Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

પંકજ જોશી બન્યા ગુજરાતના નાણાં વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી : ઉર્જા ખાતાનો વધારાનો હવાલો

અરવિંદ અગ્રવાલ GSFC ના ચેરમેન બન્યા બાદ તેનું સ્થાન લેશે પંકજ જોશી

અમદાવાદ, તા.૬ : હાલ ગુજરાતના આઇએએસ અધિકારીઓની બઢતી અને બદલીની પ્રક્રિયાઓ ચાલી રહી છે. જ્યારે આજે એસીએસ પંકજ જોશીને રાજ્યના નાણાં વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. સાથે સાથે તેમને એનર્જી અને પેટ્રોકેમીકલ્સનો વધારાનો હવાલો ચાલુ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, તેમને એસીએસ અરવિંદ અગ્રવાલને સ્થાને મુકવામાં આવ્યા છે. ગઈકાલે જ અરવિંદ અગ્રવાલની જીએસએફસીના એમડી અને ચેરમેન તરીકે બદલી કરવામાં આવી હતી.

                 આ પહેલા ગઈકાલે રાજ્યના ૧૯૮૮ અને ૧૯૮૯ની બેચના ચાર આઇએએસ અધિકારીઓને અગ્ર સચિવ પદેથી બઢતી આપી અધિક મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા હતા. જે અગ્ર સચિવોને અધિક મુખ્ય સચિવ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે તેમાં અનિતા કરવલ (૧૯૮૮ બેચ,ચેરપર્સન સીબીએસઈ), સંજય નંદન (૧૯૮૮ બેચ) એમ.ડી. ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશન, અનુરાધા મલ(૧૯૮૮ બેચ) સીઇઓ જી.એસ.ડી.એમ.,ગાંધીનગર, પંકજ જોશી (૧૯૮૯ બેચ )અગ્ર સચિવ ઊર્જાને અધિક મુખ્ય સચિવ પદે બઢતી આપવામાં આવી છે. ગુજરાતના નાણાં સચિવ પદે પંકજ જોષીની નિમણૂંક કરાતાં તેમને શુભેચ્છા વર્ષા શરૂ થઇ હતી.

(8:42 pm IST)