Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

સુરતમાં નજીવી તકરારમાં માર મારી ઇજા પહોંચાડનાર આરોપીને એક મહિનાની કેદની સુનવણી કરવામાં આવી

સુરત: વર્ષ-2012માં લિંબાયત વિસ્તારમાં નજીવી તકરારમાં મારામારી કરી ઈજા પહોંચાડવાના બે અલગ અલગ કેસોમાં સંડોવાયેલા આરોપીઓને સુરત ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ અમિતકુમાર દવેએ આરોપીઓ સામેના કેસના સંજોગો જોતાં સજામાં પ્રોબેશનનો લાભ આપવાનો ઈન્કાર કરી તમામને દોષી ઠેરવી ત્રણ માસની સખ્તકેદ,રૃ.1 હજાર દંડ ન ભરે તો વધુ એક માસની કેદની સજા ફટકારી હતી.

ઉધના વિસ્તારમાં રહેતા ફરીયાદી માલતીબેન રમેશભાઈ પટેલે તા.3-10-2012ના રોજ  આરોપી મહેન્દ્ર ગણપત પટેલ,તેમના પત્ની સંગીતાબેન તથા જયશ્રીબેન ગણપત પટેલ (રે.નવાનગર લિંબાયત) વિરુધ્ધ તમે પિતાના મકાનમાં ભાગ કેમ નથી આપતા તેમ કહીને ઢીક્કમુક્કીનો માર મારી દાંત વડે કરડીને ઈજા પહોંચાડી હતી.આરોપી મહેન્દ્ર પટેલે ફરિયાદી બહેનને  માથામાં લાકડાનો ફટકો મારી લોહીલુહાણ કરીને ઈજા કરતા લિંબાયત પોલીસમાં ફરિયાદ થઇ હતી. આરોપીઓ વિરુધ્ધ ગુનાની ન્યાયિક કાર્યવાહી આજે પુરી થઇ હતી. એપીપી સુનિલ પટેલની રજૂઆતો બાદ કોર્ટે આરોપીને દોષી ઠેરવી ઉપરોક્ત કેદ દંડની સજા ફટકારી હતી. જ્યારે સહ આરોપી મહીલાઓને નિર્દોષ ઠરાવી હતી. જ્યારે અન્ય એક કેસમાં નવાગામ ડીંડોલીમાં રહેતા ફરિયાદી મહેશ દલપત સુરતીએ પોતાની પુત્રીને પરેશાન કરતાં કરડવા ગામમાં માહ્યાવંશી મહોલ્લામાં રહેતા આરોપી હિતેશ વસંત સુરતીના વર્તનના મુદ્દે તા.6-11-12ના રોજ મરણ જનાર કરશન વસંત સુરતી, તેના પુત્રો હરીશ-નયન તથા હિતેશ વસંત સુરતીને ફરિયાદ કરવા ગયા હતા. ત્યારે તમામે ભેગા મળી ફરિયાદીને ઢીક્ક મુક્કી તથા આરોપી કરશનભાઈએ ફરિયાદી ને લાકડીથી માર મારી ઈજા કરતા લિંબાયત પોલીસમાં ફરિયાદ થઇ હતી. કેસની અંતિમ સુનાવણી બાદ આજે સીજીએમ કોર્ટે આરોપી હિતેશ વસંત સુરતી, હરીશ તથા તેના ભાઈ નયન કરશન સુરતીને દોષી ઠેરવી ઉપરોક્ત કેદ તથા દંડની સજા ફટકારી હતી.

 

(4:49 pm IST)