Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

ચાંદખેડામાં ટોઇંગવાન અને સ્થાનિક વચ્ચે મારામારી થઇ

ત્રણ યુવકોએ કર્મચારીઓને પાઇપ વડે ફટકાર્યા : દિન પ્રતિદિન ટોઇંગવાનના કર્મચારીઓ સાથે ઘર્ષણ તેમજ બબાલોના કિસ્સા વધ્યા છે : ચાંદખેડા પોલીસે વધુ તપાસ

અમદાવાદ, તા.૭ : તાજેતરમાં જ સુરતમાં ટોઇંગવાનના કર્મચારીઓ સાથે યુવકોના ઘર્ષણ અને માર મારવાની ઘટના સામે આવ્યા બાદ કંઇક આ જ પ્રકારનો બનાવ  અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં સામે આવ્યો હતો. અમદાવાદ શહેર સહિત રાજયભરમાં દિન પ્રતિદિન ટોઇંગવાનના કર્મચારીઓ સાથે ઘર્ષણ અને બબાલના કિસ્સા વધી રહ્યા છે ત્યારે હવે હેલ્મેટની જેમ ટોઇંગવાનના દૂષણ પર પર લગામ કસવા લોકો ટ્રાફિક તંત્ર અને સરકારના સત્તાધીશોને માંગ કરી રહ્યા છે. શહેરમાં પોલીસે ટ્રાફિકની ઝુંબેશ શરૂ કર્યા બાદ વાહનચાલકો અને રાહદારી દ્વારા પોલીસ કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરીને ઝપાઝપી કરવાની અનેક ઘટનાઓ બની છે ત્યારે શહેરના ચાંદખેડા વિસ્તારમાં ત્રણ યુવકો દ્વારા હેડ કોન્સ્ટેબલ સહિત કમર્ચારીઓ સાથે મારામારી કરીને પાઇપ વડે હુમલો કરવાની બનતાં સમગ્ર વિસ્તારમં ભારે ચકચાર મચી ગઇ હતી.

          આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન-રાણીપમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ઉક્કડભાઈ વસાવા સ્ટાફના માણસો સાથે ગઈકાલે સાંજના સમયે ચાંદખેડાની વિશ્વકર્મા કોલેજ સામેની રોયલ હોસ્ટલની બાજુમાં જાહેર રોડ પર ટ્રાફિકને અડચણરૂપ વાહનો ટોઈંગ કરવાનું કામ કરી રહ્યા હતા ત્યારે તેઓ વેલ સર્જન-રમાં આવેલ શ્રીનાથજી ઓટોમોબાઈલ એમરોન બેટરીની દુકાન સામે ટ્રાફિકને અડચણરૂપ રીતે પાર્ક કરેલ એક્ટિવા ટોઈંગ કરી રહ્યા હતા ત્યારે દુકાનમાં કામ કરતો યુવક બહાર દોડી આવ્યો હતો. યુવકે ટ્રાફિક પોલીસની કામગીરીનો વિરોધ કરીને તમે વારે વારે વાહન ટોઇંગ કરી જાઓ છો તેમ કહીને ટ્રાફિક પોલીસ સાથે ઝઘડો કર્યો હતો અને વાહન ઉતારી દેવા માટે કહ્યું હતું. આ સમયે આ યુવક સાથે અન્ય બે યુવકો પણ પાઇપ લઈને આવી ગયા હતા. તેમણે પોલીસ હેડ કોન્સ્ટેબલ તેમજ તેમની સાથેના વાહન ટોઇંગ કરતા કર્મચારીઓ સાથે ઝઘડો કરીને જાહેર રોડ પર પાઇપ વડે હુમલો કરીને મારામારી કરી હતી. આ દરમિયાન આસપાસના લોકો આવી જતાં ત્રણેય યુવકો નાસી ગયા હતા.

           ત્યારબાદ વાહન ટોઇંગ કરનાર કર્મચારીએ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરતાં ચાંદખેડા પોલીસ આવી પહોંચી હતી અને ત્રણ યુવકો વિરુદ્ધમાં તેઓએ પોલીસ કર્મચારી સાથે રકઝક અને મારામારી કરી હોવાથી ચાંદખેડા પોલીસે સરકારી ફરજમાં અડચણરૂપ બન્યાનો ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે. જો કે, ટોઇંગવાન દ્વારા લોકોના વાહનો આડેધડ રીતે અને નુકસાન થાય તે પ્રકારે ટોઇંગ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે, તેને લઇ લોકોમાં ઉગ્ર આક્રોશ ફેલાયેલો છે. અમદાવાદ સહિત રાજયભરમાં દિન પ્રતિદિન ટોઇંગવાનના કર્મચારીઓ સાથે ઘર્ષણ અને બબાલના કિસ્સા વધી રહ્યા છે ત્યારે હવે હેલ્મેટની જેમ ટોઇંગવાનના દૂષણ પર પર લગામ કસવા લોકો ટ્રાફિક તંત્ર અને સરકારના સત્તાધીશોને માંગણી કરી રહ્યા છે. ટોઇંગવાનવાળા જયાંથી વાહનો ઉઠાવવાના હોય છે, ત્યાંથી નથી ઉઠાવતાં અને જયાંથી નથી ઉઠાવવાના હોતા, ત્યાંથી ઉઠાવી જાય છે આમ, ટોઇંગવાનની પક્ષપાતી કાર્યવાહીને લઇને પણ લોકોમાં આક્રોશ ફેલાયેલો છે.

(9:46 pm IST)