Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

રામમંદિર બનાવવા બાબા રામદેવની ફરીથી અપીલ

ઝડપથી રામમંદિર નિર્માણની હિમાયત કરતા યોગગુરૂ : રામમંદિર અયોધ્યામાં નહી તો શું મક્કા અને વેટિકનમાં બનશે તેવો બાબા રામદેવે એવો પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો

અમદાવાદ, તા.૮ : યોગગુરૂ બાબા રામદેવે ગુજરાતમાં નડિયાદ ખાતે આજે ફરી એકવાર અયોધ્યામાં રામમંદિર બનવું જ જોઇએ તેવો ભારપૂર્વકનો પુનરોચ્ચાર કર્યો હતો. અગાઉ પણ યોગગુરૂએ રામમંદિર અયોધ્યામાં ઝડપથી નિર્માણ કરવાની હિમાયત કરી હતી. બાબા રામદેવે એવો વેધક સવાલ પણ ઉઠાવ્યો હતો કે, રામમંદિર અયોધ્યામાં નહી તો શું મક્કા અને વેટિકનમાં બનશે? યોગગુરૂ બાબા રામદેવ હાલમાં ત્રણ દિવસ નડિયાદ ખાતે યોગ શિબિર કરી રહ્યા છે. શ્રી સંતરામ મહારાજ અને તેમના શિષ્ય લક્ષમણદાસજી મહારાજના સમાધિ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. જે અંતર્ગત યોગગુરૂ બાબા રામદેવ ત્રણ દિવસની યોગશિબિર કરી રહ્યાં છે. જેનો આજથી શુભારંભ થયો હતો.

આ પ્રસંગે મીડિયાપર્સન સાથેની વાતચીતમાં બાબા રામદેવે જણાવ્યું હતું કે, યોગ એ આપણી પરંપરા છે. યોગથી શરીરની ૧૦૦ બિમારીઓ તો એમ જ મટી જાય છે. રામમંદિર મુદ્દે તેમણે જણાવ્યું કે, અયોધ્યામાં રામમંદિર ઝડપથી નિર્માણ થવું જોઇએ. પ્રભુ રામ માત્ર હિન્દુઓના પૂર્વજ ના હતા મુસલમાનો ના પણ તે પૂર્વજ હતા. રામદેવ બાબાએ નડિયાદના સંતરામ મંદિર સાથેની આત્મીયતા વિશે જણાવ્યું કે, શ્રી નારાયણદાસજી મહારાજ અને શ્રી રામદાસજી મહારાજ સંતરામ મંદિરમાં ઘણો જૂનો અને આત્મીય સંબંધ છે. સાથે સાથે પૂજ્ય મોરારીબાપુ પણ અહીંયા કથા રસપાન કરાવે છે. તેમની સાથે પિતા પુત્ર જેવો એક આધ્યાત્મિક સંબંધ છે. બાબા રામદેવે સ્પષ્ટ કર્યું હતું કે, અયોધ્યામાં રામ મંદિર બનવુ જ જોઈએ. રામ મંદિર અયોધ્યામાં નહીં તો શું મક્કા કે વેટિકનમા બનશે ? એવો વેધક સવાલ પણ બાબા રામદેવે ઉઠાવ્યો હતો. દેશના લોકોનું ચરિત્ર રામ સીતા જેવુ બનવું જોઈએ. રામ મંદિર રાષ્ટ્ર નિર્માણ માટે થાય તે જરૂરી છે.

 

(8:06 pm IST)