Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

NSUI અને ABVPના વિવાદમાં રાજકારણ ગરમ

પોલીસની ભૂમિકા અને વલણને લઇ સવાલો : માર ખાનારા એનએસયુઆઇના કાર્યકરો પાસે હથિયારો હતા : કેમેરામાં એબીવીપીના કાર્યકર હુમલો કરતા દેખાયા

અમદાવાદ, તા.૮ : પાલડીમાં ગઇકાલે એનએસયુઆઇ અને એબીવીપીના કાર્યકોર વચ્ચે થયેલી મારામારી અને હુમલાની ચકચારી ઘટનામાં હવે રાજકારણ સ્પષ્ટ રીતે ગરમાયું છે. આ સમગ્ર મામલામાં ખુદ પોલીસે રાયોટીંગનો ગુનો દાખલ કરી એનએસયુઆઇએ ગઇકાલના દેખાવો કે રેલી માટે મંજૂરી લીધી નહી હોવાનું જણાવ્યું હતું. એટલંુ જ નહી, ગઇકાલના હુમલામાં એબીવીપીના કાર્યકરો દ્વારા બહુ ગંભીર અને ખતરનાક રીતે એનએસયુઆઇના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણી સહિતના કાર્યકરોને લોહીલુહાણ થઇ જાય તેટલી ગંભીર હદે માર મારવામાં આવ્યા હતા અને સમગ્ર ઘટના પણ સીસીટીવી ફુટેજમાં દેખાતી હોવાછતાં પોલીસે ભારે આશ્ચર્યજનક રીતે માર અને હુમલાનો ભોગ બનનાર એનએસયુઆઇના કાર્યકરો પાસે હથિયારો હતા તેવો આરોપ લગાવ્યો છે તો સીસીટીવી ફુટેજમાં એબીવીપીના કાર્યકરો હુમલો કરતાં સ્પષ્ટ દેખાતા હોવાછતાં અને આખુ શહેર જોતું હોવા છતાં પોલીસ એબીવીપી મામલે સૂચક મૌન સેવી રહી છે, તે બહુ સ્પષ્ટ કરે છે કે, પોલીસ કયાંકને કયાંક ભાજપ અને સરકારના ઇશારે કે દબાણમાં સમગ્ર કાર્યવાહી કરી રહી છે.

                ખુદ કોંગ્રેસના નેતાઓએ પણ આજે આ ગંભીર આક્ષેપો કર્યા હતા. આ સમગ્ર પ્રકરણમાં હવે પોલીસે એનએસયુઆઈને જ આરોપી તરીકે ગણતી હોય તેમ આક્ષેપ કર્યો છે કે, એનએસયુઆઇના કાર્યકરો ગાડીમાં લાકડીઓ લઈને આવ્યા હતા. એબીવીપીના કાર્યકરો કાર્યાલય તરફ જતા હતા ત્યારે બન્ને પક્ષે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન પાલડીના પીઆઈ બી.એસ. રબારી ત્યાં પહોંચી ગયા હતા અને બન્ને પક્ષને મારામારી કરતા છૂટા પાડ્યા હતા. જ્યારે વીડિયો ફૂટેજની અંદર ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલ અને પૂર્વ પ્રમુખ પ્રદિપસિંહ વાઘેલાની હાજરીમાં એબીવીપીના કાર્યકરો એનએસયુઆઇના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણીને માથામાં પાઈપ મારે છે અને ત્યારે પોલીસ પણ મુક પ્રેક્ષક બનીને તમાશો જોતી જોવા મળે છે. આમ પોલીસ સ્પષ્ટ રીતે એબીવીપીના કાર્યકરો અને નેતાઓનો બચાવ કરી રહી હોય તેવું સ્પષ્ટ ચિત્ર સામે આવી રહ્યું છે. ઝોન ૭ ડીસીપી કે.એન. ડામોરે એબીવીપીના કાર્યકરોના હાથમાં લાકડી હતી કે કેમ તે બાબતે પૂછતા જણાવ્યું હતું કે, આ બાબતે ચોક્કસ ખ્યાલ નથી.

              પીઆઈ બી.એસ.રબારીએ જે રીતે મને કીધું એ રીતે મેં તમને કીધું. આ બાબતે તમે પીઆઈ રબારીને પૂછી લો. મારામારી મામલે નોંધાયેલી ફરિયાદ અંગે પૂછતા કહ્યું કે સરકાર તરફે અમે ફરિયાદ દાખલ કરી છે. બન્ને પક્ષના કાર્યકરોને આરોપી બનાવ્યા છે. મેડિકલ ટેસ્ટના આધારે ગુનાની કલમનો ઉમેરો કરવામાં આવશે. જ્યારે અલગથી કોઈ ફરિયાદ નોંધવામાં આવશે નહીં. ઝોન ૭ ડીસીપી ડામોરે એબીવીપી અને એનએસયુઆઇના કાર્યકરો વચ્ચેની મારામારીના વીડિયો ફૂટેજમાં એનએસયુઆઇના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણીને એબીવીપીના કાર્યકરો મારતા હોવાનું અને સવાણી લોહીલુહાણ થયા હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું હોવા છતાં પણ ઝોન-૭ ડીસીપી ડામોરે આ બાબતની કોઈ સ્પષ્ટતા કરી નહોતી. એટલું જ નહી, એબીવીપીના કાર્યકરો હાથમાં લાકડીઓ અને પાઈપ સાથે આવ્યા હતા અને તેમણે મારામારી કરી હતી તે અંગે કોઈ ખુલાસો કર્યો ન હતો, જેને લઇને હવે આ કેસમાં પોલીસની ભૂમિકા અને વલણ સામે બહુ મોટા અને ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ કયાંક ને કયાંક ભાજપ અને સરકારના દબાણમાં કે તેના ઇશારે કામ કરી રહી હોવાની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે.

(8:19 pm IST)
  • ઈરાકના બે લોકેશન ઉપર ઈરાનમાંથી બે મિસાઈલો આજે સવારે છોડવામાં આવ્યા છે : વિગતો મેળવાઈ રહી છે : ઈરાકમાં આવેલ બે અમેરિકી લશ્કરી મથકો ઉપર ઈરાને ૨ મિસાઈલો જીકયા છે : ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યુ છે કે બધુ સહી સલામત છે access_time 1:02 pm IST

  • ઈરાન, અમેરિકા સાથેના તણાવને ઘટાડવા માટે ભારત દ્વારા થનાર કોઈ પણ શાંતિ પહેલને આવકારશે : ભારતના ઈરાન રાજદૂત, અલી ચેગેની access_time 1:35 pm IST

  • શ્રીનગરમાં સીઆરપીએફ કાફલા પર ગ્રેનેડ ફેંકયો બે નાગરીકને ઇજાઃ જમ્મુ-કાશ્મીર શ્રીનગરમાં સીઆરપીએફ કાફલા પર આતંકી હુમલો થયો છેઃ આતંકીઓએ ગ્રેનેડ હુમલો કરતા બે નાગરિકને ઇજા પહોંચી છેઃ હાલમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. access_time 3:59 pm IST