Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદવા માટેની મુદતમાં વધારો થવાની શકયતા :કેન્દ્રને પત્ર પાઠવી મંજૂરી માંગી

કમોસમી વરસાદને કારણે ખરીદી પ્રક્રિયામાં ગેપ આવતા કેટલાય ખેડૂતો બાકી રહ્યાં હોય મુદત વધારવા રજૂઆત

અમદાવાદ : સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદવા માટેની મુદતમાં વધારો કરવા કેન્દ્રને પત્ર પાઠવી રજૂઆત કરાઈ છે ગત 1 નવેમ્બર 2019થી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરાયો હતો  જોકે આ ખરીદી દરમિયાન જ રાજ્યમાં કમોસમી વરસાદ પડવાના કારણે 17 દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી કરીને બાદમાં મગફળીની ખરીદ પ્રક્રિયા બંધ કરવામાં આવી હતી.

 જોકે ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયાની મુદત 29 જાન્યુઆરી 2020ના રોજ પૂરી થવા જઈ રહી છે તો, બીજી તરફ કમોસમી વરસાદના કારણે ખરીદી પ્રક્રિયામાં 17 દિવસની ગેપ આવતી હોવાના કારણે કેટલાક ખેડૂતો વંચિત રહી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે રાજ્યમાં રજિસ્ટર થયેલા તમામ ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે એ હેતુથી ભારત સરકાર સમક્ષ ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા ખરીદ પ્રક્રિયાની મુદત વધારવા માટે પત્ર લખવામાં આવ્યો હોવાના અહેવાલ છે. જો કેન્દ્ર સરકાર હકારાત્મક અભિગમ અપનાવશે તો આગામી 13 ફેબ્રુઆરી ૨૦૨૦ સુધી ટેકાના ભાવે મગફળી ખરીદી કરવામાં આવશે.

  રાજ્યમાં 1 લાખ 40 હજાર ખેડૂતોની મગફળી ગુજરાત સરકાર દ્વારા અત્યાર સુધીમાં ખરીદવામાં આવી છે. જે પૈકી સૌથી વધુ મગફળી રાજકોટ શહેર અને જિલ્લામાંથી ખરીદ કરવામાં આવી છે. રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદી બાદ અત્યાર સુધીમાં 399.97 કરોડ રૂપિયાનું જંગી ચુકવણું સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, વર્તમાન સ્થિતિએ ખુલ્લા બજારોમાં મગફળીના પોષણક્ષમ ભાવો મળી રહ્યા છે તેના કારણે મોટાભાગના ખેડૂતો સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી આપવાના બદલે ખુલ્લા બજારમાં વેપારીઓને સીધું વેચાણ કરી રહ્યા છે રાજ્ય સરકારની ઢીલી ખરીદ નીતિ, ગ્રેડિંગ પદ્ધતિ અને મગફળી ખરીદ કર્યા બાદ ખેડૂતને નાણા મેળવવા માટે થતો વિલંબ આની પાછળ કારણભૂત માનવામાં આવી રહ્યું છે.

(9:58 pm IST)