Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

બનાસકાંઠાના દિયોદરમાં 25 હજારની લાંચ લેવાના પ્રકરણમાં મામલતદાર એસીબીના સકંજામાં

બનાસકાંઠા: જિલ્લાના દિયોદર તાલુકાના મામલતદાર પી.એસ. પંચાલ એસીબી ટ્રેપમાં આવ્યા છે. મામલતદાર વતી ડ્રાયવરને લાંચ લેતા પાલનપુર એસીબીએ ટ્રેપ ગોઠવી ઝડપી પાડતા હડકંપ મચી ગયો છે. કાંકરેજ પંથકમાં રેતી ચોરી બેફામ હોઈ ડમ્પર ચાલકો વિરુધ્ધ કાર્યવાહી નહિ કરવા મામલતદારે લાંચની માંગ કરી હતી. જેના હપ્તા પેટે રૃા. ૨૫૦૦૦ની રકમ સ્વીકારવાની વાત થઈ હતી. જેમાં નાગરિક લાંચ આપવા ઈચ્છુક નહિ હોવાથી પાલનપુર એસીબીનો સંપર્ક કરી વિગતો જણાવી હતી.

સુત્રોએ જણાવ્યું હતું કે પાલનપુર એસીબીએ ગોઠવેલી ટ્રેપમાં દિયોદર મામલતદાર લાંચ લેતા ઝડપાઈ જતા પુછપરછના ભાગરૃપે રેસ્ટ હાઉસ લઈ જવાયો છે. જ્યાં મામલતદાર પંચાલ અને ડ્રાયવરની એસીબી દ્વારા સઘન પુછપરછ કરવામાં આવી હોવાથી આરોપીઓને બચવાનો માર્ગ અત્યંત કઠિન હોવાનું જાણવા મળેલ છે. સૌથી મોટી વાત તો એ છે કે ગેરકાયદેસર રાતદિવસ બનાસ નદીના પટમાંથી રેતી ખનન ચોરી ચાલતી રહે છે અને અધિકારીઓ હપ્તાઓ થકી પોતાના ખિસ્સાઓ ભરે છે અને સરકારી તિજોરીને મોટું નુકસાન થઈ રહેલ છે. આ અગાઉ પણ ગેરકાયદેસર રીતે ખનન સામે ડીસા પ્રાંત અધિકારી એસીબીમાં ઝડપાઈ ગયા હતા અને આજે દિયોદર મામલતદાર પણ લાંચ લેતા ઝડપાઈ જતા ખળભળાટ મચી જવા પામેલ છે.

(5:12 pm IST)