Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

સીએએ : યશવંત સિંહાના નેતૃત્વમાં ગાંધી શાંતિયાત્રા

ગુજરાતમાં ૧૧મીથી શાંતિયાત્રા પરિભ્રમણ કરશે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ બંધારણ અને દેશના ટુકડા કરીને સમાજનું વિભાજન કરવાનું હીન રાજકારણ હાલમાં ખેલી રહ્યા છે

અમદાવાદ, તા.૮ : સીટીઝન અમેન્ડમેન્ટ એકટ-સીએએ, એનઆરસી અને એનપીઆરને લઇ ગુજરાત સહિત દેશભરમાં વિરોધ વ્યાપક બનતો જાય છે ત્યારે રાષ્ટ્ર મંચ દ્વારા આવતીકાલે તા.૯મી જાન્યુઆરીથી તા.૩૦મી જાન્યુઆરી સુધી ગાંધી શાંતિયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પૂર્વ કેન્દ્રીય નાણાંમંત્રી અને પ્રખર અર્થશાસ્ત્રી યશવંત સિંહાના નેજા હેઠળ આવતીકાલે મુંબઇથી નીકળનારી આ ગાંધી શાંતિયાત્રા ગુજરાત રાજયમાં તા.૧૧મી જાન્યુઆરીએ પ્રવેશ કરશે. જે તા.૧૮મી જાન્યુઆરી સુધી ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં પરિભ્ર્મણ કરશે અને છેલ્લે તા.૩૦મી જાન્યુઆરીએ દિલ્હી રાજઘાટ ખાતે ગાંધી શાંતિયાત્રાનું સમાપન થશે. સીટીઝન અમેન્ડમેન્ટ એકટ-સીએએ, એનઆરસી અને એનપીઆરને લઇ દેશભરમાં જે પ્રકારે લોકોમાં આક્રોશ પ્રવર્તી રહ્યો છે અને પોતાના અંગત હિતો અને સ્વાર્થ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ બંધારણ અને દેશના ટુકડા કરી સમાજનું વિભાજન કરવાનું હીન રાજકારણ ખેલી રહ્યા છે

           ત્યારે દેશની એકતા, અખંડિતતા અને બંધારણના સૌહાર્દને બચાવવા અમે અમારો જીવ આપી દઇશું પરંતુ સીએએ, એનઆરસી અને એનપીઆરનો અમલ નહી થવા દઇએ એમ આજે રાષ્ટ્ર મંચ, ગુજરાતના કન્વીનર અને રાજયના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા, પૂર્વ મંત્રી પ્રવીણસિંહ જાડેજા, પ્રો.હેમંત શાહ અને મહેશ પંડયાએ જણાવ્યું હતું. તેમણે મોદી સરકાર પર ગંભીર આરોપ લગાવતાં વધુમાં જણાવ્યું હતું કે, દેશના ઇતિહાસમાં સૌપ્રથમવાર મોદી સરકારે નાગરિકતા કાયદામાં સુધારો કરી ધર્મમાં ભેદ અને વર્ગવિગ્રહ ઉભો કરવાનો હીન પ્રયાસ કર્યો છે. ખાસ કરીને ધર્મના વાડામાં કાયદાના પરિપત્રને બાંધવાનો ગેરબંધારણીય પ્રયાસ થયો છે. સમાજમાં કોમી વૈમન્સ્યતા, જાતિવાદ અને ધર્મ આધારિત ભેદભાવના દૂષણને ઉત્તેજન આપી પોતાની રાજકીય લાલસાઓ સંતોષવાના થઇ રહેલા હીન પ્રયાસો સર્વપ્રકારે વખોડવાને પાત્ર અને નિંદનીય છે.

