Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

ગુજરાત વિધાનસભાનું સત્ર ૯મી ડિસેમ્બરથી શરૂ કરવા માટે નિર્ણય

ત્રણ દિવસનું વિધાનસભા સત્ર ૧૧મી ડિસેમ્બર સુધી ચાલનાર છે : ત્રણ દિવસ સુધી ચાલનાર સત્રમાં શોકદર્શક ઉલ્લેખ, સરકારી વિધેયક તેમજ બંધારણ દિવસ ઉજવણી પ્રસ્તાવ સહિતના વિષયો પર ઉંડી ચર્ચા હાથ ધરાશે

અમદાવાદ,તા.૭ : ગુજરાત વિધાનસભાનું આગામી સત્ર ૯મી ડિસેમ્બરથી શરૂ થનાર છે. વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આજે આ મુજબની માહિતી આપી હતી. ત્રિદિવસ યોજાનાર આ સત્ર તા.૧૧ ડિસેમ્બર-૨૦૧૯ સુધી ચાલશે. આજે વિધાનસભા ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી, વિરોધપક્ષના પરેશ ધનાણી સહિત ઉપસ્થિતિમાં કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી. જેમા ત્રણેય દિવસ યોજાનાર કામગીરીનો એજન્ડા કામકાજ સલાહકાર સમિતિના સભ્યો દ્વારા સર્વાનુમતે યોજવાનો નિર્ણય કરાયો છે. કામકાજ સલાહકાર સમિતિની બેઠક બાદ મીડિયા કર્મીઓને વિગતો આપતાં મંત્રી જાડેજાએ કહ્યું કે, આ ત્રણ દિવસના સત્રમાં પ્રથમ દિવસે શોકદર્શક ઉલ્લેખોનો પ્રસ્તાવ મુખ્યમંત્રી દ્વારા રજૂ કરાશે અને બેઠક પૂર્ણ થશે. ત્યાર બાદ બીજી બેઠક યોજાશે. મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, વિધાનસભાના સત્ર દરમિયાન ત્રણેય દિવસ દરમિયાન પ્રશ્નોત્તરીકાળમાં પ્રશ્નો દરમિયાન રાજ્ય સરકાર દ્વારા લેવાયેલ નિર્ણયો સંદર્ભે વિગતો વિધાનસભાના ફલોર પરથી જવાબો આપવામાં આવશે. આ ઉપરાંત આઠ જેટલા સરકારી વિધેયકો પસાર કરવામાં આવશે.

           જેમાં ગુજરાત રાજ્ય ઉચ્ચ શિક્ષણ પરિષદ સુધારા વિધેયક, ગુજરાત માલ અને સેવા વેરા સુધારા વિધેયક, ગુજરાત જમીન મહેસુલ તૃતિય સુધારા વિધેયક, ગુજરાત સહકારી મંડળી દ્વિતીય સુધારા વિધેયક, ગુજરાત સુક્ષ્મ લઘુ તથા મધ્યમ ઉદ્યોગ સાહસો (સ્થાપન અને કામગીરી સરળ બનાવવા) અંગેનું સુધારા વિધેયક, ગુજરાત વિદ્યુત શુલ્ક દ્વિતીય સુધારા વિધેયક, ગુજરાત વ્યવસાયી ટેકનીકલ શૈક્ષણિક કોલેજો અથવા સંસ્થાઓ (પ્રવેશ તથા ફી નિર્ધારણ) બાબત સુધારા વિધેયક અને સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરીઝમ ગવર્નન્સ વિધેયક રજૂ કરવામાં આવશે. જાડેજાએ ઉમેર્યુ કે, રાષ્ટ્રભરમાં સંવિધાનની ૭૦મી વર્ષગાંઠની શાનદાર ઉજવણી થઇ રહી છે એ સંદર્ભે મુખ્યમંત્રી દ્વારા પ્રસ્તાવ તથા પૂજ્ય મહાત્મા ગાંધી બાપુની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી સંદર્ભે પણ મુખ્યમંત્રી દ્વારા જ પ્રસ્તાવ લવાશે. જેમાં વિરોધ પક્ષના નેતા સહિત ધારાસભ્યો પોતાના વિચારો રજૂ કરશે.

          છેલ્લા દિવસે પણ છેલ્લા દિવસનો પ્રસ્તાવ રજૂ થશે. ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ગુજરાત વિધાનસભાના સત્રના પ્રારંભે કોંગ્રેસ દ્વારા જે કૂચ કરીને ઘેરાવ માટેનું આહવાન કરાયું છે તે સંદર્ભે પણ તથા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઇ રહે એ માટે પણ પુરતી તકેદારી રાખીને પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં કેટલાક નાના-મોટા પ્રશ્નો સંદર્ભે કોંગ્રેસ દ્વારા રાજકીય હિતો સાધવા અને રાજકીય રોટલો શેકવા માટે યુવાનોને જે ગુમરાહ કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે તેને રાજ્ય સરકાર સહેજે ય ચલાવી લેશે નહીં. યુવાનોને પડખે રાજ્ય સરકાર હર હંમેશ છે જ અને રહેશે. યુવાનો સાથે ચર્ચા વિચારણા કરવા તથા તેમના હિતો માટે રાજ્ય સરકારનું મન હંમેશા ખુલ્લું છે.

          મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, તાજેતરમાં લેવાયેલ બિન સચિવાલય પરીક્ષા સંદર્ભે કોંગ્રેસ દ્વારા યુવાનોને બહેકાવવાનો પ્રયાસ થયો છતાં પણ યવાનોએ કોઇ પણ રીતે એમની વાતોમાં આવ્યા નથી. એ માટે સૌ યુવાનોને અભિનંદન પાઠવ્યા છે. આજે એનએસયુઆઈ દ્વારા શાળા-કોલેજ બંધનું એલાન આપવામાં આવેલ હતું જે સદંતર નિષ્ફળ ગયું છે. રાજ્ય સરકારે પરીક્ષા સંદર્ભે યુવાનો માટે સંવેદના દાખવીને ફરિયાદો સંદર્ભે એસઆઈટીની રચનાની તેમની માંગણી મુજબ એસઆઈટીની રચના કરી દીધી છે અને એસઆઈટીની બેઠકો  પણ ગઇ કાલથી શરૂ થઇ ગઇ છે. બેઠકમાં તપાસ બાદ જે પણ નિષ્કર્ષ આવશે તે મુજબ રાજ્ય સરકાર ચોક્કસ હકારાત્મક નિર્ણય લેશે. કોઇપણ ગેરરીતી જણાશે તો અમે ચલાવવા માંગતા નથી. યુવાનોની જે શંકા-કુશંકાઓ હશે એ તમામનું સમાધાન કરવા રાજ્ય સરકાર ચોક્કસ પ્રયાસો કરશે એટલે યુવાનોન ગરમાર્ગે ન દોરવવા પણ મંત્રીએ અપીલ કરી છે.

(8:32 pm IST)