Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

વડોદરામાં બ્રિજ ઉપર એક સાથે ૪ વાહનો અથડાતા ટ્રાફીક જામઃ એરબેગ ખુલ્લી જતા જાનહાની અટકી

વડોદરાઃ હાઇવે ઉપર વાહનોની સંખ્યા વધી રહી છે અને મોટા પ્રમાણમાં હજારો વાહનો અવરજવર કરે છે ત્યારે વડોદરામાં બ્રિજ ઉપર એક સાથે ચાર કાર અથડાતા કલાકો સુધી ટ્રાફીક જામ થઇ ગયો હતો.

પ્રાપ્ત માહીતી મુજબ વડોદરાને સ્માર્ટ સિટી બનાવવા માટે તમામ માર્ગ અને જૂના બ્રીજોનુ રીનોવશન કરવામાં આવી રહ્યું છે. ત્યારે છેલ્લા ૨ વર્ષ કરતા પણ વધુ સમયથી પંડ્યા બ્રીજને પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. છતાં હજી સુધી કામ પૂર્ણ થયુ નથી. ત્યારે અવાર નવાર પંડ્યા બ્રીજ ઉપર વાહન અકસ્માતના બનાવો બની રહ્યાં છે. તેવામાં આજે ફરી એક વખત પંડ્યા બ્રીજ ઉપર એક સાથે કાર ધડાકાભેર સાથે અથડાતા ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જેમા કલાકો સુધી લાગેલી લાંબી કતારોમાં સ્કૂલવાનમાં દ્યરે જઇ રહેલા વિદ્યાર્થીઓ પણ અટવાયા હતા.

શહેરના પંડ્યાબ્રીજ ખાતે અવાર નવાર અકસ્માતના બનાવો બની રહ્યાં છે. ત્યારે તંત્ર જાણે કોઇ મોટી દુર્દ્યટના ઘટે તેની રાહ જોઇ રહી હોય તેવુ લાગી રહ્યું છે. સવારે અને સાંજે રોજ કલાકો સુધી ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય છે. તેમ છતાં બ્રીજ પહોળો કરવાની કામગીરીનો કોઇ અંત આવ્યો નથી. ત્યારે આજે ફરી એક વખત પંડ્યા બ્રીજ ઉપર બપોરે ૧૨.૩૦ વાગ્યાની આસપાસ ગેંડા સર્કલથી ફતેગંજ તરફ જઇ રહેલી એક મહિલા કાર ચાલકે પોતાની કારના સ્ટયરીંગ પરનુ કાબુ ગુમાવતા સામેથી આવી રહેલી સફેદ રંગની ફોકસવેગન કારને અડફેટે લીધી હતી. અને જોત જોતામાં વધુ બે ગાડીઓને ઝપેટમાં લીધી હતી.

પંડ્યા બ્રીજ ઉપર એક સાથે ધડાકાભેર ચાર ગાડીઓ અથડાતા ગાડીઓની એરબેગ ખુલી જતા કોઇ જાનહાનીનો બનાવ બન્યો નથી. પરંતુ અકસમાતને પગલે ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. ટ્રાફિકજામને પગલે કલાકો સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી. જેમાં નવરચના વિદ્યાલયમાં અભ્યાસ કરતા નાના ભૂલકાઓ જેઓ વાનમાં દ્યરે જઇ રહ્યાં હતા તેઓ પણ અટવાયા હતા. વાહનોની લાંબી કતારો અને ભારે ભીડ જોઇ વાનમાં સવાર નાના ભૂલકાઓએ રડવાનુ શરુ કરી દીધુ હતુ. જોકે વાન ચાલક ભાઇલાલભાઇએ મેરાન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતુ કે, બ્રીજ પર થયેલ અકસમાતને કારણે છેલ્લા એક કલાક કરતા વધુ સમયથી ટ્રાફિકમાં અટવાયા છીએ જેના કારણે બાળકો પણ ત્રસ્ત થઇ ગયા છે. પંડ્યા બ્રીજ પર ટ્રાફીકજામની કાયમની સમયસ્યાનો હલ વહેલી તકે લાવવો જરૂરી છે.

(4:33 pm IST)