Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

ઓકયુકોન- ૨૦૧૯: કાલથી ઓકયુપેશનલ હેલ્થ વિષે રાષ્ટ્રીય સેમિનારઃ પરિમલભાઈ નથવાણીની ઉપસ્થિતિ

યાત્રાધામ વિકાસ મંત્રી દિલીપભાઈ ઠાકોરના હસ્તે ઉદ્ઘાટનઃ વિવિધ ક્ષેત્રમાંથી દેશભરમાંથી પ્રતિનીધિઓ વકતવ્ય આપશે

રાજકોટ,તા.૮: ઈન્ડિયન એસોસિયેશન ઓફ ઓકયુપેશન હેલ્થની ૬૯મી વાર્ષિક રાષ્ટ્રીય પરિષદ ઓકયુકોન- ૨૦૧૯ રાજકોટમાં  તા.૯ થી ૧૨ જાન્યુઆરી દરમ્યાન યોજાશે. ગુજરાતના શ્રમ અને રોજગાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ તથા યાત્રાધામ વિકાસ મંત્રી શ્રી દિલીપભાઈ ઠાકરો આવતીકાલે બુધવારે તા.૯ના સાંજે સાત વાગે રાજકોટન રિજન્સી લગૂનમાં તેનું ઉદ્ઘાટન કરશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રુપ પ્રસિડેન્ટ કોર્પોરેટ અફેર્સ તથા રાજયસભા સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણી આ પ્રસંગે વિશેષ હાજરી આપશે.

આ સેમિનારના આયોજનની જવાબદારી એસોસિયેશન ઓફ ઓકયુપેશનલ હેલ્થની જામનગર શાખાએ ઉપાડી છે. સેમિનારનો મુખ્ય સૂર મૂળભૂત ઓકયુપેશનલ હેલ્થ સેવાના માધ્યમથી ઝીરો વિઝન હાસિલ કરવાનું છે. સંસ્થાની જામનગર શાખા ઘણા મહિનાઓથી આ સેમિનારના આયોજન માટે સંસ્થાના રાષ્ટ્રીય પ્રમુખ ડો.આર.રાજેશના માર્ગદર્શનમાં કાર્યરત હતી. ડો.રાજેશ વ્યવસાયનાં તમામ ક્ષેત્રોમાં મૂળભૂત સ્વાસ્થ્ય સેવાના અમલ ઉપર ભાર મુકતા હોવાનું યાદીમાં જણાવાયું છે.

આ સેમિનારમાં એપોલો હોસ્પિટલ ગ્રુપનાં જોઈન્ટ મેનેજીંગ ડિરેકટર તથા ફિકકીનાં વાઈસ પ્રેસિડેન્ટ ડો.સંગીતા રેડ્ડી, પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયાના મોભી પદ્મભૂષણ પ્રા.ડો.કે.શ્રીનાથ રેડ્ડી, અમેરિકન ઈન્ડસ્ટ્રીઅલ હાઈજીન એસોસિયેશનનાં શ્રીમતી સિન્થિયા સહિત ઘણા વકતાઓ અને પ્રતિનિધિઓ રાજકોટ, અમદાવાદ, મુંબઈ, તમિલનાડુ, બંગલુરૂ, ચેન્નાઈ, ગોવા, દિલ્હી વિગેરે સ્થળોએથી આ સેમિનારમાં આવી રહ્યા છે. આશરે ૫૦૦ જેટલા પ્રતિનિધિઓ સેમિનારમાં આવે તેવો અંદાજ છે જેમાં ઉદ્યોગોમાં કાર્યરત ડોકટરો, સ્વાસ્થ્ય સુરક્ષા અને પર્યાવરણ ક્ષેત્રના તજજ્ઞો વિગેરે સામેલ છે. સેમિનારમાં લાઈફ સ્ટાઈલ મેનેજમેન્ટ, માનસિક સ્વાસ્થ્ય, ઓકયુપેશનલ હેલ્થ, ઔદ્યોગિક સ્વચ્છતા જેવા વૈવિધ્ય સભર વિષયો પર વિશેષ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હોવાનું અંતમાં જણાવ્યું છે.

(3:41 pm IST)