Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલય દ્વારા ત્રીજા રાષ્ટ્રીય જળ પુરસ્કાર - ૨૦૨૦ જાહેર કરાયા : પશ્ચિમ ઝોનમાં સર્વશ્રેષ્ઠ જિલ્લાની શ્રેણીમાં વડોદરા જિલ્લો બીજા ક્રમે

જિલ્લાના તત્કાલીન કલેકટર અને હાલ વડોદરા મ્યુનિ.કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ દ્વારા વડોદરા જિલ્લાને મળેલ પુરષ્કાર બદલ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા મળેલ સહયોગ બદલ આભાર વ્યકત કર્યો તથા જિલ્લા વહીવટી તંત્રની મહેનતને બિરદાવ્યો.

અમદાવાદ :કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલય દ્વારા ત્રીજા રાષ્ટ્રીય જળ પુરસ્કાર - ૨૦૨૦ ની જાહેરાત કરવામાં આવી છે.જેમાં પશ્ચિમ ઝોનમાં સર્વશ્રેષ્ઠ જિલ્લાની શ્રેણીમાં વડોદરા જિલ્લો બીજા ક્રમે રહ્યો છે. ગુજરાત સરકારના સહયોગથી જિલ્લા વહીવટી તંત્રની આગવી પહેલના ભાગરૂપે જિલ્લામાં શરૂ કરવામાં આવેલા પંચ જળ સેતું પ્રોજેક્ટના માપદંડોને આધારે વડોદરા ની સર્વ શ્રેષ્ઠ જિલ્લાની શ્રેણીમાં પસંદગી થઈ છે.

માન. પ્રધાનમંત્રીની પ્રેરણા , પ્રોત્સાહન, અને માર્ગદર્શન તેમજ તેમના દ્વારા શરૂ કરવામાં આવેલ જળ જીવન મિશનના ભાગરૂપે જળ માટેની વિવિધ યોજનાઓના સમન્વયથી તથા ગુજરાત સરકારના સતત પ્રયત્નોથી વડોદરા વહીવટી તંત્રએ પંચ જળ સેતુ જેવા આગવા પ્રોજેક્ટનો સફળ અમલીકરણ કરેલ છે.
પાણી એ જીવનનું મૂળ છે.ભારતમાં પાણીની વર્તમાનમાં દર વર્ષે ૧૧૦૦ બિલિયન ક્યુબિક મીટરની જરૂરિયાત છે.જેને વર્ષ ૨૦૫૦ સુધીમાં ૧૪૪૭ બિલિયન કયુબિક મીટર સુધી વધવાની સંભાવના છે.એક સંસાધનના રૂપમાં જળ એ દેશ માટે મહત્વપૂર્ણ છે.ભારતમાં સમગ્ર વિશ્વની કુલ વસ્તીના ૧૮ ટકા લોકો રહે છે.જળ સમૃદ્ધ ભારતના લક્ષને હાંસલ કરવા માટે દેશભરમાં વિવિધ રાજ્યો, જિલ્લા,વ્યક્તિઓ,સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા પ્રેરક કાર્યો અને પ્રયાસોને પ્રોત્સાહિત કરવા વર્ષ ૨૦૧૮ થી વિવિધ ૧૧ કેટેગરીમાં રાષ્ટ્રીય જળ પુરસ્કાર આપવામાં આવે છે.
પંચ જલ સેતુ દ્વારા પાણીના સમુચિત પ્રબંધનના પાંચ વિવિધ પાસાઓના એક્સુત્રી સંકલન વડે આદર્શ જલ વ્યવસ્થાપનનું પ્રેરક મોડલ રજૂ કરનાર વડોદરા દેશનો પ્રથમ અને એકમાત્ર જિલ્લો છે.આ પાણીદાર પાણી પ્રબંધનની દેશનું ધ્યાન ખેંચનારી કામગીરી ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ ટીમ વડોદરાએ કરી છે. તેમણે જાહેર ક્ષેત્રના અગ્રણી એકમો અને આ ક્ષેત્રમાં કાર્યરત સંસ્થાઓના નિષ્ણાતોની નિપુણતાનો લાભ પંચ જલ સેતુના અમલીકરણમાં મળે તેવું સંકલન કરીને સૌનો સાથ,સૌનો વિકાસનું પ્રધાનમંત્રીશ્રીનું સૂત્ર સાકાર કર્યું હતું.
પંચ જલ સેતુ એ જળ આંદોલન દ્વારા જળ ક્રાંતિની દિશા દર્શાવી છે.તેમાં ઘર ઘર નલ સે જલ અને ભૂગર્ભ કુંવાઓને બદલે સરફેસ વોટર આધારિત પાણી પુરવઠા યોજનાઓએ એક નવી દિશા દર્શાવી છે.વડોદરા જિલ્લાએ પ્રત્યેક ઘરને નળથી પાણી મળે એવું પ્રધાનમંત્રીનું સ્વપ્ન સાકાર કર્યું છે.
જ્યારે આયોજનની અન્ય કડીઓમાં વર્ષા જલ નિધિ હેઠળ જિલ્લાની ૧૦૦૦ થી વધુ સરકારી શાળાઓની છત પરથી વરસાદી પાણીને જમીનમાં સિંચવાની વ્યવસ્થા,જલ સેતુ હેઠળ ગામોના વપરાશી મલિન જળનું શુદ્ધિકરણ અને ખેતી જેવા હેતુઓ માટે તેના વેચાણથી યોજનાનું સંચાલન,સૂર્ય જલ પ્રકલ્પ હેઠળ ગ્રામ પાણી પુરવઠા યોજનાઓની ૨૨ ટાંકીઓ પર સોલર પેનલ બેસાડીને દૈનિક ૩૫૫ યુનિટ જેટલું વીજ ઉત્પાદન ગ્રીડમાં આપીને પાણી પુરવઠા વ્યવસ્થાનો ખર્ચ ઘટાડવો અને સુજલામ સુફલામ્ હેઠળ કેનાલો અને કાંસો,ચેક ડેમોની સફાઈ અને કાંપનો નિકાલ,હયાત તળાવો ઉંડા કરવા,નવા તળાવો ખોદવા જેવા કામો દ્વારા વરસાદી પાણીના સંગ્રહની ક્ષમતા વધારવા જેવા આયોજનોનો સમાવેશ થાય છે.
તેની સાથે ગ્રામીણ સમિતિઓ દ્વારા પાણી પુરવઠા યોજનાઓનું લોક સહભાગીદારીથી સંચાલન અને લોકોને પાણી બચાવવાના અસરકારક શિક્ષણથી જળ સંરક્ષણની જાગૃતિ ના આયામનો સમાવેશ થાય છે.
આ જળ ક્રાંતિકારી સેતુમાના એક સેતું વર્ષા જળ નિધીને માન.પ્રધાનમંત્રીજીએ તેમના રાષ્ટ્રવ્યાપી મન કી બાત સંવાદમાં તેનો ઉલ્લેખ કર્યો છે. તથા નીતિ આયોગ દ્વારા પણ આ સેતુને બિરદાવવામાં આવેલ હતો.વડોદરા જિલ્લાને ૨૦૧૯ માં રાષ્ટ્રીય કક્ષાનો સ્કોચ એવોર્ડ ગોલ્ડ કેટેગરી માં અને મેરીટ સર્ટિફિકેટ પણ પ્રદાન કરવામાં આવ્યું છે.

(8:12 pm IST)