Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

નર્મદા જિલ્લાની નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભા મત વિભાગની મતગણતરી હાથ ધરાશે

---જિલ્લાની બન્ને મત વિભાગની મતગણતરી ૧૪-૧૪ ટેબલો દ્વારા નાંદોદમાં-૨૨ અને દેડીયાપાડામાં ૨૩ રાઉન્ડમાં હાથ ધરાશે: પ્રથમ તબક્કામાં સરેરાશ કુલ મતદાનમાં ૭૮.૪૨ ની ટકાવારી સાથે મોખરે રહ્યાં બાદ બીજા તબક્કાના મતદાનના અંતે પણ સમગ્ર ગુજરાતમાં ટકાવારીમાં પ્રથમ સ્થાન જાળવી રાખતો નર્મદા જિલ્લો: જિલ્લાના પ્રિન્ટ/ઇલેક્ટ્રોનિક મિડીયાના માધ્યમકર્મીઓ સાથે પત્રકાર પરિષદ યોજીને તેવતિયાએ માધ્યમો સાથે કર્યો સીધો સંવાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ અન્વયે રાજ્યમાં પ્રથમ તબક્કામાં તા.૦૧ લી ડિસેમ્બર,૨૦૨૨ ના રોજ નર્મદા જિલ્લામાં યોજાયેલા મતદાનમાં રાજ્યના ૧૯ જિલ્લા ઓમાં સરેરાશ કુલ -૭૮.૪૨  ટકા મતદાન સાથે નર્મદા જિલ્લો રાજ્યમાં મોખરે રહ્યા બાદ ગત તા.૦૫ મી ડિસેમ્બર,૨૦૨૨ના રોજ બીજા તબક્કામાં યોજાયેલા મતદાન બાદ પણ રાજ્યના તમામ જિલ્લાઓની મતદાનની ટકાવારીની પ્રાપ્ત જાણકારી મુજબ બીજા તબક્કાના મતદાનના અંતે પણ નર્મદા જિલ્લો ૭૮.૪૨ ટકાની કુલ સરેરાશ મતદાનની ટકાવારી સાથે પ્રથમ સ્થાને રહેવા પામ્યો છે, જે બદલ નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાએ રાજપીપલા કલેક્ટરાલય ખાતે યોજેલી પત્રકાર પરિષદમાં માધ્યકર્મીઓના સીધા સંવાદમાં જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લાને આ યશસ્વી સિધ્ધિ હાંસલ કરવામાં જિલ્લાના જાગૃત મતદારો, માધ્યમકર્મીઓ સહિત જિલ્લામાં મહત્તમ મતદાન માટે મતદાર જાગૃતિ કેળવવામાં સહયોગી સૌ કોઇનો હ્રદયપૂર્વક આભાર માની સૌ કોઇને અભિનંદન પાઠવ્યા હતાં.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જીજ્ઞાબેન દલાલ, મિડીયા નોડલ અધિકારી અને નાયબ માહિતી નિયામક યાકુબ ગાદીવાલા, ચૂંટણી શાખાના મામલતદાર  કનકલતાબેન ઠાકર તેમજ નર્મદા જિલ્લાના પ્રિન્ટ/ઇલેક્ટ્રોનિક મિડીયાના માધ્યમકર્મીઓની મોટી સંખ્યાની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત પત્રકાર પરિષદને સંબોધતા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાએ જાણકારી આપતા વધુમાં ઉમેર્યું હતુ કે, જિલ્લામાં નોંધાવેલા સરેરાશ કુલ-૭૮.૪૨ ટકા મતદાનમાં નાંદોદ મત વિભાગમાં ૭૪.૩૬ ટકા અને દેડીયાપાડા મત વિભાગમાં ૮૨.૭૧ ટકા જેટલાં મતદાનનો સમાવેશ થાય છે.
 તા.૦૮ મી ડિસેમ્બર,૨૦૨૨ ને ગુરૂવારના રોજ રાજપીપલામાં શ્રી છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલમાં સવારે ૦૮=૦૦ કલાકે ઉક્ત બન્ને વિધાનસભા મત વિભાગની મતગણતરી હાથ ધરાશે, જેમાં નાંદોદ વિધાનસભાની મતગણતરી માટે કેન્દ્રીય ચૂંટણીપંચ તરફથી ટી.વી.સુભાષ અને દેડીયાપાડા વિભાગની મતગણતરી માટે ઉમેશ પ્રકાશ શુક્લાની નિરીક્ષક તરીકે નિમણૂંક કરાઇ છે. CEO કચેરી દ્વારા મંજૂરી આપેલ કુલ-૬ અધિકારી/ કર્મચારીઓના મોબાઇલ ફોન મતગણતરી હોલ ખાતે લઇ જઇ શકશે
પત્રકાર પરિષદ બાદ માધ્યમો સાથેના સંવાદમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જિજ્ઞાબેન દલાલે મતગણતરી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, બંને વિધાનસભાની બંને મત વિસ્તારની રાજપીપલા સ્થિત શ્રી અંબુભાઈ પુરાણી વ્યાયામ શાળા ખાતે બે અલગ અલગ હોલ ખાતે બંને એ.સી.ની EVM મારફત ગણતરી થશે. અને પોસ્ટર બેલેટની ECI ના ગાઈડલાઈન પ્રમાણે ગણતરી કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, નાંદોદમાં-૨૨ અને દેડીયાપાડામાં-૨૩ રાઉન્ડમાં મતગણતરી થશે જેમાં નાંદોદમાં અંદાજે ૧૫૫ જેટલાં તેમજ દેડીયાપાડામાં અંદાજે ૧૫૦ થી ૧૫૫ જેટલા અધિકારીઓ/કર્મચારીઓને મતગણતરીની કામગીરીમાં તૈનાત રહેશે

(10:04 pm IST)