Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ટિકીટોના કાળાબજાર અટકાવવા એક વ્‍યક્તિ ઓનલાઇન કે ઓફલાઇન માત્ર ટિકીટ જ બુક કરાવી શકશે

નર્મદા: વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ગણાતી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે સતત પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જેને લીધે કાળાબજારીઓને મોકળો માર્ગ મળી ગયો છે. થોડા સમય અગાઉ ટિકિટો બ્લેકમાં વેચાતી હોવાની બુમો ઉઠવા પામી હતી અને જેને લઇને કેવડિયા પોલિસ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ડુપ્લીકેટ ટિકિટ મુદ્દે ફરિયાદ પણ દાખલ કરી હતી. ત્યારે તંત્ર દ્વારા આ પ્રકારની પ્રવૃતિને અટકાવવા માટે પગલાં ભર્યા છે. ટિકિટનું કાળા બજાર થતાં હોવાની શંકાએ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંચાલકો દ્વારા સંપૂર્ણ પારદર્શિતા રહે અને પ્રવાસીઓને વ્યુઇંગ ગેલેરી જોવામાં કોઈ અગવડ ન પડે તે માટે આયોજન કરવામાં આવ્યું છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી જોવા માટે ઓન લાઈન ટિકિટ બુક થઈ જતી હતી, કાળા બજારીઓ અને ટુર ઓપરેટરો ઓનલાઇન 15 થી 17 ટિકિટો બુક કરતા હતા. જેથી રજાના દિવસોમાં તો વ્યુઇંગ ગેલેરી જોવા માટે ગયેલા પ્રવાસીઓને ટિકીટ ન મળતાં પાછા ફરવાનો પણ વારો આવતો હતો. જેથી આ ટિકિટનું કાળા બજાર થતાં હોવાની શંકાએ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્ર દ્વારા સંપૂર્ણ પારદર્શિતા રહે અને પ્રવાસીઓને વ્યુઈંગ ગેલેરી જોવામાં કોઈ અગવડ ન પડે તે માટે હવે એક વ્યક્તિ ઓન લાઈન કે ઓફ લાઇન ફક્ત 6 ટિકિટો જ બુક કરી શકશે અને એનાથી વધુ ટિકિટ બુક કરાવવા જશે તો એ બુક નહિ થાય એવો નિર્ણય લેવાયો છે.

(5:20 pm IST)