Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

સુરતના બિલ્ડર અને શૈક્ષણિક સંસ્‍થાઓના માલિક મહેશ સવાણી હજુ પણ પોલીસ પકડથી દૂર

સુરત : સુરતમાં બિલ્ડર અને ઘણી શૈક્ષણિક સંસ્થાઓના માલિક મહેશ સવાણીની સામે ઉમરા પોલીસ મથકમાં એક બિલ્ડરના અપહરણ અને તેમની પાસેથી ખંડણી માગવાનો ગુનો નોંધાયો છે. મહેશ સવાણી છેલ્લા ઘણા વર્ષોથી પિતા વિહોણી દીકરીઓના સમૂહલગ્ન કરાવે છે. તેમની આ પ્રવૃત્તિથી તેમને સારી એવી પ્રસિદ્ધિ પણ મળી છે. જોકે હવે તેમની સામે ગૌતમ પટેલ (65 વર્ષ) નામના એક બિલ્ડરના અપહરણની અને તેમની પાસેથી રૂ. 19 કરોડની માગણી કર્યાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે મહેશ સવાણી ઉપરાંત તેમના સાથીદાર ગોપાલ અને અન્ય ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો હતો અને હવે ચાર આરોપીઓની ધરપકડ કરી છે પણ હજી સુધી મહેશ સવાણીની ધરપકડ કરવામાં આવી નથી.

ગૌતમ પટેલે પોલીસ ફરિયાદમાં જણાવ્યાં પ્રમાણે, મહેશભાઇ વલ્લભભાઇ સવાણી પાસેથી બિલ્ડરે ગૌતમ પટેલે ઉછીનાં ત્રણ કરોડ રૂપિયા લીધા હતા. આ પૈસા પાછા લેવા માટે મહેશ સવાણીના માણસ ગોપાલભાઇ અન્ય ચાર સાથે મારા ઘરે આવીને ધમકાવીને કારમાં બેસાડવાનો પ્રયત્ન કર્યો હતો. આ પછી અન્ય કારમાં મહેશ સવાણીએ આવીને મને જબરદસ્તીથી તેમની કારમાં બેસાડીને ઓફિસે લઇ જઇને લાફા મારીને પૈસા કઢાવવા માટે 18 કરોડ રૂપિયા અથવા બંગલો લખી આપવાની માંગણી કરી હતી.

મોડી રાતે ગૌતમ પટેલનો છૂટકારો થતાં તેઓ સીધા જ ઉમરા પોલીસ મથકમાં જઇને આ ફરિયાદ નોંધાવી હતી. મહત્વનું છે કે, થોડી સમય પહેલા મહેશ સવાણીએ સુરતમાં પાનેતર લગ્નોત્સવમાં પિતાવિહોણી 273 દીકરીઓનાં સમૂહલગ્ન કરાવ્યાં હતાં. આ ઉપરાંત મહેશ સવાણીને સમાજનાં સેવક તરીકે પણ ઓળખવામાં આવે છે.

(5:23 pm IST)