Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

આખરે આશાબેન વિધિવત્ રીતે ભાજપમાં જોડાઇ ગયા

પાટણ ખાતે કલસ્ટર સંમેલન યોજવામાં આવ્યું : ઉંઝા નપાના ૧૫ અપક્ષ કોર્પોરેટર, એક કોંગ્રેસી કોર્પોરેટર અને તાલુકા પંચાયતના ૧૦ અપક્ષ સભ્ય પાર્ટીમાં જોડાયા

અમદાવાદ,તા. ૮ : આઠ દિવસ પહેલાં કોંગ્રેસમાંથી ધારાસભ્ય પદેથી અને સભ્ય તરીકે રાજીનામું ધરી દેનાર આશાબહેન પટેલ આજે પાટણ ખાતે ભાજપ દ્વારા યોજાયેલા કલસ્ટર સંમેલનમાં વિધિવત્ રીતે ભાજપમાં જોડાઇ ગયા હતા. હરિયાણાના મુખ્યમંત્રી મનોહર ખટ્ટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલા ક્લસ્ટર સંમેલનમાં આશાબહેન પટેલે જીતુ વાઘાણીના હસ્તે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. તેમની સાથે ઉંઝા નગરપાલિકાના ૧૫ અપક્ષ કોર્પોરેટર, ૧ કોંગી કોર્પોરેટર અને તાલુકા પંચાયતના ૧૦ અપક્ષ સભ્યો સહિત ૧૧૦૦ કાર્યકરો પણ ભાજપમાં જોડાયા હતા. આશાબહેન ભાજપમાં જોડાઇ જતાં કોંગ્રસને લોકસભાની ચૂંટણી પહેલા બહુ મોટો ફટકો પડયો છે. તો, ભાજપના નેતાઓએ આશાબહેનને ઉમળકાભેર ભાજપમાં આવકાર આપ્યો હતો. પાટણ ખાતે ક્લસ્ટર સંમેલનમાં કાર્યકરોને લોકસભા ચૂંટણીની તૈયારીઓ માટે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરખટ્ટર પ્રદેશ પ્રમુખ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓનું માર્ગદર્શન બહુ નોંધનીય મનાય છે. મહેસાણા, પાટણ અને બનાસકાંઠા એમ ત્રણેય જિલ્લાની લોકસભા બેઠકોના સાંસદો, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને શક્તિ કેન્દ્રોના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા. આજે પાટણ ખાતે ક્લસ્ટર સંમેલનમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહર ખટ્ટરના અધ્યક્ષ સ્થાને યોજાયુ હતુ અને તેમાં નાયબ મુખ્યમંત્રી, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા એમ ત્રણેય જિલ્લાની લોકસભા બેઠકના સાંસદ, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય અને શક્તિ કેન્દ્રોના પ્રમુખોની હાજરી ઘણી સૂચક રહી હતી. આ સંમેલનમાં ઉંઝા કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. આશાબેન પટેલે વિધિવત્ રીતે ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો અને સત્તાવાર રીતે ભાજપમાં જોડાઇ ગયા હતા. તેમની સાથે ઉંઝા નગરપાલિકાના  ૧૫થી વધુ કોર્પોરેટર પણ કેસરિયો ધારણ કર્યો હતો. આશાબેન પટેલની સાથે તાલુકા પંચાયતના ૧૦ સદસ્યો સહિત ૧૧૦૦ કાર્યકરો પણ ભાજપમાં જોડાયા હતા. પાર્ટીમાં જોડાય તે પહેલા આશાબેને પોતાની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભાજપ મારી યોગ્યતા જોઇ જે કામ આપશે તે હું પુરા ખંતથી કરીશ. પાર્ટીમાં મને લઇને જે નિર્ણય લેવાશે તે મારા માટે આખરી નિર્ણય હશે. હું ભાજપના સામાન્ય કાર્યકરની જેમ પક્ષમાં જોડાઈ છું. મેં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ સાથે મુલાકાત કરીને મેં તેમના આર્શીવાદ લીધા હતા. ભાજપના કાર્યકર્તા તરીકે તેમને જે જવાબદારી સોંપાશે તે નિષ્ઠાપૂર્વક નિભાવવાની વાત પણ આશાબહેને ઉચ્ચારી હતી.

 

(7:34 pm IST)