Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

અમદાવાદથી દિલ્હી માત્ર ૮ કલાકમાં પહોંચાડશે સુપરફાસ્ટ બજેટ ટ્રેન

મુંબઇથી દિલ્હી માત્ર ૧૨ કલાકઃ ગુજરાતમાં ૧૪ રેલવે રૂટને ફાયદો

અમદાવાદ તા. ૮ : અત્યારે અમદાવાદ થઈને મુંબઈથી દિલ્હી જતી ટ્રેન ૧૬ કલાકમાં દિલ્હી પહોંચાડે છે. હવે ટૂંક જ સમયમાં આ ગાળો માત્ર ૧૨ કલાકનો થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે રજૂ કરેલા ૨૦૧૮-૧૯ના બજેટમાં જાહેરાત કરવામાં આવી છે કે મુંબઈ-વડોદરા-અમદાવાદ-દિલ્હી રૂટ પર ટ્રેનની સ્પીડ ૧૬૦ કિ.મી પ્રતિ કલાકથી વધારી ૨૦૦ કિ.મી પ્રતિ કલાક કરી દેવામાં આવશે. આથી મુંબઈ અને દિલ્હી વચ્ચેનું ૧૪૫૦ કિ.મીનું અંતર કાપવામાં ૧૨ કલાક જેટલો જ સમય લાગશે. અત્યારે રતલામ અને કોટાથી પણ દિલ્હી જવામાં ૧૬ કલાકનો સમય લાગે છે.

 

અધિકારીઓએ જણાવ્યું કે શતાબ્દીમાં મુંબઈ અને અમદાવાદ વચ્ચેનો ટ્રાવેલ ટાઈમ બે કલાક જેટલો ઘટી જશે. અત્યારે રાજધાની મુંબઈથી અમદાવાદનું અંતર કાપવામાં ૬ કલાક અને ૪૦ મિનિટ જેટલો સમય લે છે. દિલ્હી અને અમદાવાદ વચ્ચેનું અંતર પણ માત્ર ૮ કલાકમાં જ કપાઈ જશે. બજેટ મુજબ સરકારે મુંબઈ-દિલ્હી રેલવે રૂટ પર ટ્રેનોની સ્પીડ વધારવા માટે રૂ. ૧૧,૧૮૮ કરોડ ફાળવ્યા છે. અમદાવાદ-મુંબઈ રૂટમાં ડબલ ટ્રેકસ છે. હવે અમદાવાદ-દિલ્હી વચ્ચે પણ ડબલ ટ્રેક તૈયાર કરવાનું કામ શરૂ થઈ ગયુ છે.

રેલવેએ અગાઉ અમદાવાદ-દિલ્હી ટ્રેકને વીજળીથી ચાલતો કરવાનો પ્રોજેકટ પણ એપ્રુવ કરેલો છે. રેલવેના અધિકારીઓએ જણાવ્યું કે ૧ ફેબ્રુઆરીએ રજૂ થયેલા કેન્દ્ર સરકારના બજેટમાં સરકારે મહેસાણા અને પાલનપુર વચ્ચે પણ ટ્રેક ડબલ કરવાને મંજૂરીની મહોર મારી દીધી છે. છેલ્લા કેટલાંય સમયથી દિલ્હી-અમદાવાદ ટ્રેક સાથે આ રૂટ પર પણ ટ્રેક ડબલ કરવાની એપ્રુવલ પેન્ડિંગ હતી. મહેસાણા અને પાલનપુર તથા રાજકોટ અને કાનાલુસ વચ્ચે ટ્રેક ડબલ કરવા પાછળ રૂ. ૧૫૪૦ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે.

બજેટમાં ૧૨ રોડ ઓવરબ્રિજ અને ૮ રોડ અંડર બ્રિજ બનાવવાની સૂચના અપાઈ છે. બજેટે મોડાસાથી જતા નડિયાદ-ઉદેપુર રૂટ માટે નવી લાઈનનો સર્વે કરવાની મંજૂરી આપી છે. ઉદેપુર અને હિંમતનગર વચ્ચેના રૂટને પણ વીજળીથી ચાલતો કરવાને મંજૂરી મળી ગઈ છે.

રેલવેએ રાજકોટ-જેતલસર-વેરાવળ-સોમનાથ રૂટને વીજળીથી ચાલતા કરવાને મંજૂરી આપી છે. અધિકારીઓ જણાવે છે કે આખા રાજયમાં રૂટને વીજળીથી ચલાવવાના ૧૪ જેટલા પ્રોજેકટ હાથ ધરવામાં આવશે. રેલવેએ આ પ્રોજેકટ માટે ૨૧૪૫ કિ.મી રૂટનું ઈલેકિટ્રફિકેશન કરવાને મંજૂરી આપી છે. આ માટે ૧૯૦૨ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે.

(10:29 am IST)