Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

ગુજરાતની આ તે કેવી દારૂબંધી !

૨૦૨૧માં દર મિનિટે ૧૧ બોટલો ઝડપાઇઃ કિંમત રૂા. ૧૨૪ કરોડ

અમદાવાદ તા. ૮: છેલ્લાં બે વર્ષ કોવિડ-૧૯ રોગચાળાથી પ્રભાવિત હોવા છતાં ડ્રાય સ્ટેટ ગુજરાત દારૂની દાણચોરીનું સાક્ષી બની રહ્યું છે. જે દારૂ ઝડપાયાના આંકડા પરથી આ સ્પષ્ટ થાય છે. વર્ષ ૨૦૨૧માં દર મિનિટે સરેરાશ ૧૧ બોટલ ભારતીય નિર્મિત વિદેશી દારૂ (IMFL) જપ્ત કરવામાં આવી હતી. ગુજરાત પોલીસના આંકડાઓ અનુસાર પોલીસે ૨૦૨૦માં રૂ. ૧૧૫ કરોડનો દારૂ જપ્ત કર્યો હતો જે ૨૦૨૧માં વધીને રૂ. ૧૨૪ કરોડ થઈ ગયો. આ જપ્તીમાં દેશી દારૂ અને IMFL  બંનેનો સમાવેશ થાય છે.
IMFL શ્રેણીમાં ૨૦૨૦માં રૂ. ૧૧૪ કરોડની કિંમતની ૪૫.૧૫ લાખ દારૂની બોટલો જપ્ત કરવામાં આવી હતી જે ૨૦૨૧માં વધીને રૂ. ૧૨૨ કરોડની કિંમતની ૫૭.૧૨ લાખ દારૂની બોટલો થઈ ગઈ હતી, એમ પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું. રાજય પોલીસે ૨૦૨૦માં રૂ. ૧.૯૫ કરોડની કિંમતનો ૧૧.૫૯ લાખ લિટર દારૂ અને ૨૦૨૧માં રૂ. ૨.૩૦ કરોડનો ૧૭.૫૪ લાખ લિટર દારૂ જપ્ત કર્યો હતો.
ગુજરાત પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ૨૦૨૦માં ગુજરાત પોલીસે રાજયભરમાં દારૂની જપ્તી માટે પ્રતિબંધ અધિનિયમ હેઠળ ૧.૫૩ લાખ કેસ દાખલ કર્યા હતા જે ૨૦૨૧માં વધીને ૧.૬૯ લાખ થઈ ગયા હતા. અધિકારીએ વધુમાં જણાવ્યું કે, ૨૦૨૦માં લગભગ ૧.૬૪ લાખ અને ૨૦૨૧માં ૧.૬૭ લાખ આરોપીઓ બુટલેગિંગના આરોપ હેઠળ પકડાયા હતા. અધિકારીએ ઉંમેર્યું કે, લગભગ ત્રણ મહિનાના લોકડાઉંનને કારણે ૨૦૨૦માં દારૂની જપ્તી અને તેના કેસો ઓછા હતા.
૨૦૨૧માં કોવિડના વધતા કેસોને કારણે નિયંત્રણો હોવા છતાં પરિવહન પર કોઈ નિયંત્રણો નહોતા તેથી દારૂ ડ્રાય સ્ટેટમાં વહેતો રહ્યો. આંકડાઓ અનુસાર દારૂ પકડવાના કેસમાં હજુ પણ ૨૧,૫૮૩ આરોપીઓ ફ્રાર છે. વર્ષ ૨૦૧૯ની વાત કરવામાં આવે તો તે વર્ષે ગુજરાત પોલીસ દ્વારા રૂ. ૨૧૫ કરોડની કિંમતની  IMFL  અને દેશી દારૂની લગભગ ૬૮ લાખ બોટલો જપ્ત કરવામાં આવી હતી.
ગુજરાતના ડીજીપી આશિષ ભાટિયાએ જણાવ્યું કે, ‘પોલીસની સતર્કતાને કારણે દારૂ પકડવાના કેસમાં વધારો થયો છે.’ ગુજરાતમાં દારૂની હેરાફ્ેરી અંગેના પ્ર‘ના જવાબમાં ભાટિયાએ કહ્યું કે, ‘રાજ્યમાં આવતી દરેક ટ્રકની તપાસ કરવી માનવીય રીતે અશક્ય છે. પરંતુ અમે સતર્ક રહીએ છીએ અને હ્યુમન ઈન્ટેલિજન્સ અને ઇનપુટ્સની મદદથી દારૂ માફ્યિાઓ પર નજર રાખીએ છીએ.’

 

(10:36 am IST)