Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

તલાટીઓ માટે રાહતઃ ઇ-ટાસમાં હવે ફોટો (સેલ્ફી)મરજિયાત

વિરોધ બાબતે સરકારનું હાલ નરમ વલણ પણ હાજરી ઓનલાઇન કરવા બાબતમાં પીછેહઠ નહિ

રાજકોટ, તા.,  ૭: રાજય સરકારના  પંચાયત વિભાગ દ્વારા પંચાયતના તલાટીઓ  ગામડામાં ફરજના સ્થળે હાજર રહેતા ન હોવાની ફરીયાદો ટાળવા ઇતલાટી એટેન્ડેન્સ  સિસ્ટમ અમલમાં મુકવામાં આવી છે. તલાટી સંગઠને તેનો વિરોધ કર્યો છે. થોડા દિવસ પહેલા મહેસુલ અને પંચાયત બંન્ને વિભાગના મંત્રીઓ સાથે સંગઠનના હોદેદારોની બેઠક થયેલ. તે બેઠક અનિર્ણાયક રહી હતી પરંતુ તેમાં થયેલ રજુઆત મુજબ રાજય સરકારે  તલાટીઓને મોબાઇલ ફોનથી સેલ્ફી દ્વારા હાજરી પુરતી વખતે ફોટાની બાબતમાંથી મુકિત આપી છે. ગઇકાલે તાલીમ વખતે તાલીમાર્થીઓના પ્રશ્નોના જવાબમાં જવાબદાર અધિકારીએ આ માહીતી આપી હતી.

તલાટી કેડરમાં ઘણા મહીલા તલાટીઓ છે. તેની હાજરી પુરતી વખતે તેનો ફોટો દર્શાવાનું યોગ્ય નથી તેવી રજુઆત તલાટી સંગઠને કરેલ તેના અનુસંધાને સરકારે ઓનલાઇન હાજરી પુરતી વખતે જે તે તલાટીનો ફોટો દર્શાવવાનું મરજિયાત કર્યુ છે. તલાટીઓએ નેટવર્ક ન મળવાની સંભાવના દર્શાવેલ. તે બાબતે સરકારી સુત્રો કહે છે કે લગભગ તમામ ૧૪ હજારથી વધુ ગ્રામ પંચાયતો વી-સેટથી જોડાયેલ છે. તલાટી પ૦૦ મીટરની ત્રિજયામાં રહીને હાજરી પુરી શકે છે. તલાટી સંગઠનોએ ઇ-ટાસ બંધ જ કરવા રજુઆત આપેલ પરંતુ સરકારે તે માંગણી સ્વીકારી ન હતી. હાલ નવી પધ્ધતી મુજબ હાજરી નહી પુરનાર તલાટીઓની પરચુરણ રજા કપાત થઇ રહી છે. તલાટીઓની માંગણી બાબતે સરકાર હકારાત્મક રીતે વિચારવા માંગે છે. પરંતુ ઓનલાઇન હાજરીની બાબતમાં બાંધછોડ કરવાની સરકારની તૈયારી નથી તેમ સરકારી સુત્રો જણાવે છે. હાલ તો બંન્ને તરફના નરમ વલણ વચ્ચે મામલો અટવાયેલો છે.

(4:12 pm IST)