Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

ભીખ માંગતા બાળકોને શિક્ષણ આપી સમાજમાં પુનરૂત્થાન કરવાની અમદાવાદ ન,પ્રા ,શિક્ષણ સમિતિની નવતર પહેલ

બાળકો માટે સિગ્નલ સ્કૂલ શરૂ કરવાનો પ્રોજેકટ: ઘર નજીકની શાળામાં પ્રવેશ આપવામાં આવશે : એ.એમ.ટી.એસ.ની બસો પુરી પાડવા મ્યુનિ. કમિશનર લોચન સહેરાએ તૈયારી દર્શાવી

અમદાવાદ : ભીખ માંગતા બાળકોને ભિક્ષા નહિ પણ શિક્ષણ આપીને સમાજમાં તેમનું પુનરૂત્થાન કરવાની સાથોસાથ તેઓ મૂળ પ્રવાહમાં ભેળવવા સ્કૂલ બોર્ડ દ્વારા નવતર પહેલ કરવાની દિશામાં પગરવ માંડ્યા છે. તેના ભાગરૂપે અમદાવાદ શહેરના ચાર રસ્તા પર ભીખ માંગતા બાળકોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાના માર્ગદર્શન તથા તેમની પ્રેરણાથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ( સ્કૂલ બોર્ડ ) ના ચેરમેન સુજય મહેતા અને શાસનાધિકારી ડો. એલ.ડી. દેસાઈએ શહેરના ચાર રસ્તા પર ભીખ માંગીને પોતાની મહામૂલી જિંદગીને બદતર બનાવતાં બાળકો માટે સિગ્નલ સ્કૂલ શરૂ કરવાનો પ્રોજેકટ હાથ ધર્યો છે. જેના ભાગરૂપે શહેરના ચાર રસ્તા પર ભીખ માંગતા બાળકોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. સર્વેના આંકડા બાદ આ બાળકોને એ.એમ.ટી.એસ.ની બસમાં જ જ્ઞાન સાથે ગમ્મત જેવું શિક્ષણ પૂરું પાડીને તેમનામાં અભ્યાસ પ્રત્યેની રુચિ કેળવવામાં આવશે. ત્યારબાદ તેમને મ્યુનિ. શાળામાં પ્રવેશ આપીને મુખ્ય લહેરમાં લાવવામાં આવશે.

આ અંગે મ્યુનિ. સ્કૂલ બોર્ડના શાસનાધિકારી ડો. એલ.ડી. દેસાઈએ જણાવ્યુ હતું કે, મ્યુનિ. કમિશનર લોચન સહેરાના માર્ગદર્શન હેઠળ સમગ્ર પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે. આવા બાળકો માટે એ.એમ.ટી.એસ.ની બસથી આકર્ષાય તે માટે બસને રંગરોગાન કરીને સ્કૂલના સ્વરૂપમાં તૈયાર કરાશે. દરેક બસમાં 20 વિદ્યાર્થીઓને બેસાડીને સંગીત સહિત તેમને રુચિ પડે તે પ્રકારનું શિક્ષણ અપાશે. તેઓ મૂળ પ્રવાહમાં આવી જતા તેમના ઘર નજીકની શાળામાં પ્રવેશ આપવામાં આવશે. આ માટે જરૂરી એ.એમ.ટી.એસ.ની બસો પુરી પાડવા મ્યુનિ. કમિશનર લોચન સહેરાએ તૈયારી દર્શાવીને અમને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે

(9:15 pm IST)