Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

પ્રતિબંધ છતાં બીઆરટીએસ રૂટ પર ટેમ્પો ઘુસતા દુર્ઘટના

ઓઢવ રોડ પરના બનાવમાં બે વ્યકિતને ઇજા : નિયમ તોડનાર ટેમ્પો ચાલકને ઝડપીને પોલીસને સોંપાયો

અમદાવાદ, તા.૮ : અમદાવાદ શહેરમાં થોડા સમય પહેલાં પાંજરાપોળ પાસે બીઆરટીએસ બસની ટક્કરથી બે સગા ભાઇઓના મોત અને ત્યારબાદ એ જ વિસ્તારમાં એક મહિલાના મોત બાદ અમ્યુકો સત્તાધીશો અને બીઆરટીએસ સત્તાવાળાઓએ બીઆરટીએસ કોરિડોરમાં ખાનગી વાહનોને પ્રવેશ પર પ્રતિબંધ સહિતની મહત્વની માર્ગદર્શિકા જારી કરી હતી પરંતુ તેનો અમલ ના થતો હોય તે પ્રકારે આજે શહેરના ઓઢવ વિસ્તારમાં પૂરપાટઝડપે આવેલા એક ટેમ્પોચાલકે પ્રતિબંધ છતાં બેફામ રીતે બીઆરટીએસ કોરિડોરમાં પોતાનું વાહન ઘૂસાડી ફુલસ્પીડમાં બે નિર્દોષ વ્યકિતને અડફેટે લીધા હતા અને ગંભીર અકસ્માત સર્જયો હતો. જેમાં આ બંને વ્યકિતને ઇજા થતાં તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

            બીજીબાજુ, ટેમ્પોચાલકે વાહન પરનો કાબૂ ગુમાવી ટેમ્પો કોરિડોરની રેલીંગ પર ચડાવી દીધો હતો. આ અકસ્માતને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને ટેમ્પોચાલકને ઝડપી પોલીસને સોંપ્યો હતો. પોલીસે સમગ્ર બનાવ અંગે જરૂરી તપાસ હાથ ધરી હતી. અમદાવાદ શહેરના બીઆરટીએસ કોરિડોરમાં વધુ એક અકસ્માતની ઘટના આજે સામે આવી હતી. આજે બપોર બાદ શહેરના ઓઢવ રોડ પર આવેલા બંસીધર ઓટોની સામે બીઆરટીએસ કોરિડોરમાં ટેમ્પો(જીજે૦૧ બીટી- ૬૨૧૫)એ બે લોકોને અડફેટે લીધા હતા.

            જેમાં બન્ને લોકોને ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઓઢવ વિસ્તારમાં પાણીના વહેળા પાસે બીઆરટીએસ કોરિડોરમાં એક ટેમ્પો ચાલક બેફામ આવી રહ્યો હતો, આ દરમિયાન સિક્યુરિટી ગાર્ડે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પૂરપાટ ઝડપે આવી રહેલો ટેમ્પો ચાલક અટક્યો નહીં અને બેફામ રીતે ટેમ્પોચાલક પ્રતિબંધિત બીઆરટીએસ કોરિડોરમાં ઘૂસી વાહન પૂરપાટ ઝડપે હંકારતો ગયો હતો, જેમાં તેણે કોરિડોરમાં જ આગળ બે લોકોને અડફેટે લઈ લીધા હતા અને પોતાના વાહન પરનો કાબૂ ગુમાવી ટેમ્પો બીઆરટીએસ કોરિડોરની રેલીંગ પર ચડાવી દીધો હતો. જેના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો અને સ્થાનિક લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. સ્થાનિકોએ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવારઅર્થે ખસેડી ટેમ્પોચાલકને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે સમગ્ર મામલે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. 

(9:23 pm IST)