Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

ભરૂચમાં CAA અને NRC કાયદાનો વિરોધઃ બહુજન ક્રાંતિ મોરચાના નેજા હેઠળ ૯ જેટલી સામાજીક સંસ્થાઓના અસંખ્ય આગેવાનો-કાર્યકરો દ્વારા રેલી-આવેદન

ભરૂચઃ ભરૂચ શહેરમાં આજે નવ જેટલી સામાજીક સંસ્થાનાં અસંખ્ય આગેવાનોએ બહુજન ક્રાંતિ મોરચાનાં નેજા હેઠળ ભરૂચ રેલ્વે સ્ટેશનથી જીલ્લા કલેકટર કચેરી સુધી રેલી યોજી CAA અને NRC ના કાયદાનો વિરોધ કરીને 12 મુદ્દાને લગતું લેખિત આવેદનપત્ર આપી આ કાયદાઓ રદ કરવાની માંગણી કરી હતી. દેશભરમાં હાલ તો જાગૃત લોકો દેશમાં CAA અને NRC નાં કાયદા અંગે વિરોધ ચાલી રહ્યો છે. દેશભરમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. ત્યાં જ હવે કેન્દ્રની સરકારે અંગ્રેજો જેવી નીતિ અપનાવી CAA અને NRC નો વિરોધ કરનારા લોકો ઉપર પોલીસ દ્વારા દમન ગુજારવાનું શરૂ કરતાં તેના ધણા ગંભીર પડધા પડી રહ્યા છે. જેના ભાગરૂપે આજે દેશમાં 580 થી વધુ જગ્યાએ રાષ્ટ્રપતિને સંબોધીને CAA અને NRC નો કાયદો રદ કરવાનું આવેદનપત્ર આપવામાં આવ્યા છે. જેમાં ભરૂચ શહેરમાં બહુજન ક્રાંતિ મોરચાનાં નેજા હેઠળ 12 સંસ્થા કે જેમાં ભારત મુક્તિ મોરચા, રાષ્ટ્રીય મૂળ નિવાસી મહિલા મોરચા, મૂળ નિવાસી સંધ, જમીયતે ઉલ્માએ હિન્દ, ભારતીય વિદ્યાર્થી મોરચા, હ્યુમન રાઇટસ એન્ડ સોસિયલ જસ્ટીસ જેવી સંસ્થાનાં આગેવાનો કાર્યકર્તાઓએ ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતેથી બેનરો સાથે CAA અને NRC કાયદાનો વિરોધ કરતી રેલી યોજી હતી. આ હજારો લોકોની રેલી કલેકટર કચેરી ખાતે પહોંચી હતી ત્યાં કેન્દ્ર સરકારનાં કાળા કાયદાને રદ કરવાની માંગણી કરતાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જયારે આજે 12 મુદ્દાઓને રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં આસામમાં 12 લાખ કરતાં વધુ લોકોને NRC નાં કાયદામાં કાઢી નાંખવામાં આવ્યા છે. તેમણે પરત નાગરિત્વ આપવામાં આવે, CAA કાનૂનએ બંધારણની કલમ 14,15,21 મુજબ બંધારણ વિરુદ્ધ છે તે કાયદાને રદ કરવામાં આવે, જો લોકો પર CAA અને NRC નો વિરોધ કરવાવાળા પર કરેલા કેસો પાછા ખેંચવામાં આવે, EVM માં VVPAT ની પણ ગણતરી કરવામાં આવે, વર્ષ 2021 માં થનારી જાતિ ગણતરીમાં જાતિ આધારિત ગણતરી કરવામાં આવે એટલું જ નહીં પરંતુ NRC અને CAA માં DNA કાર્ડનું જોડાણ કરવામાં આવે જેનું DNA મેચ થાય તેમણે જ નાગરિકતા મળી શકે તેવી 12 મુદ્દાની માંગણી કરતું આવેદનપત્ર ભરૂચ જીલ્લા કલેકટરને આપવામાં આવ્યું હતું.

(5:27 pm IST)