Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

સોશ્યલ મીડિયા હવે લગ્નમાં પણ છવાયુઃ સુરતના યુવક-યુવતિઅે વોટ્સઅેપ થીમ ઉપર બનાવી કંકોત્રી

સુરત: કોઈ પણ પરિવારમાં જ્યારે પણ લગ્નનો પ્રંસગ હોય છે ત્યારે તેને કઈ રીતે યાદગાર બનાવવામાં આવે તે માટે તમામ આયોજન કરવામાં આવતું હોય છે. આવું જ કઈંક સુરતની આ જોડીએ કર્યું.  સુરતની આરઝુ અને ચિંતને પોતાના લગ્નને યાદગાર બનાવા સોશિયલ મીડિયામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા વોટ્સએપનો ઉપયોગ કર્યો. જોકે કઈ રીતે વોટ્સએપનો ઉપયોગ કર્યો છે, તે વાત પણ રસપ્રદ છે.

વોટ્સએપનો ઉપયોગ સોશિયલ મીડિયામાં સૌથી વધુ કરવામાં આવી રહ્યો છે. દરેક વ્યક્તિના હાથમાં રહેલા મોબાઈલમાં વોટ્સએપ તો હોય જ છે, ત્યારે શું વોટ્સએપનો ઉપયોગ લોકોએ પોતાના લગ્નને યાદગાર બનાવવા કર્યો હોય તો જરૂરથી આ બાબત ચર્ચાનો વિષય બનતો હોય છે.

સુરતમાં રહેતી આરઝુ દેસાઈનું કહેવું છે કે તેમના આગામી મહીને લગ્ન છે. આરઝુની થનારી સાસુએ તેને લગ્નને યાદગાર બનાવવાની જવાબદારી સોંપી હતી. ત્યારે આરઝુ અને ચિંતને શું નવું કરી શકાય તે અંગે વિચારવાનું શરુ કર્યું હતું. વિચારતા વિચારતા આરઝુએ લગ્નની કંકોત્રી યાદગાર બને તે અંગે વિચાર્યું હતું. ઈંટરનેટ પર સર્ચ કરતા આરઝુને એક થીમ મળી હતી. સોશિયલ મીડિયાની એપ વોટ્સએપની થીમ પર કંકોત્રી બનાવવાનું નક્કી કર્યું હતું.

વોટ્સએપની થીમ પર કંકોત્રી બનાવવા માટે આરઝુ અને ચિંતને મહેનત શરૂ કરી હતી. કારણ કે કંકોત્રી લગ્નની હતી જેથી તેમાં કોઈ પણ બાબત છૂટી ન જાય તે ખુબ જરૂરી હતી. આરઝુ અને ચિંતને પોતાની કંકોત્રીમાં પારંપરિક બાબતોનો જ્યાં ઉલ્લેખ કર્યો છે, ત્યાં વોટ્સએપનો ટચ પણ યથાવત રાખવામાં આવ્યો છે. જેથી કોઈ વ્યક્તિ આ કંકોત્રી પોતાના હાથમાં લે તો તેને વોટ્સએપ જ લાગે. ઇલેક્ટ્રિકલ એન્જીનિયર આરઝૂ અને વેબ ડિઝાઈનર ચિંતનની લગ્નની કંકોત્રી રૂટિન લગ્નપત્રિકા જેવી નથી. તેઓ હવે પોતાના નવા લગ્નજીવનના આરંભમાં પણ સોશિયલ મીડિયા થીમનો ઉપયોગ કર્યો છે.

