Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

આને કહેવાય દિલમાં મોદી... બિલમાં મોદી

સુરતના ૬ વેપારીઓએ બિલ બુકમાં મોદીને જીતાડવા માટેની અપીલ કરી

સુરત તા.૮: સુરતના અસોસિએશન ઓફ ડ્રેસ મટીરિયલ પ્રિન્ટિંગ પ્લાસ્ટીક પેકેજિંગ પટ્ટી પર નરેન્દ્ર મોદીને વોટ આપવાનો સંદેશો છપાવ્યાની વાત હજી તાજી જ છે ત્યાં સુરતની ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીઝના કેટલાક વેપારીઓએ પોતાની બિલ-બુકમાં મોદીને જિતાડવા માટેનું કેમ્પેન શરૂ કરી દીધું છે. બિલ-બુકમાં કરવામાં આવેલા આ કેમ્પેનમાં નરેન્દ્ર મોદીનો ફોટોગ્રાફ અને તેમને લગતાં સૂત્રો લખવામાં આવ્યાં છે. સુતરમાં ટેકસટાઈલ ફીલ્ડનાં સાત અસોસિએશનો છે. એમની સાથે વાત કરતાં એવો અંદાજ નીકળી શકયો છે કે સુરતના છ વેપારીઓએ અત્યારે પોતાની બિલ -બુકમાં નરેન્દ્ર મોદી માટે કેમ્પેન શરૂ કર્યું છે અને આવતા દિવસોમાં નવા વેપારીઓ પણ આમાં ઉમેરાય એવી શકયતા છે.

પોતાની બિલ-બુકમાં નરેન્દ્ર મોદી માટેનાં સ્લોગનો છપાવવા ઉપરાંત બે વેપારીઓએ તો પોતાના લેટરહેડમાં પણ નરેન્દ્ર મોદીનો ફોટોગ્રાફ છાપ્યો છે અને તેમને જીતાડવા માટેનો સંદેશ લખ્યો છે. સુરતના સાઉથ ગુજરાત ટેકસટાઇલ પ્રોસેસર્સ અસોસિએશનના પ્રેસિડેન્ટ જિતેન્દ્ર વખારિયાએ કહ્યું હતું કે 'વેપારીઓ પોતાની ઇચ્છાથી આ કરી રહ્યાં છે. જે સમયે તેમની વાતનો વિરોધ કરવાનો હતો એ સમયે પણ સુરતના વેપારીઓએ મહિનાઓ સુધી ધંધા બંધ કરી દીધા હતા અને આજે જયારે તેમને સહકાર આપવાનો છે ત્યારે પણ સુરતના વેપારીઓએ પહેલ કરી છે.'

સુરતના સુરતર ટેકસટાઇલ ટ્રેડર્સ અસોસિએશનના જોઇન્ટ સેક્રેટરી જિતુભાઇ વસાણીએ કહ્યું હતું કે 'અસોસિએશનના છ વેપારીઓએ મોદીની બિલ-બુક છપાવી લીધી છે અને પાંચ વેપારીઓએ મીદીવાળી પોતાની બિલ-બુક છપાવવા દીધી છે. કેટલાક વેપારીઓ એવા છે જેમને ત્યાં કમ્પ્યુટરાઇઝડ બિલિંગ છે તેમણે પોતાના પ્રોગ્રામમાં ચેન્જ કરીને મોદીની ફેવરનાં સ્લોગનો મૂકવાનું શરૂ કરી દીધું છે.'

સુરતી વેપારીઓનાં બિલ જોઇને ગુજરાત અને દેશના અન્ય વેપારીઓ પણ આ શરૂ કરે તો એમાં નવાઇ નહીં. વીવા ઇમ્પેકસ નામની કંપનીએ જે સ્ટેશનરી છપાવવી પડે છે એ બધામાં મોદીનો ફોટો અને 'વોટ ફોર બીજેપી' લખવાનું શરૂ કરી દીધું છે. કંપનીના ઓનર મનસુખ સુતરિયાએ કહ્યું હતું કે 'આમાં પાર્ટીના નામ સાથે પેઢીનું નામ જોડાઇ જાય છે. જો કે એવું થાય તો પણ અમને વાંધો નથી સરવાળે દેશને એક સારા વડાપ્રધાન મળતા હોય ને પાંચ-પંદર લોકોને સમજાતું હોય તો બધાએ આવું કરવું જોઇએ.'(૧.૨)

 

(10:15 am IST)