Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

ગુજરાત રાજ્‍યમાં છેલ્લા 10 મહિનામાં કોરોનાના એક કરોડથી વધુ ટેસ્‍ટ કરાયાઃ 2,49,905 રિપોર્ટ પોઝીટીવ આવ્‍યા હતા

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા 10 મહિનામાં કોરોનાના એક કરોડથી વધુ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યાં છે. જેમાંથી 2,49,905ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ગુરુવારે નવા 667 કેસ સામે આવ્યા છે, જ્યારે વધુ 3ના મરણ નોંધાયા છે.

ગુજરાતમાં ગુરુવારે 24 કલાકમાં 47,942 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી કરવામાં આવેલા કોરોના ટેસ્ટની સંખ્યા 1,00,03,606 પર પહોચી ચૂકી છે. ગુરુવારે સામે આવેલા 667 નવા દર્દીઓમાંથી સૌથી વધુ 133 અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. જેમાં 129 શહેરી અને 4 દર્દીઓ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે.

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. અમદાવાદ સિવાય સુરતમાં 120 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વડોદરામાં 119, રાજકોટમાં 80, જામનગરમાં 19 અને  ગાંધીનગરમાં 17 નવા દર્દીઓ સામે આવ્યા છે.

આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી કુલ 2,49,905 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યાં છે. જ્યારે આ જીવલેણ વાઈરસ રાજ્યના કુલ 4332 લોકોને ભરખી ચૂક્યો છે.

(5:07 pm IST)