Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

પરીક્ષા ખંડમાં જો ઇશારો પણ કર્યો તો રિઝલ્ટ રદ કરી દેવાશે

બોર્ડ દ્વારા ગેરરીતિને લઇ નિયમો જાહેર કરાયા : ધોરણ-૧૦-૧૨ પરીક્ષાને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બોર્ડ દ્વારા જાહેર કરાયેલ નિયમો જાણવાની જરૂર

અમદાવાદ,તા. ૮ : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બોર્ડ દ્વારા આગામી પરીક્ષામાં કોઇ ગેરરીતિ કે અનિચ્છનીય બનાવો ના સર્જાય તે માટે ૩૩ પ્રકારની ગેરરીતિઓને ડામતી આકરી ગાઇડલાન્સ અને માર્ગદર્શિકા સાથેના નિયમો જારી કર્યા છે, જેને લઇ પરીક્ષા પહેલા જ વિદ્યાર્થીઓમાં પરીક્ષાના તાણની સાથે સાથે બોર્ડની ડાઘિયા જેવા નિયમોને લઇ ટેન્શનમાં વધારો થઇ શકે છે. શિક્ષણજગતના ઇતિહાસમાં સૌપ્રથમવાર ૩૩ જેટલી ગેરરીતિઓને ડામવા અંગેની નોટિસો શાળાના નોટિસ બોર્ડ પર જોવા મળશે. જેમાં જો પરીક્ષાખંડમાં વિદ્યાર્થીએ કોઇ અન્ય વિદ્યાર્થીને ઇશારો સુધ્ધાં પણ કર્યો કે, તેમની પાસેથી મોબાઇલ મળ્યો તો તે ગેરલાયક ઠરશે અને પરીક્ષા રદ કરવા સુધીના આકરા પગલા લેવાની જોગવાઇ કરવામાં આવી છે. બોર્ડના સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, બોર્ડની ગત વર્ષની પરીક્ષા દરમ્યાન અનેક વિદ્યાર્થીઓ ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ સાથે પકડાયા હતા, જેમાં સ્માર્ટ ફોન, ઇયર ફોન, કેલકયુલેટર સાથે ગેરરીતિ કરતાં પકડાયા હતા. બોર્ડે આ સમગ્ર બાબતને ગંભીરતાથી લીધી હતી અને તેથી આ વર્ષના નિયમોને થોડા વધુ આકરા બનાવવામાં આવ્યા છે. જો વિદ્યાર્થી આવા મોબાઇલ કે અન્ય કોઇ ઇલેક્ટ્રોનિક ગેઝેટ સાથે ઝડપાશે તો, તેની પરીક્ષા રદ કરવાની સાથે સાથે પછીના બે વર્ષ માટે પણ તેને પરીક્ષા આપવા દેવામાં આવશે નહી. બોર્ડ દ્વારા જાહેર કરાયેલા અન્ય નિયમોમાં જો વિદ્યાર્થીએ પરીક્ષાખંડમાંથી પશ્નપત્ર કે ઉત્તરવહી બહાર ફંકી હોય તો તેનું પરિણામ રદ કરી દેવાશે, વિદ્યાર્થી કે તેની સાથેનો અન્ય વિદ્યાર્થી જો ઉત્તરવહી ફાડી નાંખે તો પણ તેનું પરિણામ રદ કરાશે, ઉત્તરવહી કે સપ્લીમેન્ટ્રી ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થી પરીક્ષક કે નીરીક્ષકને આપ્યા વિના જતો રહેશે તો પણ તેનું પરિણામ રદ કરાશે અને તેને પછીના વર્ષની પરીક્ષામાં બેસવા દેવામાં નહી આવે, વિદ્યાર્થી જો બીજા વિદ્યાર્થી પાસેથી ઉત્તરવહી ઝુંટવી લેશે તો પણ તેનું પરિણામ રદ ગણાશે, પરીક્ષા દરમ્યાન જો વિદ્યાર્થી ઘાતક હથિયાર કે શસ્ત્ર જેવી ચીજવસ્તુ લઇને આવે અને હિંસક કૃત્ય આચરવાનો પ્રયાસ કરશે તો પણ તેની પરીક્ષા રદ કરી તેને કાયમ માટે પરીક્ષામાં બેસવા દેવામાં નહી આવે, જો ઉત્તરવહી પર લગાવાયેલું સ્ટીકર ઉખાડવાનો વિદ્યાર્થી દ્વારા પ્રયાસ કરાશે તો પણ તેનું પરિણામ રદ ગણાશે,  સીસીટીવી ફુટેજમાં પણ જો વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થી સાથે મૌખિક કે સાંકેતિક ભાષામાં ઇશારો કરતા ઝડપાશે અથવા તો સૂચક સંદેશો કરતો પકડાશે તો તેનું તે વિષયનું પરિણામ રદ કરવામાં આવશે. બોર્ડ દ્વારા આવા આકરા નિયમો લાગુ કરવાને કારણે વિદ્યાર્થીઓના પરીક્ષાના માનસિક તાણ ઉપરાંત બોર્ડ તરફથી ટેન્શનમાં વધારો નથી કરાઇ રહ્યો તેવા પ્રશ્ન અંગે બોર્ડ સત્તાવાળાઓએ બચાવ કર્યો હતો કે, વિદ્યાર્થીઓને પરીક્ષા પહેલા જ ગેરરીતિ સામે જાગૃત કરવાનો બોર્ડનો આશય છે, કે જેથી તેઓ છેલ્લી ઘડીયે પકડાય નહી. આ નિયમોથી વિદ્યાર્થીઓમાં ડર ઉભો કરવાનો કોઇ આશય નથી પરંતુ સ્વચ્છ અને ગેરરીતિ વિના સુંદર વાતાવરણમાં પરીક્ષા યોજાય તે જ ઉમદા હેતુ છે.

(8:16 pm IST)