Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

હદની હઠ પકડયા વગર ૦ નંબરથી ફરીયાદ નોંધોઃ કેન્દ્રીય ગૃહ સચિવ દ્વારા તાકીદના આદેશ

ગુજરાત સહિત દેશભરની દુષ્કર્મની વધતી જતી ઘટનાઓ અને જનઆક્રોશ શાંત કરવા કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા મહત્વના પગલાઓની તાકીદની જાહેરાત : ગુજરાતમાં શિવાનંદ ઝા-સંજય શ્રીવાસ્તવ-ગૃહ સચિવ સહિત કાયદાના તજજ્ઞોના સમાવેશવાળી મોનીટરીંગ કમીટીની રચનાઃ ભારે ધમધમાટ

રાજકોટ, તા., ૭: ગુજરાત સહિત દેશના વિવિધ ભાગોમાં દુષ્કર્મોની ઘટનાઓની  સર્જાયેલી ભરમાર અને હૈદ્રાબાદમાં દુષ્કર્મના  ૪ આરોપીઓને એન્કાઉન્ટરમાં ઠાર થયા બાદ જ જનઆક્રોશ શાંત થયો છે તેની ગંભીરતા પારખી કેન્દ્ર અને રાજય સરકારે  સામુહીક રીતે મહત્વના નિર્ણયો આ સંદર્ભે લીધા છે.

કેન્દ્રીય ગૃહ સચિવ દ્વારા ગુજરાત સહિત દેશભરના રાજયોને એક તાકીદનો  સંદેશ મોકલી દુષ્કર્મની ફરીયાદ વખતે પોલીસ સ્ટેશનની હકુમત ધ્યાને લીધા વિના કોઇ પણ પોલીસ મથકમાં ૦ નંબરથી ફરીયાદ  દાખલ કરવા તાકીદના આદેશો આપ્યા છે.  દરમિયાન ગુજરાત સરકારે દુષ્કર્મના મામલે  એક મોનીટરીંગ કમીટીની રચના કરી છે. જેમાં એડીશ્નલ ચીફ સેક્રેટરી હોમ,  ગૃહ વિભાગના સચિવ,  રાજયના પોલીસ વડા શિવાનંદ ઝા અને સીઆઇડી વડા સંજય શ્રીવાસ્તવ આ કમીટીમાં સભ્યપદે રહેનાર  હોવાનું જાણવા મળે છે. ભોગ બનનાર માટે સહાય રૂપ થવા ખાસ સરકારી વકીલ આપવામાં આવશે.

તમામ કેસોને ફાસ્ટ ટ્રેક મોડ પર ચલાવવાનો માટેનો પણ નિર્ણય કરી આ બાબતે હાઇકોર્ટ સાથે પરામર્શ કરી વિનંતી કરવામાં આવનાર છે. કમીટીમાં કાયદા અને તપાસમાં માસ્ટરી ધરાવતા પોલીસ અધિકારીઓ રજુઆત અધિકારી તરીકે સેવા આપશે. ભોગ બનનારને વળતર પણ ચુકવવામાં આવશે દર પખવાડીયે આ બાબતે બેઠક યોજી સમીક્ષા કરવામાં આવનાર હોવાનું પણ સુત્રો જણાવે છે.

(12:19 pm IST)