ચાર પેજની આ લગ્નપત્રિકામાં બધા જ કન્ટેન્ટ વોટ્સએપમાં છે તે જ પ્રકારે પ્રિન્ટ કરાયા છે. કવર પર  જ લખાયું છે, 'અનલોક વેડિંગ'.. અંદર સ્ટેટસમાં લગ્નપ્રસંગે હાજર રહેવા આમંત્રણ અપાયું છે. (યુ આર ઓબ્લીગેટેડ ટુ અટેન્ડ અવર વેડિંગ એલ્સ યુ વીલ બી બ્લોક્ડ ઓન વ્હોટ્સએપ). આરઝૂનું કહેવું છે કે તે પોતાના લગ્નમાં કંઈક અલગ કરવા માંગતી હતી. કંકોત્રી ગુજરાતીમાં હોય અને તે પણ અત્યાર સુધી કોઈએ બનાવી ન હોય એવી એ માટે ચિંતનને વોટ્સઅપ ગ્રુપની થીમ પર કંકોત્રી તૈયાર કરવા કહ્યું અને જેમાં કવર પેજ થી માંડીને દરેક પેજ પર ઇન્ડિયન ટ્રેડિશન લૂક આપવામાં આવ્યું છે.

કવર પેજ પર વોટ્સએપના લોગોમાં ગણેશજીની તસ્વીર છે. અલગ અલગ ગ્રુપ પણ બનાવવામાં આવ્યા છે. આરઝુ અને ચિંતને એક બીજાને કવિતા પણ લખીને મોકલી છે. ચિંતને જણાવ્યું હતું કે 'આરઝૂએ જે થીમ બતાવી ત્યારે લાગ્યું કે હું આ કંકોત્રીને માત્ર બે દિવસમાં તૈયાર કરી લઈશ પરંતુ એની ડિઝાઇન માટે સાત દિવસ લાગી ગયા અને કંકોત્રી તૈયાર થઇ જે આરઝૂને ખૂબ જ પસંદ આવી છે. અમે વોટ્સએપની થીમ આબેહૂબ લાગે તે અંગે બરાબર ધ્યાન આપ્યું હતું.'

ચિંતને વધુમાં કહ્યું કે 'એક તરફ લગ્ન કંકોત્રી પાછળ ઘણા લોકો તગડો ખર્ચ કરે છે. તો ઘણા ઓછા ખર્ચે કંકોત્રીને થીમબેઇઝ બનાવે છે. મોટાભાગના લોકો વ્હોટ્સએપ પર મોટાભાગનો સમય મેસેજની આપ-લે કરવામાં વિતાવે છે. તેથી મને આ થીમ પરફેક્ટ લાગી. તેમાં ખર્ચો પણ કોઇ એક્સ્ટ્રા થવાનો નહોતો. મારા માતા-પિતાને પણ આ થીમ ઘણી પસંદ આવી છે. અને આરઝુ મારી મમ્મીએ આપેલા ટાસ્કમાં પાસ થઈ ગઈ.

' આરઝૂના કાકા અને કાકી ભરતભાઈ અને અવનીબેનનું કહેવું છે કે આરઝુ અને તેના ભાવી પતિએ તૈયાર કરેલી વોટ્સએપ વાળી કંકોત્રી તેમના પરિવારમાં ચર્ચાનો વિષય બન્યો છે. તેઓ જ્યારે પણ પોતાના પરિવારના વ્યક્તિને આ કંકોત્રી આપી લગ્નમાં આવવાનું આમંત્રણ આપે છે, ત્યારે કંકોત્રી હાથમાં આવતા લોકો તેને ધ્યાનથી જુએ છે અને તેની પ્રસંશા પણ કરે છે.

આરઝુના પરિવારજનો આ કંકોત્રીથી ખુબ ખુશ છે, તેઓનું કહેવું છે કે લગ્નનો એક એક પળ યાદગાર બનાવવાનું દરેક વિચારે છે, ત્યારે વોટ્સએપ વાળી કંકોત્રીએ લગ્નને યાદગાર બનાવે છે, અને આ લગ્ન તેમને જીવનભર યાદ રહેશે.લગ્નની કંકોત્રી વોટ્સએપ થીમ બનાવી આરઝુ તેના ભાવી પતિ ચિતને પોતાના લગ્નને યાદગાર બનાવી દીધો છે, તેમની કંકોત્રીના પરિવારજનો પણ વખાણ કરી રહ્યા છે.

(5:06 pm IST)