Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

વડોદરાના નવલખી મેદાનમાં આયોજીત આંતરરાષ્‍ટ્રીય પતંગ મહોત્સવમાં દેશ-વિદેશના ૧૬૯ પતંગબાજોએ ભાગ લીધો

વડોદરાઃ વડોદરા નવલખી મેદાન ખાતે આજે યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દેશ-વિદેશના 169 પતંગ બાજોએ ભાગ લીધો હતો. વિવિધ પ્રકારની પતંગો નિહાળવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યાં હતા. જેમાં ખાસ કરીને રશિયાથી પતંગ ઉત્સવમાં ભાગ લેવા આવેલું યુગલ આકર્ષણનુ કેન્દ્ર બન્યા હતા. ગુજરાત પ્રવાસન નિગમ આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેવા છેક રશિયાથી એક યુગલ આવ્યું છે.આ દંપતી પૈકી દીમિત્રિવ ત્રીજી વાર અને અન્ના બીજીવાર ગુજરાત આવ્યા છે.જો કે આ દંપતી આજે પ્રથમવાર વડોદરા જોયું હતું અને નવલખી મેદાન પર કલાત્મક પતંગો ઉડાડી હતી.તેઓ રશિયામાં એક કાઈટ ફ્લાયિંગ ક્લબના સદસ્ય છે અને પતંગબાજીનો આનંદ માણવા વિશ્વના ઘણાં બધા દેશોમાં ઘૂમી ચૂક્યા છે. તેમણે જણાવ્યું કે અમદાવાદમાં હવા અનુકૂળના હોવાથી પતંગ ઉડાડવાની મઝા ના આવી પણ વાતાવરણ સરસ હોવાથી ગમ્યું. ગુજરાત હજું જોયું નથી પણ એક સુંદર જગ્યાએ આવ્યા છે એવું લાગે છે.તેઓ પણ નાયલોનમાંથી પતંગો બનાવે છે અને ગીલોલની માફક છોડી શકાય એવી ટચૂકડી,દોરી વગરની પતંગોથી બાળકોને ખુશ કરે છે.અહીં એક વાત નોંધવી જોઈએ કે વિદેશી પતંગબાજો પોતાને ગમતી પતંગો જાતે જ બનાવે છે અને વિવિધતા ભરી સામગ્રીનો ઉપયોગ કરે છે. પતંગબાજીનો સરંજામ પોતાની સાથે જ લઈને ચાલે છે.એમનો હેતુ પેચ લડાવવા કે કાપવાનો નહીં પણ પતંગ ઉડાડી આકાશને આંબવાનો હોય એવી પ્રતીતિ થાય છે.

(5:26 pm IST)