Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

હિંમતનગર તાલુકાના પીપળીયા ગામ નજીક 18 જેટલા ખેડૂતો પાસેથી મગફળી ખરીદી લાખોની છેતરપિંડી આચરનાર વિરુદ્ધ ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી

હિંમતનગર:તાલુકાના પીપળીયા ગામના ૧૮ જેટલા ખેડુતો પાસેથી મગફળી ખરીદયા બાદ એગ્રો કંપનીના માલીકે ખેડુતોને લાખ્ખોની રકમના આપેલા ચેકો બાઉન્સ થતા ચકરાવે ચડયા છે. સાણંદની એગ્રો કંપનીના માલીક અને ઈડર તાલુકાના મેસણ ગામના બે એજન્ટોએ પીપળીયા ગામના ખેડુતો પાસેથી થોડાક સમય અગાઉ મગફળી ખરીદી ગુન્હાહિત કાવતરૂ રચી રૃા. ૬૫.૮૧ લાખથી વધુની છેતરપીંડી સાથે વિશ્વાસઘાત કરતા મામલો ગરમાયો હતો.

છેતરપિંડીનો ભોગ બનનાર પીપળીયાના એક ખેડુતે સાણંદની એગ્રો કંપનીના માલીક અને મેસણ ગામના બે એજન્ટો સહિત ત્રણ જણા વિરૂધ્ધ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ગુરૂવારે ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરીને તપાસ આદરી છે. પીપળીયા ગામે રહેતા નરેન્દ્રસિંહ ગગનસિંહ રહેવરે સાણંદમાં ડોલ્ફીન એગ્રોના માલીક રાજુભાઈ પ્રજાપતી તેમજ તેમના ઈડર તાલુકાના મેસણ ગામે રહેતા બે એજન્ટો હિતેષભાઈ પટેલ અને ગેમરભાઈ દ્વારા અગાઉ ગામમાંથી કેટલાક ખેડુતો પાસેથી મગફળી ખરીદી વાયદા મુજબ મગફળીના રૂપીયા ચુકવ્યા હોવાથી તેમને મગફળી વેચાણ આપી હતી. એગ્રો કંપનીના માલીક સાથે મેસણના એજન્ટ ખેડુતોને ત્યાં જઈ ઘરબેઠા બજાર ભાવે ખેડુતો પાસેથી મગફળી ખરીદતા હતા. જેથી પીપળીયાના ખેડુત નરેન્દ્રસિંહ રહેવર સાથે ગામના અન્ય ૧૮ ખેડુતોએ હિતેષભાઈ પટેલ અને ગેમરભાઈ દ્વારા ડોલ્ફીન એગ્રોના માલીક રાજુભાઈ પ્રજાપતીને થોડાક દિવસો પહેલા મગફળી વેચી હતી. મગફળી વેચ્યા બાદ ખેડુતોએ એગ્રો કંપનીના માલીક અને એજન્ટો પાસે ખરીદેલ મગફળીના નાણાંની ઉઘરાણી કરતા તેઓને લાખ્ખો રૂપીયાની રકમના ચેકો આપ્યા હતા.  દરમિયાનમાં સાણંદની ડોલ્ફીન એગ્રોના માલીક રાજુભાઈ પ્રજાપતી મેસણના હિતેષ પટેલ અને ગેમરભાઈ દ્વારા ખેડુતો સાથે ગુન્હાહિત કાવતરૂ રચી ખેડુતો દ્વારા અવાર નવાર ટેલીફોનીક અને રૂબરૂમાં નાણાંની ઉઘરાણી કરતા ખોટા ખોટા વાયદાઓ આપી ધક્કે ચડાવતા હતા જયારે ખેડુતોને આપેલ ચેકો ખેડુતોએ પોતાના ખાતામાં ભરતા આ ચેકો બાઉન્સ થયા હતા. આથી પીપળીયાના ખેડુતોએ મેસણના બન્ને એજન્ટો તેમજ એગ્રો કંપનીના માલીકને વારંવાર ઉઘરાણી કરવા છતાં તેમને વેચેલી મગફળીના નાણાં ચુકવાતા ન હતા.

(4:47 pm IST)