Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

રાજ્યભરમાં વાતાવરણમાં પલટો

અમદાવાદ: રાજ્યના વિવિધ વિસ્તારોમાં થયેલાં માવઠાની અસર પાટનગર ઉપર પણ જોવા મળી હોય તેમ છેલ્લા બે દિવસથી વાદળો છવાતાં ઠંડીનો ચમકારો તીવ્ર બનવા પામ્યો છે. શુક્રવારે મહત્તમ અને લઘુત્તમ તાપમાનના પારામાં વધઘટ નોંધાઇ હતી. મહત્તમ તાપમાન ૨૮ તેમજ લઘુત્તમ ૧૯ ડિગ્રીએ આવીને અટક્યું હતું. વાદળછાયા વાતાવરણમાં નગરજનોને ઠંડીનો ચમકારો અનુભવવા મળ્યો હતો.શિયાળાની મોસમ ધીમે ધીમે તેજ બની રહી છે ત્યારે છેલ્લા બે ત્રણ દિવસથી બદલાયેલા હવામાનના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાના કારણે પુનઃ વાતાવરણમાં પલટો આવ્યો છે. માવઠું થવાના પગલે રાજ્યના પાટનગરમાં પણ છેલ્લા બે દિવસથી વાદળો છવાયેલા રહે છે. તો મહત્તમ અને લઘુત્તમ તાપમાનના પારામાં પણ ઘટાડો થવાની સાથે સાથે દિવસ દરમિયાન ઠંડા પવનો ફુંકાવાથી નગરજનોમાં ઠંડીનો ચમકારો અનુભવવા મળી રહ્યો છે. શુક્રવારે મહત્તમ તાપમાન ર૮ ડિગ્રીએ પહોંચી ગયું હતું. જ્યારે લઘુત્તમ ૧૯ ડિગ્રીએ આવીને અટક્યું હતું. આમ દિવસ દરમિયાન શહેરમાં વાદળો છવાઇ જવાના કારણે તેમજ ચાર થી કિલોમીટરના ઝડપે ઠંડા પવનોના પગલે નગરજનોને દિવસે પણ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં હજુ ઠંડી તેજ બનશે તેવી આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. આમ હાલમાં જે પ્રકારે ઠંડી પડી રહી છે તેના પગલે દિવસ દરમિયાન ઠંડી સામે રક્ષણ મેળવવા માટે નગરજનો પણ ગરમવસ્ત્રોનો સહારો લઇ રહ્યાં છે.

(5:09 pm IST)