Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

વડોદરા: પંડયા બ્રિજ પાસે ચાર કાર વચ્ચે અકસ્માત સર્જાતા બે કલાક સુધી વાહન વ્યવહાર થંભી ગયો

વડોદરા:શહેરના ફતેગંજ વિસ્તારના પંડયાબ્રીજ પાસે આજે બપોરે વિચિત્ર અકસ્માતમાં ચાર કાર વચ્ચે અકસ્માત થતાં બ્રીજની બંને તરફ આશરે બે કલાક સુધી ટ્રાફિક જામ સર્જાયો હતા જેના કારણે હજારો વાહનચાલકો રોડ પર અટવાયા હતા.

માંજલપુર અલવાનાકા પાસે હિરાનગરમાં રહેતો ભૈામિક અમરસિંગ સોલંકી મંજુસર જીઆઈડીસીમાં આવેલી ખાનગી કંપનીમાં કારડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. આજે બપોરે તે  જુનાપાદરા રોડ પર રહેતા કંપની સંચાલકના ઘરે જવા માટે કંપનીમાંથી કાર લઈને નીકળ્યો હતો. 

બપોરે આશરે સવા બાર વાગે તે બંડયા બ્રીજ ઉપર સેન્યુરી બાઈના સામેથી પસાર થતો હતો તે વખતે ગોરવા તરફથી પંડયાબ્રીજ ઉતરવાના રસ્તા પર પુરપાટઝડપે આવેલી એક કારચાલક મહિલાનું કારનું ટાયર ફાટતા તેણે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને તેની કાર ભૈામિકની કાર સાથે ધડાકાભેર અથડાવી હતી.

આ અકસ્માતના પગલે ભૌમિકની કાર એકદમ રોકાઈ જતા તેના કાર સાથે પાછળથી આવતી  એક કાર ઉપરાંત ગોરવા સાઈડથી આવેલી અન્ય કાર સાથે પણ ધડાકાભેર ભટકાઈ હતી. અકસ્માતમાં ચારેય કારને ભારે નુકશાન પહોંચ્યું હતું જેમાં ભૈામિકનો કારનો ખુડદો બોલાઈ ગયો હતો.

બ્રીજના ચઢાણ પાસે જ ચાર કાર વચ્ચે થયેલા અકસ્માતના પગલે બંને તરફનો વાહનવ્યવહાર સદંતર અટકી ગયો હતો અને તેના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો.

અકસ્માતના પગલે આશરે બે કલાક સુધી પંડયાબ્રીજથી ઠેક ફતેગંજ બ્રીજ સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો અને હજારો વાહનચાલકો અટવાયા હતા. આ બનાવની જાણ થતાં ફતેગંજ પોલીસે ભારે જહેમત બાદ ચારેય કારને સાઈડમાં ખસેડી વાહનવ્યવહાર પુર્વવત કર્યો હતો. આ બનાવની ભેૈામિકે ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કારચાલક મહિલા સામે ગુનો નોંધી તપાસ શરૃ કરી છે.

 

(4:29 pm IST)