              રાષ્ટ્ર મંચ, ગુજરાતના કન્વીનર અને રાજયના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા, પૂર્વ મંત્રી પ્રવીણસિંહ જાડેજા, પ્રો.હેમંત શાહ અને મહેશ પંડયાએ વધુમાં ઉમેર્યું કે, દેશમાં સીએએ, એનઆરસી કે એનપીઆરની કોઇ જરૂરિયાત જ નથી. વાસ્તવમાં, પોતાના રાજકીય અને અંગત હેતુ સિધ્ધ કરવાના મલિન ઇરાદાઓ સાથે સીએએ, એનપીઆર અને એનઆરસી થકી દેશને વિભાજિત કરવાના ખાસ કરીને હિન્દુ-મુસ્લિમો વચ્ચેની ખાઇ વધુ ગેહરી બનાવવાના આઘાતજનક પ્રયાસો થઇ રહ્યા છે. વાસ્તવમાં, હિન્દુ-મુસ્લિમો વચ્ચેના પોલરાઇઝેશન થકી પશ્ચિમ બંગાળમાં કોઇપણ ભોગે ચૂંટણી જીતવાના પ્લાનીંગ મોદી અને શાહ દ્વારા ચાલી રહ્યા છે, એટલુ જ નહી, દેશના નાગરિકો અને તેમના બંધારણીય હક્કોના ભોગે પોતાના રાજકીય હેતુ અને સ્વાર્થ સિધ્ધ કરવા તેઓ માંગે છે પરંતુ અમે કોઇપણ ભોગે તેમ થવા નહી દઇએ.

સીએએ, એનઆરસી અને એનપીઆરના વિરોધમાં રાષ્ટ્ર મંચ દ્વારા આવતીકાલથી શરૂ થઇ રહેલી ગાંધી શાંતિયાત્રામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહા છેક સુધી સાથે ને સાથે રહેશે. ગુજરાતમાં તા.૧૧મી જાન્યુઆરીએ પ્રવેશનારી આ યાત્રા બારડોલીથી પ્રવેશ કરી, સુરત, વડોદરા, કરમસદ, ધંધુકા, પોરબંદર, ગોંડલ-જેતપુર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદના વિવિધ રૂટો પર તા.૧૮મી જાન્યુઆરી સુધી પરિભ્રમણ કરશે. એ પછી તા.૧૯મીએ આ યાત્રા ઉદેપુર, રાજસ્થાન જવા રવાના થશે અને છેલ્લે તા.૩૦મી જાન્યુઆરીએ દિલ્હી, રાજઘાટ ખાતે સમાપન થશે. ઐતિહાસિક એવી આ ગાંધી શાંતિ યાત્રામાં હજારો નાગરિકો અને વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો, નેતાઓ અને મહાનુભાવો પણ જોડાશે.

(8:25 pm IST)
  • રાજયના વિવિધ ગંભીર પ્રશ્નોની રજૂઆત માટે વિપક્ષી નેતા પરેશ ધાનાણી કોંગ્રેસનંુ પ્રતિનિધિ મંડળ રાજયપાલને મળશે : પરેશ ધાનાણીના નિવાસસ્થાને ધારાસભ્યો એકઠા થયા : ખેડૂતોને પાકવિમા, સરકારી શાળાઓ બંધ કરવાના મામલે અને નવજાત શિશુઓના મોત તેમજ મંદી, મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોને દેવામાફી સહિતના મુદ્દાઓ લઈને રાજયપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત કરશે access_time 5:18 pm IST

  • શ્રીનગરમાં સીઆરપીએફ કાફલા પર ગ્રેનેડ ફેંકયો બે નાગરીકને ઇજાઃ જમ્મુ-કાશ્મીર શ્રીનગરમાં સીઆરપીએફ કાફલા પર આતંકી હુમલો થયો છેઃ આતંકીઓએ ગ્રેનેડ હુમલો કરતા બે નાગરિકને ઇજા પહોંચી છેઃ હાલમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. access_time 3:59 pm IST

  • ભગવાનના નામ પર હેવાન બનેલા ભાઈએ માઁ દુર્ગાને ચડાવી 12 વર્ષની સગીર બહેનની બલી : 2018માં પણ આહુતિ મર્ડર કેસમાં ઝડપાયો હતો : ઓડિસાના બોલગીર જિલ્લાના હેવાન શુભોબનની ધરપકડ : ભાઈ સાથે 12 વર્ષની બહેન જનાની રાના નજીકના નૌપાડા જિલ્લાના ખૈરિયારમાં ગઈ હતી પરંતુ પરત નહીં ફરતા ગામલોકોએ પોલીસ સ્ટૅશનને ઘેરીને સગીરાના ભાઈ પર જ શંકા વ્યક્ત કરતા હેવાન ભાઈની ધરપકડ કરતા તેને પોતાની બહેનની બાલી ચડાવ્યાનું કબુલ્યું access_time 1:15 am IST