Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

વડોદરાના છેવાડાના વિસ્તારમાં દુકાન આગળ ગ્રીન નેટ બાંધવા બાબતે બે જૂથો વચ્ચે ધીંગાણું

વડોદરા: શહેરના છેવાડે આવેલા કોયલી ઉડેરા રોડ ઉપર દુકાન આગળ ગ્રીન નેટ નો શેડ બાંધવા મુદ્દે દુકાન સંચાલકો બાખડતા બે જૂથો વચ્ચે ધિંગાણું સર્જાયું હતું આ હુમલામાં ઘવાયેલાઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે દુકાન સંચાલકોને પણ તોડફોડ થતાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે પોલીસે બંને પક્ષની સામે ફરિયાદના આધારે પાંચથી વધુ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. ઉંડેરા ખાતે રહેતા બેકરી સંચાલક ચંદ્રકાંત પટેલે ફરિયાદ નોંધાવી હતી કે, દુકાન આગળ  લાગેલી ગ્રીન નેટ કાઢી નાખવા રણજીત રાજપૂત ,તુષાર પટેલ અને વિશાલ પટેલએ જણાવ્યું હતું. આ સમયે પોલીસ આવી પહોંચતાં સમાધાન થયું હતું. ત્યારબાદ રણજીત તથા તુષાર પટેલે ગ્રીન નેટ નહીં હટાવે તો પેટ્રોલ છાંટી સળગાવી દેવાની ધમકી આપી હતી. બીજા દિવસે રણજીત રાજપૂત 20 જેટલા લોકોના ટોળા સાથે ધસી આવ્યો હતો. અને લોખંડના તથા લાકડાના ડંડા વડે હુમલો કર્યો હતો. મને ઇજા પહોંચવાની સાથે બચાવનાર વ્યક્તિઓને પણ ઈજાઓ પહોંચી છે. હુમલાખોરે મકાનની બારીના કાચ તોડી નાંખી દુકાને લગાવેલી ગ્રીન નેટ તથા બોર્ડ તોડી નાખી કારનો કાચ તોડી નુકસાન પહોંચાડ્યું હતું આ ઝપાઝપી દરમિયાન મોબાઇલ ફોન સોનાની ચેન પણ ગુમ થઈ ગઈ છે. આમ કુલ 1.54 લાખની મત્તાનું નુકસાન પહોંચ્યું છે. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે રણજીત રાજપૂત વિરુદ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી. તો સામા પક્ષે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા રણજીતસિંહ રાજપૂતે ફરિયાદ નોંધાવી હતી કે, ચંદ્રકાંતભાઈ એ અમારી ઓફીસ સુધી ગ્રીન નેટ બાંધી હતી જેથી ગ્રીન નેટ હટાવવાનું કહેતા તેમણે ઝઘડો કરી અદાવત રાખી નટવરસિંહ પુવાર,  વિજય પૂવાર, હરીશ પુવાર  અને તેમના સંબંધીઓ તથા સાગરીતો સાથે અમારી ઓફિસે ઘસી આવી અપશબ્દો બોલી પાઈપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં મને તથા મારા સંબંધીઓને પણ ઈજા પહોંચી છે. અને ઝપાઝપી સમય રોકડ નાણાં ભરેલું પર્સ તથા સોનાની ચેન ગુમ થઈ ગઈ છે. ફરિયાદના આધારે પોલીસે ઉપરોક્ત ચારેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

(4:51 pm IST)