Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

સીએ વિદ્યાર્થીઓએ કાર્યક્રમ દ્વારા સામાજિક સંદેશ આપ્યો

તાણ વચ્ચે હળવા રહેવાની ટેકનિક સમજાવીઃ શહેરમાં સીએ-સીએસ કોચીંગ કલાસીસ દ્વારા આયોજિત કાર્યક્રમમાં સીએ-સીએસના ૧૦૦થી વધુ વિદ્યાર્થી છવાયા

અમદાવાદ,તા.૭: ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ(સીએ) અને કંપની સેક્રેટરી(સીએસ)ના વિદ્યાર્થીઓએ આજે શહેરના એસ.જી.હાઇવે પર પંડિત દિનદયાળ ઓડિટોરિયમ ખાતે આજે આવિષ્કાર થીમ આધારિત એક રંગારંગ કાર્યક્રમ મારફતે સમાજમાં બેટી બચાવો-બેટી પઢાઓ,  મહિલા સશકિતકરણ, સ્વચ્છ ભારત, પર્યાવરણની સુરક્ષા અને જાળવણી, જળ એ જ જીવન સહિતના અનેકવિધ સામાજિક સંદેશો રજૂ કરવાનો અનોખો પ્રયાસ હાથ ધરાયો હતો. સીએ અને સીએસની કોચીંગ અગ્રણી જે.કે.શાહ કલાસીસ દ્વારા આયોજિત આ અનોખા કાર્યક્રમમાં સીએ અને સીએસના ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓએ રંગ જમાવ્યો હતો. જેને જોઇ ૯૦૦થી વધુ દર્શકોએ તાળીઓના ગડગડાટથી સીએ અને સીએસના વિદ્યાર્થીઓના આ નવતર અભિગમને વધાવી લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન સીએ અને સીએસના વિદ્યાર્થીઓને અભ્યાસના માનસિક તાણની વચ્ચે કેવી રીતે ખુશ અને હળવા રહેવું તેની ટેકનીક અને સમજ પણ આપવામાં આવી હતી. અભ્યાસ અને પ્રોફેશનલની સાથે સાથે જીવનમાં તમારે ખુશ અને પ્રસન્ન રહેવું પણ એટલું જ જરૂરી હોવાનું જણાવતાં જે.કે.શાહ કલાસીસના ફેકલ્ટી સીએ ચિંતન દેવલીયા, ઉદય રાણપરા અને શિવાંગી ટંકશાલીએ કહ્યું કે, સામાન્ય રીતે વિદ્યાર્થીઓ અભ્યાસ અને પરીક્ષાની તૈયારીઓના માનસિક તાણ અને દબાણ હેઠળ ઘણીવાર જીવનમાં સાચી ખુશીથી દૂર અને અળગા થઇ જતા હોય છે. પરંતુ તમે ખુશ રહીને એટલે કે, તમારી મનગમતી અને પોઝીટીવ એકટીવીટીઝ કરીને પણ સાથે અભ્યાસનું લક્ષ્યાંક હાંસલ કરી શકો છો. જે.કે.શાહ કલાસીસ દ્વારા આવિષ્કાર થીમ પર આ કાર્યક્રમ યોજવા પાછળનો ઉદ્દેશ જણાવતાં સીએ ચિંતન દેવલીયા, ઉદય રાણપરા અને શિવાંગી ટંકશાલીએ વધુમાં ઉમેર્યું કે, સમાજમાં આજે બેટી બચાઓ-બેટી પઢાઓ, મહિલા સશકિતકરણ, સ્વચ્છ ભારત, પર્યાવરણની સુરક્ષા અને જાળવણી, પાણી બચાવો, જળ એ જ જીવન, ભ્રુણ હત્યા અટકાવો સહિતના વિષયો સામાજિક જાગૃતિ માંગી લે તેવા છે અને તેથી આજના કાર્યક્રમમાં સીએ અને સીએસના ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા ડાન્સ, મ્યુઝિક, સીંગીંગ, ડ્રામા, ફેશન શો સહિતના ૪૫ જેટલા પરફોર્મન્સ રજૂ કરી તેના મારફતે ઉપરોકત મુદ્દાઓ પરત્વે સામાજિક સંદેશો અને જાગૃતિ ફેલાવવાનો અનોખો પ્રયાસ કર્યો છે. સીએ અને સીએસના અભ્યાસક્રમમાં પાછલા વર્ષોની સરખામણીએ હવે છોકરીઓ પણ ઘણી આગળ આવી રહી છે, તે ઘણી સારી વાત છે. સીએ અને સીએસની પરીક્ષાઓ અઘરી હોવાને કારણે વિદ્યાર્થીઓ અભ્યાસ સિવાય અન્ય કોઇપણ પ્રવૃત્તિઓમાં સામેલ થઇ શકતાં નથી તેવી એક માન્યતા પ્રવર્તી રહી છે, પરંતુ અમે હંમેશાથી વિદ્યાર્થીઓને અભ્યાસ ઉપરાંત વિવિધ પ્રવૃત્તિઓમાં સાંકળવા માટે પ્રોત્સાહિત કરતા આવ્યા છીએ અને આજે પણ આ વાર્ષિક સમારોહમાં વિદ્યાર્થીઓએ પર્ફોર્મન્સ દ્વારા સાબિત કર્યું હતું કે પરીક્ષાની તૈયારીઓની સાથે-સાથે પોતાની મનપસંદ અને હકારાત્મક પ્રવૃત્તિઓ કરવી પણ એટલી જ આવશ્યક છે. આ કાર્યક્રમમાં ક્લાસીસના સ્થાપક જે. કે. શાહ, આઇસીએઆઇના અગ્રણીઓ, રાજ્યમાં વિવિધ બ્રાન્ચના ઇન-ચાર્જ અને ફેકલ્ટીના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં અને તેમણે વિદ્યાર્થીઓની પ્રતિભાને બિરદાવી હતી.

(9:50 pm IST)