Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

નડિયાદના ભૂમેલમાં વિધવા માતા પાસે 48 લાખ પચાવી પાડી વિશ્વાસઘાત આચરનાર પુત્ર વિરુદ્ધ ગુનો દાખલ

નડિયાદ: તાલુકાના ભુમેલ ગામે રહેતા ૪૨ વર્ષિય કલ્પનાબેન શીરીલભાઈ મેકવાન (ખ્રિસ્તી) પોતાની માતા મરીયમબેન સાથે રહે છે. શીરીલભાઈનું વર્ષ ૨૦૧૭માં અવસાન થયું હતું. જે બાદ કલ્પનાબેન પોતાની વિધવા માતા સાથે રહે છે. શીરીલભાઈને એક પુત્ર કમલેશ છે જેઓ પોતાની પત્ની પારૃલબેન સાથે શીરીલભાઈના ઘરના ઉપરના માળે રહે છે.

શીરીલભાઈની જમીન ભુમેલ ગામે સર્વે નં. ૧૫૬માં આશરે ૪૮ ગૂંઠા આવેલ છે. આ ૪૮ ગૂંઠા પૈકી ૨૪ ગૂંઠા જમીન સરકારના રેલ પ્રોજેક્ટમાં કપાત થતી હતી. જે મામલે સરકાર તરફથી જમીન સંપાદનની પ્રક્રિયા સમયે કમલેશે પોતાની માતા મરીયમબેન અને બહેન કલ્પનાબેનનો પાવર ઓફ એટર્ની મેળવ્યો હતો. સરકાર તરફથી કુલ રૃપિયા ૭૨ લાખ ૧૪ હજાર ૧૫૩ ધારા ધોરણ પ્રમાણે અલગ અલગ તારીખોમાં કમલેશના ખાતામાં ચૂકવણી કરાઈ હતી. આ રકમના અડધા હકદાર મરીયમબેન છે. કુલ રકમ પૈકી ૪૮,૦૯,૪૩૬ મરીયમબેનના ભાગે આવે છે. જે રકમની વિધવા માતા અને બહેન માંગણી કરતાં હતા પરંતુ પુત્ર કમલેશ અને તેની પત્ની પારૃલબેન આ રકમ આપવામાં ઠાગાઠૈયા કરતાં હતા. ખોટા ખોટા વાયદાઓ કરતો હતો. ગત ૨૫મી ઓક્ટોબર ૨૦૨૧ના રોજ કકળાટ ચરમસીમાએ પહોંચ્યો હતો. જેમાં કમલેશ અને તેની પત્ની પારૃલબેન ઉંમરલાયક મરીયમબેનને મારવા સામુ થઈ ગયા હતા. અને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી આ અંગે જે તે સમયે ચકલાસી પોલીસ મથકે કલ્પનાબેને અરજી કરી હતી. જે સંદર્ભે પોલીસે બન્ને પક્ષોને બોલાવી સમાધાન કરાવતા કમલેશ તે સમયે ભાગે પડતા નાણાં ચૂકવી આપવા જણાવ્યું હતું. આથી કલ્પનાબેન આ સમયે કોઈ આગળ કાર્યવાહી કરી નહોતી. પરંતુ આમ છતાં પણ કમલેશને નાણાં આપવાની દાનત સારી નહોતી અને તેથી જ તે જ્યારે કલ્પનાબેન કે મરીયમબેનને માંગે ત્યારે નાણાં વપરાઈ ગયા છે તેમ જણાવી ગમેતેમ ગાળો બોલી મારી નાખવાની ધમકી આપતાં કલ્પનાબેન પોતાની વિધવા માતાને ન્યાય અપાવવા પોતાના ભાઈ કમલેશ મેકવાન અને ભાભી પારૃલબેન મેકવાન સામે ચકલાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

(4:56 pm IST)