Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

ભાનુશાળી હત્યા : ગાંધીધામ-સામખિયાળી વચ્ચે ચેન પુલીંગ

સીઆઇડી ક્રાઇમ અને રેલ્વેના ડીજીનો ઘટસ્ફોટ : પરિવારજનો દ્વારા છબીલ પટેલ વિરૂદ્ધ જે ગંભીર આરોપ લગાવાયા છે, તેને લઇને પોલીસ યોગ્ય રીતે તપાસ કરશે

અમદાવાદ,તા.૮ : જયંતી ભાનુશાળી હત્યા બાદ ગાંધીધામથી સામખીયાળી વચ્ચે ટ્રેન પુલિંગ થયું હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે. ગાંધીધામથી ટ્રેન ઉપડી અને રાતે ૧૨.૫૭ વાગ્યાની આસપાસ ટ્રેનનું ચેઇન પુલિંગ થતાં ત્રણ મિનિટ માટે ટ્રેન રોકાઈ હતી. ભચાઉથી સામખીયાળી વચ્ચે જ આ હત્યાની સમગ્ર ઘટના બની હતી. સૂરજબારી પુલ પાસે ટ્રેનમાં હાજર રેલવેના કર્મીઓને જાણ થતાં તેઓ તાત્કાલિક કોચમાં દોડી ગયા હતા. ટ્રેનમાં ત્રણ જીવતા કાર્ટીસ, ૨ ફૂટેલા કાર્ટીસ અને એક ફૂટેલી બૂલેટ મળી હોવાનું સીઆઈડી ક્રાઈમ અને રેલવેઝના ડીજી આશિષ ભાટીયાએ મીડિયા સમક્ષ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. ડીજી આશિષ ભાટિયાએ વધુમાં જણાવ્યું હતું કે, આ ટ્રેનમાં શામખીયાળીથી ચાર કિલોમીટર પહેલા મધરાતે ૧૨.૫૭ કલાકે ચેઈન પુલિંગ થયું હતું. આ હત્યામાં કેટલા આરોપી છે તે નક્કી થઇ શક્યું નથી. પરંતુ શંકાશીલ વ્યક્તિઓ કે જેમના પર શંકા હોય તેવી વ્યક્તિઓ સાથે સીસીટીવી અને મોબાઈલ નંબરોના આધારે પણ તપાસ કરવામાં આવશે. તેમની મુસાફરી અને તેમના પછી ટીકીટ કોણે લીધી તે પણ તપાસ કરવામાં આવશે. જ્યારે પોલીસને સઘન તપાસમાં જયંતી ભાનુશાળી પાસે રહેલી બેગમાં રહેલા એક પાઉચમાંથી એક ગન મળી આવી છે. આ લોડેડ હથિયાર સાથે બીજા ત્રણ કારતુસ પણ છુટા મળી આવ્યા છે. જયંતિ ભાનુશાળીની હત્યા મામલે સીટના સાત અધિકારીઓની ખાસ ટીમ સમગ્ર મામલાની તપાસ ચલાવશે. પ્રાથમિક તપાસ દરમ્યાન ટ્રેનના કોચમાંથી ત્રણ જીવતા કારતૂસ, બે ફુટેલા કારતૂસ અને એક ફુટેલી બુલેટ મળી આવી છે. જેમાં ૭.૬૫ એમએમની બુલેટ હત્યામાં વપરાઇ હોવાનું સામે આવ્યું છે. બુલેટનો આગળનો ભાગ અને સપ્લીન્ટર મળ્યું છે. આ હત્યામાં કન્ટ્રી મેઇડ વેપન વપરાયું હોવાનું જણાય છે. એટલું જ નહી, ભાનુશાળની હત્યા એકદમ નજીકથી એટલે કે, પોઇન્ટ બ્લેન્ક રેન્જથી કરાઇ હોય તેમ લાગે છે. પોલીસે માળિયા અને અન્ય રેલ્વે સ્ટેશનોના સીસીટીવી ફુટેજ મેળવી હત્યારાઓને શોધવાના ચક્રો પણ ગતિમાન કર્યા છે. આ સમગ્ર હત્યાના બનાવની તપાસમાં શહેર ક્રાઇમ બ્રાંચ, એટીએસ, સીઆઇડી, આરપીએફ સહિતની ટીમો પણ જોડાશે અન કેસમાં મદદ કરશે. જ્યારે આ હત્યામાં આરોપીએ દેશી બનાવટના હથિયારથી કરાયેલા ફાયરિંગમાં કોચમાં ત્રણ જીવતા કારતુસ અને બે ફાયર કરાયેલા કારતુસ મળી આવ્યા છે.

હત્યા વખતે ટ્રેનના કોચમાં ભાનુશાળીની સાથે પવન મૌર્ય નામનો જે પેસેન્જર હતો, તેની પણ પૂછપરછ અને તપાસ હાથ ધરાઇ રહી છે અને પોલીસ તેના આધારે સત્ય સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. ઉપરાંત, પરિવારજનો દ્વારા છબીલ પટેલ વિરૂધ્ધ જે ગંભીર આરોપ લગાવાયા છે, તેને લઇને પણ પોલીસ યોગ્ય રીતે તપાસ કરી આ આક્ષેપોની ખરાઇ કરશે. 

(8:14 pm IST)