્કેટમાં ત્રણ ગણા વધુ રુપિયા આપવા પડી રહ્યા છે. સાણંદમાં તો આજે કેટલાક ખેડૂતોએ ટામેટાની ખરીદી બંધ થઈ જતાં તેને રસ્તા પર ફેંકી વિરોધ પણ કર્યો હતો. લીલા મરચાના પણ ખેડૂતોને કિલોએ માંડ ૧૦ રુપિયા મળે છે, જયારે ગ્રાહકોને તે ૪૦ રુપિયે કિલો વેચાય છે.

કાકડી, ગાજર, તુવેર, વટાણામાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. ખેડૂતોને જે ભાવે માલ વેચવાની નોબત આવી છે, તેનાથી ચાર ગણા ભાવ છૂટક માર્કેટમાં ચાલી રહ્યા છે.

થોડા દિવસો પહેલા ૧૨૦ રુપિયે કિલો વેચાતી ડુંગળી હવે છૂટક માર્કેટમાં ૩૫-૪૦ રુપિયે પ્રતિ કિલો મળી રહી છે, પરંતુ ખેડૂતોને તો ડુંગળીના કિલોએ માંડ ૧૦-૧૫ રુપિયા મળી રહ્યા છે. ડુંગળીની આવક વધતાં ભાવમાં પડેલા ગાબડાંથી ખેડૂતો હવે તેને એકસપોર્ટ કરવાની તેમજ સ્ટોક લિમિટ હટાવવાની છૂટ અપાય તેવી માગ કરી રહ્યા છે, પરંતુ સરકારે હજુય આ અંગે કોઈ નિર્ણય નથી લીધો.

(3:32 pm IST)