Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

ડીસેમ્બર ચાલે છે પણ ઠંડી જામતી નથી

કયારે ઠંડી પડશે? લોકોમાં ઉઠતો સવાલ

અમદાવાદ, તા.૭:  શહેરમાં હજુ શિયાળો બરાબર જામ્યો નથી. લદ્યુત્તમ તાપમાન સામાન્ય કરતા ૫.૭ ડિગ્રી સેલ્સિયસ ઊંચું ગયું છે એટલે હજુ શિયાળા માટે રાહ જોવી પડશે. દર વર્ષે ડિસેમ્બરમાં અનુભવાય છે તેવી ઠંડી આ વખતે લાગતી નથી. જો કે, શુક્રવારે વાદળાથી દ્યેરાયેલા આકાશ અને પવનની દિશા બદલવવાને લીધે શહેરીજનોને ઠંડીનો અનુભવ થયો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદમાં આગામી થોડા દિવસો સુધી તાપમાન ૨૦ ડિગ્રી સેલ્સિયસની આસપાસ જ રહેશે. કોઈ નોંધપાત્ર ફેરફાર જોવા નહીં મળે.

આ વર્ષે અરબી સમુદ્રમાં પાંચમું વાવાઝોડું 'પવન' આફ્રિકાના દરિયાકાંઠા નજીક સક્રિય થયું છે. જેના કારણે શુક્રવારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો. હવામાન ખાતાનું કહેવું છે કે, વાવાઝોડાની દિશા બદલાતા હવે તે ભારતથી દૂર જતું રહ્યું છે. એટલે આગામી દિવસોમાં તેની ખાસ અસર વર્તાશે નહીં.

જો કે, શહેરીજનો તો કાતિલ શિયાળા માટે સજ્જ થઈ ગયા છે. ગરમ કપડાં કબાટમાંથી કાઢીને ઠંડીની ઋતુ સામે રક્ષણ મેળવવાની પૂરતી તૈયારી કરી લીધી છે. દિવસનું તાપમાન સામાન્ય કરતાં ૦.૫ ડિગ્રી સેલ્સિયસ નીચું હતું તેમ છતાં રાતનું તાપમાન હજી વધારે છે, તેમ હવામાન ખાતાએ જણાવ્યું.

હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું, 'આખા ગુજરાતમાં કડકડતી ઠંડી કયાંય નોંધાઈ નથી. ગુજરાતભરમાં લગભગ લદ્યુત્તમ તાપમાન ૧૯થી ૨૩ ડિગ્રીની વચ્ચે નોંધાયું હતું. જે લાંબાગાળાની સરેરાશ કરતાં ઊંચું છે. માત્ર કચ્છ અને ડીસા જ બે એવા સ્થળો છે જયાં તાપમાન ૨૦ ડિગ્રી સેલ્સિયની નીચે હતું.

(11:56 am IST)