Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

બાળ લગ્ન અટકાવવા દરેક સમાજે જાગૃત થઇ આગળ આવવુ પડશે :નર્મદા જિલ્લા કલેકટર મનોજ કોઠારી

જિલ્લા કલેકટરના અધ્યક્ષપદે “બાળલગ્ન એક અભિષાપ” વિષય પર એક દિવસીય સેમિનાર યોજાયો

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી-સહ-જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી તેમજ જિલ્લા બાળ સુરક્ષાના સંયુક્ત ઉપક્રમે રાજપીપળામાં ડૉ.આંબેડકર હોલ ખાતે નર્મદા જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીના અધ્યક્ષપદે “બાળલગ્ન એક અભિષાપ” વિષય પર એક દિવસીય સેમિનાર યોજાયો હતો.

  આ સેમિનારમાં મહિલા અગ્રણી શ્રીમતી ભારતીબેન તડવી,ક્રાય એસોસીએશન જનરલ મેનેજર દિનેશ કક્કોથ, ક્રાય એસોસીએશન સ્ટેટ કો.ઓર્ડીનેટર રૂચાબેન ઠક્કર, ધારાશાસ્ત્રી શ્રીમતી અશ્વીનાબેન શુક્લા, સમાજ સુરક્ષા અધિકારી એસ.વી રાઠોડ,જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ચેતનભાઇ પરમાર સહિત જિલ્લાની વિવિધ ૧૭ જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ વગેરે પણ હાજર રહ્યાં હતાં.

   આ પ્રસંગે જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીએ જણાવ્યું હતું કે, આજના સમયે બાળલગ્નના કિસ્સા નોંધાતા હોય છે, જે આવનારી ભાવિ પેઢી માટે નુકશાનકારક છે. નાની ઉંમરમાં લગ્ન થતા મહિલા અને બાળક બંન્ને કુપોષણથી પીડાઇ છે. પુખ્ત વયમાં લગ્ન થાય તો સારા અને સક્ષમ સમાજનું નિર્માણ થાય છે. બાળ લગ્ન અટકાવવા દરેક સમાજે જાગૃત થઇ આગળ આવવુ પડશે.

  વધુમાં જણાવ્યું હતું કે બાળ લગ્ન કરાવનાર અપરાધીને બે વર્ષ સુધીની સખત કેદની સજા અથવા એક લાખ સુધીના દંડ અથવા બન્ને પણ થઇ શકે છે.તેમણે બાળ લગ્નના કિસ્સા ધ્યાનમાં આવે તો વહિવટી તંત્રને જાણ કરવા આહવાન કર્યું હતું. તેની સાથોસાથ દરેક સમાજ ના લોકો સમૂહ લગ્નમાં જોડાય તો લગ્નનો ખર્ચ અને જવાબદારીઓ પણ નહિવત રહે છે.

  મહિલા અગ્રણી શ્રીમતી ભારતીબેન તડવીએ જણાવ્યું હતું કે,દિકરા- દિકરીના લગ્ન પુખ્ત વયે કરવા જોઇએ. બાળ લગ્ન અટકાવવા સમાજમાં જાગૃત્તિ લાવવા જરૂરી પગલાં ભરવા જરૂરી છે. આ માટે સમાજમાંથી દરેક મહિલાઓએ આગળ આવી આ અભિયાનને સફળ બનાવવા સહભાગી બનવું જોઇએ.

  નર્મદા જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી-સહ-જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એસ .વી. રાઠોડે જણાવ્યું હતું કે,આજના સમયે બાળ લગ્ન એક અભિષાપ છે. છોકરાના ૨૧ વર્ષ અને છોકરીના ૧૮ વર્ષ પૂર્ણ થતાં પહેલા લગ્ન કરવાએ બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ હેઠળ ગુન્હો બને છે. બાળ લગ્ન કરાવનાર કે પ્રોત્સાહન આપનાર તમામ અપરાધી કહેવાય છે અને આ તમામ સામે કાયદાકીય પગલા ભરવામાં આવે છે. બાળ લગ્ન થવાના હોય કે થઇ ગયા હોય તો તે અંગેની જાણ કરવા તેમણે જણાવ્યું હતું અને બાળ લગ્નની માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે

 , વધુમાં ઉમેર્યું હતું કે, બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ- ૨૦૦૬, જુવેનાઇલ જસ્ટીસ એક્ટ- ૨૦૧૫,જાતિય ગુન્હાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ પોક્સો એક્ટ- ૨૦૧૨, પાલક માતા- પિતા યોજના, દત્તક વિધાન, બાળકો ની માનસિકતા અને મુંઝવણને સમવા અંગેની વિસ્તૃત જાણકારી આપી હતી.આ પ્રસંગે ક્રાય એસોસી એશન જનરલ મેનેજર દિનેશ કક્કોથે બાળલગ્ન અંગે લોકોમાં જાગૃત્તિ કેળવવા માટે સમજ આપી હતી.

પ્રારંભમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ચેતનભાઇ પરમારે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને અંતમાં તેમણે આભારદર્શન કર્યું હતું.

(7:44 pm IST)