Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

મહેસાણા : નર્મદા કેનાલથી ત્રણ મૃતદેહ મળતાં ચકચાર

બે મહિલા અને એક યુવકનો મૃતદેહ બહાર કઢાયો : બંને મહિલાઓની ઓળખ હજુ બાકી : મૃતક યુવક કડીના જીવાપુરા ગામનો વતની : સ્થાનિક પોલીસની વધુ તપાસ

અમદાવાદ,તા. ૮ : મહેસાણાના આદુન્દ્રા ગામે નર્મદા કેનાલમાંથી આજે બે મહિલા સહિત ત્રણ મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી.  એનડીઆરએફની ટીમ દ્વારા નર્મદા કેનાલમાંથી બે મહિલા અને એક યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. બનાવને લઇ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. સ્થાનિક પોલીસે પણ સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતક યુવક કડીના જીવાપુરા ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જો કે, હજુ સુધી બંને મહિલાઓના મૃતદેહની ઓળખ થઇ શકી નથી. પોલીસે સમગ્ર મામલે જરૂરી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, મહેસાણા જિલ્લાના આદુન્દ્રા ગામે નર્મદા કેનાલમાંથી આજે એનડીઆરએફની ટીમના કર્મચારીઓએ આજે બપોરે ત્રણ મૃતદેહો બહાર કાઢયા હતા, જેમાં બે મહિલા અને એક યુવકનો મૃતદેહ સામેલ હતા. એકસાથે કેનાલમાંથી ત્રણ મૃતદેહો મળી આવતાં સમગ્ર પંથકમાં પણ ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને યુવક અને બે મહિલાના મોતને લઇ પંથકમાં ભારે અરેરાટીની લાગણી પણ પ્રસરી ગઇ હતી. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો પણ તાત્કાલિક ત્યાં દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. જો કે, પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવક કડી તાલુકાના જીવાપુરા ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. જયારે બંને મહિલાઓની ઓળખ હજુ સુધી થઇ નથી, તેથી તેમની ઓળખ કરવાની દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ ત્રણેય જણાંએ કયા સંજોગોમાં અને કયા કારણસર નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું તેનું સાચુ કારણ જાણવાની દિશામાં પણ પોલીસે તપાસ આગળ ધપાવી છે. બીજીબાજુ, બનાવને પગલે સ્થાનિક ગ્રામજનો અને લોકોના ટોળેટોળા ત્યાં ઉમટી પડયા હતા. એક યુવક અને બે મહિલાઓના મૃતદેહ કેનાલમાંથી બહાર કઢાતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી હતી. એકસાથે ત્રણેય જણાંના કેનાલમાં ઝંપલાવવાને લઇ સ્થાનિકોમાં અનેક અટકળો અને તર્ક-વિતર્કો પણ વહેતા થયા હતા.

 

(9:10 pm IST)